પરસ્પરના વહેવારમાં આપણે ગાંઠો બાંધીને બેઠા છીએ. કોઈએ ગાળ દીધી, કોઈએ અપમાન કર્યું, કોઈએ મને હરાવી દીધો, કોઈ મારૂં લઈ ગયો, કોઈ મને બનાવી ગયો. આ બધી વાતો ભુલાતી નથી. અને બીજા પ્રત્યે ઘૃણા, તિરસ્કાર અને વેરનાં બીજો વવાય છે. પ્રેમ અને ક્ષમા દ્વારા જ પરસ્પરના દિલને જીતી શકાય. જીવનમાં હાર-જીત, જય-પરાજય, ચડતી-પડતી બધું આવ્યા કરે છે. મન પર સંયમ અને ક્ષમતા હોય તો કશુ વિચલિત કરી શકે નહીં. કેટલીક બાબતો ભૂલવા માટે હોય છે. આપણે જે ભૂલી જવું જોઈએ તે યાદ રાખીએ છીએ અને જે યાદ રાખવું જોઈએ તે ભૂલી જઈએ છીએ. કોઈએ સારું કર્યું હોય તે યાદ આવતું નથી પણ કોઈએ બે શબ્દો કહી નાખ્યા તો જીવનભર યાદ રાખીએ છીએ.
માણસ સમય અને સંજોગોને આધીન છે. આપણે બધા અદના માનવીઓ છીએ. ભલાઈ અને બુરાઈ બંને આપણામાં છે. બૂરાઈને, ઊણપોને દૂર કરવા પ્રયાસ થવા જોઈએ. દરેક માણસ ભૂલને પાત્ર છે. જીવનમાં ભૂલો થતી રહે છે, પરંતુ તેમાંથી શીખવાનું હોય છે. વારંવાર ભૂલો કરતા રહીએ તો તેને અર્થ એ થયો કે આપણે આપણા અનુભવમાંથી કશું શીખવા માગતા નથી. જીવન એ મોટી પ્રયોગશાળા છે. જીવનમાં થોડા ઉદાત્ત સિદ્ધાંતો અને ભાવનાઓને મનમાં ઉતારીએ, પરસ્પર સહિષ્ણુ બનીએ, પ્રેમ અને કરુણા વહાવીએ તો જીવનાં કદી દુ:ખ અને સંતાપ રહેશે નહીં. આપણે આપણી તરફ નજર રાખવાની છે. બીજો શું કરે છે તેની ચિંતામાં પડવાની જરૂર નથી. કોઈની ક્ષતિ, કોઈની ભૂલ, કોઈનું દૂષણ આવી શુદ્રતાને શોધીને અભિમાન લેવાની અને પોતાને સારા કહેવરાવવાથી કશું વળશે નહીં. આપણે બીજાના દોષો એટલા માટે જોઈએ છીએ જેથી આપણી ઊણપો ઢંકાઈ જાય. આ રીતે આપણે આપણી જાતને છેતરી રહ્યાં છીએ. બીજાના રાઈ જેટલા દોષો આપણી નજરમાં આવે છે, પણ આપણા મોટા દોષો આપણને દેખાતા નથી. બીજાના દોષો જોવાના હોય ત્યારે આપણે ન્યાયાધીશ બની જઈએ છીએ. આપણી દૃષ્ટિ શુભ તરફ હોવી જોઈએ. દરેક માણસમાં કાંઈક સારું અને શુભ પડેલું છે. શુભનું ચિંતન આપણને ગુણાનુરાગ તરફ લઈ જાય છે. નકારાત્મક વિચારધારા માણસને જીવનથી વિમુખ બનાવે છે. તેને કશું સારું દેખાતું નથી. દરેક વાતમાં વાંધાવચકા કાઢે છે. કોઈ બાબતમાં સંતોષ થતો નથી. આવા માણસોને પોતાના સિવાય બીજું કોઈ સારું લાગતું નથી.
સૌજન્ય : મુંબઈ સમાચાર
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.