અહીંસાની આગેકુચ…
ખાસ વીનન્તી :
આ
લેખ અહીંસાને કેન્દ્રસ્થાને રાખી વાંચવાનો છે. પોતાની માન્યતાથી ભીન્ન
રજુઆત વાંચવાથી જેમની લાગણી દુભાતી હોય એમના માટે આ લેખ ન વાંચવો હીતાવહ
રહેશે…..
રામાયણ અને મહાભારતના સાચાપણા માટે વીવાદ
ઉઠતો રહે છે. આપણે એમાં ન પડતાં એટલું તો સ્વીકારીએ કે સો કરોડ લોકોની
સંસ્કૃતી અને જીવનપદ્ધતી પર સૌથી વધુ પ્રભાવ આ બે મહાગાથાઓનો છે. એટલે
રામાયણ અને મહાભારત વાસ્તવીક હોય યા ન હોય, એમને અવગણી તો ન જ શકાય.
આ મહાકાવ્યોનું અસલી સંસ્કૃત લખાણ તો સાવ
ઓછા લોકોએ વાચ્યું હશે. જૈન રામાયણ અને મહાભારત છે એવું સાંભળ્યું છે, એ
જોયું કે વાચ્યું નથી. અત્યારે જનસામાન્યના મનમાં જે સ્વરુપે છે તે
મુખ્યત્વે રામાનન્દ સાગર અને બી. આર. ચોપરાની રજુઆતનું છે. નીચેનું લખાણ
એના સંદર્ભમાં છે.
પ્રચલીત માન્યતાની તરફેણમાં લખવું સહેલું
અને સુરક્ષીત હોવાથી એવું ઘણું લખાય છે. માન્યતાની બીજી બાજુ રજુ કરવાનો
આશય આંધળા વીરોધનો લગીરે નથી. તે વીષયને બીજા દૃષ્ટીકોણથી તપાસવાની–જોવાની
કોશીશ છે. વૈચારીક તેમજ સાંસ્કૃતીક વીકાસ માટે તે જરુરી છે.
આ મહાકાવ્યોમાં વર્ણવાયેલ બધું તત્કાલીન
સમાજની વાસ્તવીકતા હશે. અત્રે એને મુલવવાની કોશીશ નથી કરી; બલકે આજનાં
જીવનમુલ્યો, સાચાં–ખોટાંની આપણી સમજ, માનવતા વગેરેના સંદર્ભમાં વીચારતાં આ
મહાકાવ્યોના કેટલાક પ્રસંગો મનને મુંઝવતા પ્રશ્નો ઉઠાવે છે. એમાંથી થોડાને
અહીં અહીંસાના માપદંડથી જોઈએ.
(1)
રામાયણનો સૌથી વધારે જાણીતો પ્રસંગ છે રામ–રાવણનું યુદ્ધ. દર દશેરાએ એની
યાદ તાજી કરાય છે તેમ જ અન્ય કેટલાયે પ્રસંગે એનો ઉલ્લેખ થાય છે.
કોઈનું અપમાન કરવું હોય, કોઈ વાતનો બદલો
લેવો હોય તો એનો સૌથી અકસીર રસ્તો છે એની પત્નીનું અપહરણ કરવાનો. એ અનુસાર
રાવણ સીતાનું અપહરણ કરે છે. સ્ત્રીના અપહરણનો આ પહેલો પ્રસંગ નહીં હોય, અને
છેલ્લો તો નહોતો જ.
આને બે વ્યક્તીઓ વચ્ચેનો અંગત મામલો
કહેવાય. સામાન્ય રીતે જ્યારે આવો બનાવ બનતો ત્યારે બે જણ વચ્ચેના દ્વન્દ્વ
દ્વારા એનો ઉકેલ લવાતો.
