Saturday, August 17, 2013

ખુશી મેળવવાનો સચોટ ઉપાય – નીલમ દોશી


લાગે છે જયારે જીવનમાં કંઇ જ બચ્યું નથી જીવનની એ નવી જ શરૂઆત હોય છે.
ડો. રઇશ મનીયારની આ નાનકડી પંક્તિ બહુ મોટી વાત કહી જાય છે. જીવનમાં નિરાશાના, દુ:ખના, વેદનાના પ્રસંગોની આવનજાવન ચાલતી રહે છે. જીવન કદી એકધારી રીતે વહેતું નથી અને વહેવું પણ ન જોઇએ. જયારે કોઇ નિકટનું સ્વજન અચાનક આપણને છોડીને ચાલ્યું જાય છે, ત્યારે કોઇ આશ્વાસન કામ લાગતા નથી. થોડો સમય તો માનવી ગહન પીડામાં ગરકાવ થઇ જાય છે. અને એ સ્વાભાવિક પણ છે. સ્વજનના ગુમાવ્યાની પીડા આશ્વાસનના કોઇ શબ્દોથી નથી શમતી. પરંતુ સમય ભલભલા ઘા રૂઝાવી શકે છે. નહીંતર તો જીવનક્રમ આગળ ચાલી જ ન શકે.
એક જાણીતી કહેવત છે. રામબાણ વાગ્યા હોય તે જાણે.. સાવ સાચી વાત છે. જેણે કોઇ નિકટનું સ્વજન ગુમાવ્યાની પીડા અનુભવી હોય એ વ્યક્તિ બીજાની પીડા જલદીથી સમજી શકે છે અને એની પીડામાં ભાગીદાર બનીને એ હળવી કરવાનો પ્રયાસ કરી શકે છે.
આલોક ઉદાસ બની આ હોટેલમાં બેઠો હતો. આજે તેની પત્નીની પ્રથમ પુણ્યતિથિ હતી. તેની પત્ની આશકાની આ પ્રિય જગ્યા હતી. અવારનવાર બંને અહીં કોફી પીવા આવતા અને કલાકો ગાળતા.આ હોટેલ તેમની અનેક સુંદર સાંજની સાક્ષી હતી. પણ આજે…. નિતાંત એકલતા તેને ઘેરી વળી. કોફી તો આવી ગઇ હતી. પરંતુ પીવાનું મન ન થયું. સાથે પીનાર કયાં ? કેન્સરે તેની પ્રિય વ્યક્તિને છીનવી લીધી હતી. તેના પ્રાણમાં એક ઉદાસી છવાઇ રહી. અચાનક તેનું ધ્યાન હોટેલના એક ખૂણામાં..કોઇની નજર ન જાય તે રીતે બેસેલ એક યુવતી પર પડી. તેની આંખોમાં પણ તેને ઉદાસીની એક ઝલક નજરે પડી. પરંતુ કદાચ આ તો પોતાના જ મનનું પ્રતિબિંબ…! પોતાની ઉદાસ દ્રષ્ટિને બધે ઉદાસી જ દેખાય છે. છતાં ન જાણે કેમ પણ તેણે તે યુવતીનું નિરીક્ષણ ચાલુ રાખ્યું. ના, ના, આ પોતાને ઉદાસીનું પ્રતિબિંબ નથી જ. ખરેખર તેની આંખોમાં…ચહેરા પર છવાયેલી ઉદાસી..અસ્વસ્થતા તે જોઇ શકતો હતો. કોઇની નજર તેના પર ન પડે તે રીતે તે ચહેરો પાછળ ફેરવી બેઠી હતી. આ તો પોતે એ રીતે બેઠો હતો તેથી તેને જોઇ શકતો હતો.
આલોકે તેના ચહેરાના ભાવ વાંચવાનો પ્રયત્ન કર્યો. ના…ના…કોઇ વાત જરૂર છે જે તેને અસ્વસ્થ બનાવે છે. યુવતીએ માથા પર સુંદર સ્કાર્ફ વીંટેલ હતો. તેનો લંબગોળ ચહેરો, પાણીદાર આંખો, કપાળ પર નાનકડી કાળી બિન્દી, બધું મળીને એક સુંદર વ્યક્તિત્વનો એહસાસ થતો હતો. આ ઉદાસી કયા કારણે ? તેને જાણવાની જિજ્ઞાસા થઇ. પણ એમ અજાણી વ્યક્તિને પૂછાય કેમ ? અને એવું કશું ન નીકળે અને પોતે હાસ્યાસ્પદ બની રહે કે પછી…. જે હોય તે મારે શું ? એમ વિચારી તેણે અભાનપણે હાથમાં કોફીનો કપ ઉપાડયો. આશકાની ