માણસની
કોઈ ઉમદા ભાવનાની, તેના આદર્શની, તેની નૈતિક ઊંચાઈની કોઈ વાત કેટલાક
માણસોને ગળે જ નથી તરતી. માણસના સ્વભાવ વિશે અધિક અંશે ઘણું બધું ખરાબ
હોવાનું માનનારી વ્યક્તિને આપણે નિરાશાવાદીહતાશાવાદી ગણીએ છીએ, આવી
વ્યક્તિઓને કેટલીક વાર કશું સીધું કે સારું દેખાતું જ નથી, તેને બધું જ
આડુંઅવળું, ઊંધુંચત્તું અને પોલંપોલ જેવું લાગે છે, ત્રાંસી નજરે વ્યક્તિ
કે સમુદાયને જોનારા માણસ અત્યંત અળખામણા બને છે. વક્રદર્શનની આવી વિશિષ્ટ
દ્રષ્ટિવાળા માણસોમાંથી બહુ જ થોડા એવા નીકળે છે, જેમની વાણી કડવી લાગવા
છતાં તેમાં કશુંક ગુણકારી સંભવી શકે છે.
સત્તરમા સૈકાની શરૂઆતમાં આવો એક માણસ જન્મ્યો હતો પૅરિસમાં. સોળસો તેરની સાલમાં પંદરમી સપ્ટેમ્બરે જન્મેલો લા રોસેફુકોલ્ડ (La
Rochefoucauld) રાજવંશી ખાનદાનનો હતો. તેને આગળ ઉપર ડ્યૂકનો ખિતાબ પણ
મળ્યો હતો. સોળ જ વર્ષની ઉંમરે પરણ્યો હતો. રાજદરબારની ખટપટોમાં ભાગીદાર
અને શિકાર બંને બની ચૂક્યો હતો. લશ્કરમાં પણ સામેલ હતો. ૩૯ વર્ષની ઉંમરે
લડાઈમાં જખ્મી બન્યો. ૬૭ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. બાવન વર્ષની ઉંમરે
એણે જ્યારે ‘મેક્સિમ્સ’ (સૂક્તિઓ) પુસ્તિકા પ્રગટ કરી ત્યારે તેના
સમકાલીનોને આંચકો લાગ્યો હતો. અર્વાચીન વાચકોને આજે કદાચ એવો આઘાત નહીં
લાગે, વાચકને લાગશે કે આ ચિંતનલેખકે મનુષ્યસ્વભાવને બહુ જ કાળો ચીતર્યો છે,
આવા આક્ષેપમાં જરૂર તથ્ય છે, પણ સાથેસાથે આ માણસ જે કંઈક કડવુંકાળું કહે
છે તેમાં પણ કાંઈક હકીકત છે, તેનો ઇન્કાર પણ થઈ નહીં શકે. થોડાક જ શબ્દોમાં
તે માનવસ્વભાવના કોઈ ને કોઈ ડાણને સ્પર્શી શકે છે, પકડી શકે છે.
આ ‘મેક્સિમ્સ’ના થોડા નમૂના અહીં આપ્યા છે.
-
માણસો ભલાઈ અને બુરાઈ બંનેને ભૂલી જતા હોય છે એટલું જ નહીં પણ જેણે
પોતાનું ભલું કર્યંુ હોય તેને ધિક્કારતા હોય છે. જેણે પોતાનું ખરાબ કર્યું
હોય તેને ધિક્કારવાનું બંધ કરી દે છે.
- બીજાઓનાં દુર્ભાગ્યો વેઠવાનું બળ આપણા સૌમાં હોય છે!
- દુર્ભાગ્ય કરતાં સદભાગ્ય સહન કરવા માટે વધુ સદગુણ ની જરૂર રહે છે.
- સૂર્ય સામે અને મોત સામે કોઈ સીધી નજરે તાકી શકતું નથી.
- આપણી આશાઓ પ્રમાણે આપણે વચનો આપીએ છીએ અને આપણી શક્તિ અનુસાર તેનું પાલન કરીએ છીએ.
- આપણે જાતે કલ્પના કરીએ છીએ એટલા સુખી કે દુઃખી આપણે ક્યારેય હોતા નથી.
- પરિણામ પરથી પ્રેમનું મૂલ્યાંકન કરવા જઈએ તો એમ જ લાગે કે પ્રેમ દોસ્તી કરતાં દુશ્મનાવટને વધુ મળતો આવે છે.
- દરેક માણસ પોતે સારા હૃદયનો હોવાનું કહે છે, કોઈ પોતાનું મન સારું હોવાનું કહી શકે તેમ નથી.
- દિલ હંમેશાં દિમાગને મૂર્ખ બનાવે છે.
- આપણી પોતાની જ ખુશામત આપણે કરીએ નહીં તો આપણે ભાગ્યે જ રાજી રહી શકીએ!
- બીજાઓની બાબતમાં ડાહ્યા થવાનું સહેલું હોય છે પણ આપણી પોતાની બાબતમાં ડાહ્યા થવાનું મુશ્કેલ હોય છે.
- પ્રશંસા સાંભળવાનો ઇન્કાર કરવો તેનો અર્થ બે વાર વખાણ સાંભળવાની માગણી કરવી છે.
-
આવી પડનારાં દુર્ભાગ્યોની કલ્પનામાં આપણી બુદ્ધિ વાપરવા કરતાં ચાલુ
દુર્ભાગ્યને પહોંચી વળવામાં આપણી બુદ્ધિ વાપરવાનું બહેતર છે. દંભ એટલે સદગુણને દુર્ગુણે આપેલી સલામી!
- મોટા ભાગના માણસો માટે તેમની કૃતજ્ઞતાની લાગણીમાં વધુ લાભો ખાટવાની છાની ઇચ્છાથી વધુ કંઈ હોતું નથી.
-
આપણી નાની ત્રુટિઓ આપણે એકદમ કબૂલ કરીએ છીએ, અને એમ કરીને આપણે બીજાઓને
એવું સમજાવવા માગતા હોઈએ છીએ કે આપણામાં કોઈ મહાન ત્રુટિઓ નથી.
-
ભાગ્યની મહેરબાની જેમને મળી નથી હોતી તેમને ભાગ્ય ખરેખર આંધળું લાગે છે.
ભાગ્યની સાથે કામ પાડવાનો તરીકો એક જ છે, તબિયતની બાબતમાં આપણે આ જ તરીકો
અજમાવીએ છીએ ઃ તબિયતની જેમ જ ભાગ્ય સારું હોય ત્યારે તેને માણો, ભાગ્ય ખરાબ
હોય ત્યારે ધીરજ રાખો અને અંતિમ ઇલાજનો આશરો કદી ન લો!
- આપણાં ઉત્તમમાં ઉત્તમ કાર્યો પાછળના મૂળ હેતુઓની જગતને જાણ થતી હોત તો આપણે તેને માટે શરમાઈ મરતા હોત!
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.