શ્રીરામ સામાન્ય રાજા નહોતા. એમના મનમાં
પોતાની પ્રજા ઉપરાન્ત સમસ્ત સૃષ્ટીનું હીત રહેલું હતું. વીષ્ણુના અવતાર એવા
ત્રીકાળજ્ઞાની રામને ખબર હતી કે પોતે અજેય છે તેમ જ તેમના સીવાય રાવણને
બીજો કોઈ હરાવી કે મારી શકે એમ નથી. યુદ્ધના અન્તે રામ–રાવણ સામે સામે આવે જ
છે. યુદ્ધનો અન્ત પણ એમના દ્વન્દ્વથી જ આવે છે. એ દરમીયાન બન્ને બાજુના
કેટલા બધા સૈનીકોનું મૃત્યુ થાય છે ! શું આટલા લોકોની આહુતી જરુરી હતી ?
જે કથાને આધારે સંસ્કૃતી રચાય છે અને ઘડાય છે તે કથા માત્ર રસપ્રદ હોય એ પુરતું નથી. એનો દરેક પ્રસંગ આદર્શ હોવો જરુરી છે.
શાન્તીકાળમાં દરેક દેશના સૈન્યમાં
સ્વેચ્છાએ ભરતી થયેલ સૈનીકો હોય છે. જ્યારે કોઈ દેશ યુદ્ધે ચઢે છે કે પરાણે
ચડવું પડે છે ત્યારે, સૈન્યમાં યુવાનોની ફરજીયાત ભરતી કરવામાં આવે છે.
અર્વાચીન ભારત ક્યારે પણ મોટા યુદ્ધમાં સંડોવાયું નથી. ભારતની વસતી અને
ગરીબીને લીધે ફરજીયાત ભરતીની જરુર ઉભી થઈ નથી એટલે આપણને એનો ખ્યાલ ન હોય.
આવી રીતે ફરજીયાત જોડાયેલ સૈનીકો અને ધન્ધાકીય રીતે જોડાયેલ સૈનીકોમાં ફરક
હોય છે.
રાવણની સેનામાં તે સમયે આવા ફરજીયાત ભરતી
કરેલા સૈનીકો હશે જ. સુગ્રીવની પુરી સેનાને (વાનરસેના) આ યુદ્ધ સાથે શી
નીસબત હતી ? યુદ્ધમાં જે સૈનીકો મરે છે એનાં કુટુમ્બો નીરાધાર થાય છે.
યુદ્ધનો અન્ત કેવી રીતે આવવાનો છે એની રામને ખબર હોવા છતાં; યુદ્ધમાં આટલી
બધી નીર્દોષ વ્યક્તીઓનો ભોગ આપવાનું કારણ શું હતું ?
આજે સમગ્ર વીશ્વ ઈરાક–અમેરીકાના યુદ્ધનો
વીરોધ કરે છે. ખુદ અમેરીકાની બહુમતી પ્રજા, જે શરુઆતમાં યુદ્ધને ટેકો આપતી
હતી તે, આજે યુદ્ધ આટોપવાની તરફેણમાં છે; કારણ કે બધાને ઈરાકના નાગરીકોની
યાતના નજર સામે દેખાય છે. ભુતકાળનું જે દેખાતું નથી એનું મહત્ત્વ ઓછું નથી
થઈ જતું.
યુદ્ધ એ રાજકારણનું વીસ્તૃતીકરણ ગણાય છે. મહત્ત્વાકાંક્ષી નેતાઓના અંગત એજન્ડા માટે કેટલાયે નીર્દોષ લોકો ખુવાર થઈ જાય છે. આજે આ બધું સ્પષ્ટ દેખાય છે. પહેલાં એવું નહોતું એમ માની ન લેવાય.
(2)
મહાભારતની કથા ધર્મયુદ્ધના નામે ઓળખાતા કરુક્ષેત્રના યુદ્ધ આસપાસ વણાયેલી
છે. યુદ્ધ નીવારવાના બધા પ્રયાસો નીષ્ફળ જતાં, અન્તે કૌરવ–પાંડવ
યુદ્ધમેદાનમાં સામસામે આવી જાય છે. બધા સ્વજનોને સામે ઉભા જોઈને વીવશ
અર્જુનને શ્રીકૃષ્ણ જે બોધ આપે છે તે શ્રીમદ્ ભગવદગીતા નામે હીન્દુ
વીચારધારાનો પાયાનો ગ્રંથ બની જાય છે. અન્તે યુદ્ધ થાય છે. આઠ જણ સીવાય
બન્ને બાજુના બધાનો એમાં નાશ થાય છે.
અહીં પણ મન મુંઝાય છે અને પ્રશ્ન ઉઠે કે શું યુદ્ધ નીવારવા બધા પ્રયત્નો સાચે જ થયા હતા ?
રાજવંશની વ્યકતીઓ માત્ર રાજ કરે; બીજું કંઈ
ન કરે એ ત્યારની પ્રથા હશે. આ પ્રથા એટલી સબળ હોય કે એના માટે સર્વનાશ
વહોરી લેવાય ! મીત્રરાજ્યમાં પાંડવો એક વર્ષ માટે અજ્ઞાતરુપે સામાન્ય
નાગરીક થઈને રહ્યા હતા. હવે તો અજ્ઞાતવાસનો સવાલ નહોતો. પ્રતીષ્ઠા સાથે
મીત્રરાજ્યમાં રહી શક્ત. અંતર્યામી કૃષ્ણને યુદ્ધનાં પરીણામ વીશે બધી ખબર
હતી. એમણે સર્વનાશ નીવારવા આ પ્રયાસ કર્યો હતો ?
યુધીષ્ઠીરને બધા ભાઈમાં સૌથી વધુ
ધીરગમ્ભીર, નમ્ર, માયાળુ, ભાવનાશીલ વગેરે બતાવવામાં આવે છે. યુદ્ધ મેદાનમાં
જે રીતે અર્જુન વીવશ થાય છે તેમ યુધીષ્ઠીર પણ થયા હશે. યુદ્ધ નીવારવાની એક
વધુ શક્યતા તપાસીએ.
યુદ્ધ મેદાનમાં શ્રીકૃષ્ણ અર્જુનને બદલે યુધીષ્ઠીરને ઉપદેશ આપે છે. એ કાલ્પનીક તેમ જ વૈકલ્પીક
ઉપદેશનો સાર યુધીષ્ઠીરના શબ્દોમાં જોઈએ. કૌરવ પક્ષમાં ઉભેલા વડીલોને
પ્રણામ કરી યુધીષ્ઠીર કહે છે: ‘અમે અહીં અમારી સાથે થઈ રહેલ અન્યાય સામે
લડવા આવ્યા છીએ; આપ સાથે લડવા કે આપને મારવા નથી આવ્યા. અમે મરવાથી પણ નથી
ડરતા. એક ક્ષત્રીય તરીકે અમે હવે યુદ્ધભુમી છોડીને પણ નથી જવાના; તેમ જ
કૃષ્ણની જેમ અમે પણ શસ્ત્રો વાપરવાના નથી. જ્યાં સુધી અમને અમારો હક ન મળે
ત્યાં સુધી અમે પાંચ ભાઈઓ અન્નજળનો ત્યાગ કરી અહીં જ ઉભા રહીશું.’
પછી પોતાના પક્ષના બધા યોદ્ધાઓ અને
સૈનીકોનો આભાર માની કહે છે, ‘તમને બધાને પોતપોતાના ઘરે પાછા જવાની છુટ છે.
તમારા પર યુદ્ધભુમી છોડી જવાનું કલંક નહીં લાગે. સત્યવક્તા યુધીષ્ઠીરનું આ
વચન છે.’
ફરી પાછું કૌરવો તરફ વળીને કહે છે, ‘આપ પણ
આપના સૈનીકોને પાછા જવાની છુટ આપી શકો છો; પણ આપ સૌ મહારથીઓને યુદ્ધભુમી
છોડી જવાની છુટ નથી. આપને યોગ્ય લાગે તો અમને હણી શકો છો. આપ સૌને અહીં જ
રહેવાનું છે.’ વગેરે વગેરે સમ્પુર્ણ ‘ગાંધીગીરી’ કરે છે.
દુર્યોધનને તો વગર યુદ્ધે જોઈતું મળી જાત;
પણ ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ વગેરે મહારથીઓના પ્રત્યાઘાત કેવા હોત અને એનું
પરીણામ શું આવત એ વાચકો પોતાની રીતે વીચારી લે. બીજું કંઈ નહીં તોયે; લાખો
નીર્દોષ સૈનીકો બચી ગયા હોત. પાંડવોના વારસાગત હક માટે લાખો સૈનીકોનાં
જીવનનો મુળભુત હક છીનવાયો ન હોત. એમનાં પરીવાર નીરાધાર ન થયાં હોત. કે પછી
ત્યારની સમાજવ્યવસ્થામાં સૈનીકો અને એમનાં પરીવારનાં જીવનની કંઈ કીંમત જ
નહોતી !
(3) પત્નીને
એટલા માટે અર્ધાંગના કહેવામાં આવી છે કે તે પતીની મર્યાદાઓની પુરક બને.
(આમ તો પતી–પત્ની બન્નેએ એકબીજાનાં પુરક બની, પાર્ટનર બની, સંસારના પ્રશ્નો
ઉકેલવાના હોય છે.) અન્ધ રાજકુમાર સાથે વીવાહ નક્કી થતા આંખે પાટા બાંધી
સ્વેચ્છાએ જીવનભરનો અંધાપો સ્વીકારી લેનાર ગાંધારીને મહાસતીનું બીરુદ
મળ્યું છે. શું એનું આ પગલું વાજબી હતું ? પતીની ખામી પ્રત્યેની
સહાનુભુતીથી પોતે પણ એની મજબુરીનો અહેસાસ કરી કદાચ પત્નીધર્મ (!) નીભાવ્યો
હોય. એના બદલે મહારાજ ધૃતરાષ્ટ્રની આંખો બની મહારાણી તરીકેની ફરજ બજાવવી એ
વધુ જરુરી નહોતું ? એ રીતે કેટલાંયે સંકટો નીવારાયાં હોત.
(4) પીતાની
એક ઈચ્છા પુરી કરવા પુત્ર દેવવ્રત આકરી પ્રતીજ્ઞા લઈ ભીષ્મ તરીકે પ્રસીદ્ધ
થયા. એ પ્રતીજ્ઞા પાળવા એમણે કંઈ કેટલીયે બાંધછોડ કરી. કોઈ ચોક્કસ
સંજોગોમાં લીધેલી પ્રતીજ્ઞા સંજોગો બદલાતાં પણ તોડી ન શકાય એવી સમજ ત્યારે
દૃઢ બનેલી હશે. દેશના હીતમાં, માનવસમાજના હીતમાં ગાંધારીએ તેમ જ ભીષ્મ
પીતામહે પોતાની પ્રતીજ્ઞાઓ તોડી હોત તો કેટલો વીનાશ ટાળી શકાયો હોત ! આજના
સંદર્ભમાં કોઈ એક વ્યક્તીની પ્રતીજ્ઞા કે વચન આટલા માનવસંહાર કરતાં વધારે
અગત્યનાં હોઈ શકે ?
(5)
મહભારતના યુદ્ધ દરમીયાન ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ, અભીમન્યુ, દુર્યોધન,
પાંડવપુત્રો વગેરેને મારવા માટે બન્ને બાજુના યોદ્ધાઓએ પોતાના
ક્ષત્રીયધર્મનું તેમજ યુદ્ધના નીતીનીયમોનું ઉલ્લંધન કર્યું હતું. જીતવા
માટે નીયમોનો ભંગ વાજબી હતો પણ સંહાર અટકાવવા પ્રતીજ્ઞાનો ભંગ વાજબી નહોતો
લાગ્યો ?
♦♦♦
થોડા સમય પહેલાં પસાર થયેલી
ગાંધીજીની ૬૦મી પુણ્યતીથી નીમીત્તે એમના વીશે સમાચારપત્રોમાં ઘણું લખાયું
હતું. એમાંનો એક લેખ ખાસ ધ્યાન દોરી ગયો. ‘મોહનથી મોહન, વાયા મહાવીર’ એ
લેખમાં શ્રીકૃષ્ણ (મોહન), મહાવીર અને ગાંધીજી(મોહનદાસ)ના વીચાર અને જીવનની
સરખામણી કરી હતી. આપણે એમને થોડા જુદા દૃષ્ટીકોણથી જોઈએ.
પાંડવોને એમના રાજ્યનો હીસ્સો અપાવવા માટે
કૃષ્ણને, વીષ્ટી નીષ્ફળ જતાં યુદ્ધ અનીવાર્ય લાગ્યું. એમને અત્યારે અહીંસક
વીકલ્પો યોગ્ય લાગ્યા નહીં કે પછી સુઝ્યા નહીં ?
મહાવીર અને બુદ્ધ, બન્નેએ બીજાનાં દુ:ખો
નીવારવા પોતાના હકનાં રાજપાટ હતાં તે છોડ્યાં. દુનીયાને અહીંસાનો માર્ગ
બતાવ્યો. જો કે એમની અહીંસા વ્યક્તીગત અજમાયશ પુરતી સીમીત રહી છે.
સાર્વજનીક રીતે જનસમુદાય જેટલી વીસ્તૃત ન બની શકી. એમના ઉપરાંત ઘણા
સાધુસંતોએ પણ અહીંસાનો વ્યક્તીગત અમલ કર્યો છે.
ગાંધીજીની અહીંસાનો વીસ્તાર સાર્વજનીક હતો.
એમણે સત્તારુઢ શાસકોને શાસન છોડી જવાની ફરજ પાડી, સત્ય અને અહીંસાને
માર્ગે ગાંધી કોઈ અવતારી પુરુષ નહોતા. આપણી જેમ જ સામાન્ય વ્યક્તી તરીકે
જનમ્યા અને ઉછર્યા હતા. એમણે ઘણી ભુલો પણ કરી હતી અને જાહેરમાં એનો એકરાર
પણ કર્યો હતો આટલી ઉન્નત અને વીસ્તૃત
હોવા છતાં એમની અહીંસાના પ્રયોગની પણ મર્યાદા હતી. એ અંગ્રેજો સામે કામ
આવી; પણ પોતાના જ દેશબાંધવો સામે કામ ન આવી શકી. દેશના
ભાગલા વખતે ફાટી નીકળેલાં કોમી રમખાણોને અટકાવવામાં એ નીષ્ફળ નીવડી.
ગાંધીજી લાંબું જીવ્યા હોત તો આવા બનાવોને કારણે એમની પાછલી જીન્દગીમાં તેઓ
સાર્વજનીક અહીંસાના સફળ પુજારી ગણાયા હોત કે નહીં એ એક પ્રશ્ન રહી જાય છે.
કમનસીબે અહીંસાના પુજારીનું મૃત્યુ કુદરતી નહોતું, હીંસક હતું. દેશ તેમ જ એમના ચાહકો માટે તે દુ:ખદ ઘટના હતી. એમના ભોગે અહીંસાની શાખ જળવાઈ કહેવાય ?
આવા સંવેદનશીલ વીષય પર અલગ મંતવ્ય રજુ
કરવાનો એક અર્થ એ કરી શકાય કે લખનારને આવા બનાવો પાછળના ગુઢ સંદેશ વીશે કંઈ
સમજ નથી એ હોઈ શકે છે. બીજો અર્થ એ પણ હોઈ શકે કે માનવ સંસ્કૃતી ધીરેધીરે
વીકાસ પામી રહી છે. સાંસ્કૃતીક વીકાસનાં આ પગથીયાં છે.
આડેધડ યુદ્ધ કરવા કરતાં એને નીવારવા પ્રયાસ કરવા અને ન છુટકે જ યુદ્ધનો આશરો લેવો એ અહીંસાનું પહેલું પગથીયું હતું. કોઈ પણ સંજોગોમાં યુદ્ધ ન કરવાનો, બદલો ન લેવાનો, ક્ષમા કરવાનો મહાવીરનો સંદેશ એ અહીંસાનું બીજું પગથીયું હતું. જ્યાં સમયનો બાધ ન હોય ત્યાં અહીંસક રીતે અન્યાયી સત્તા સામે લડતા રહેવું એ ગાંધીજીનો માર્ગ ત્રીજું પગથીયું હતું. જ્યાં એક એક ક્ષણ અગત્યની હોય એવા યુદ્ધ મેદાનમાં, આક્રમણખોર સામે અહીંસા અજમાવવી એ માનવજાતની અહીંસાવૃત્તીનું ચોથું પગથીયું હશે. (નાના પાયે પ્રયોગ સફળ રીતે અજમાવાયો હોય એવા દાખલા વર્તમાનમાં નોંધાયા છે.)
એ ભુલવું ન જોઈએ કે પહેલાં પગથીયાંની
અગત્યતા પછીનાં પગથીયાં કરતાં જરાય ઓછી નથી. એના વગર બીજાં પગથીયાંનું
અસ્તીત્વ શક્ય નથી. એટલે જ જુદેજુદે તબક્કે અહીંસા આચરનાર બધા મહાપુરુષો
વંદનીય છે.
આગળ ચર્ચેલાં મહાકાવ્યોનાં દૃષ્ટાંત ઉપરાંત
અન્ય કેટલીક વીસંગતતાઓ તે જ અન્ય પુરાણો કે દંતકથાઓ વીશે પણ મનમાં પ્રશ્ન
ઉઠે છે. વાલ્મીકી કે વેદવ્યાસ કોઈ પ્રકારે આપણી પાસે આવી શકે તો બધા
પ્રશ્નો સરસ રીતે ઉકેલી શકાય. પણ એ શક્ય નથી. જો કે આવા પ્રશ્નોના ઉત્તર
મેળવવા અગત્યના નથી અને જરુરી પણ નથી. અગત્યની વાત એ છે કે બે ત્રણ હજાર
વરસ પુરાણી વીચારધારાનું આંધળું અનુકરણ આજે ન કરાય. એને વર્તમાન સંજોગોમાં
તપાસવી જરુરી છે. દરેક વીષયની માવજતની સમજ ઘણી વધી છે. રોજરોજ
બનતી કેટલીયે ખરાબ ઘટનાઓ ઉપરાંત વર્તમાન સમાજ એકંદરે સંસ્કારી છે. રામનું
એકપત્નીવ્રત એક આદર્શ ગણાતું, આજે તે એક સામાન્ય બાબત ગણાય છે. કહેવાતા
સતયુગમાં પ્રચલીત એવા વર્ણભેદ, જાતીભેદ ઘટી રહ્યા છે. દાસ–દાસી જેવા શબ્દો
ભુંસાતા જાય છે. ગુલામી નાબુદ થઈ છે. સામાન્ય માણસની જીન્દગીની પણ કદર થાય
છે.
આ તો એક જ સદીનો પ્રતાપ ગણાય; પાંચ – છ સદીઓ પછી તો શુંનું શું થઈ શકે છે….
અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર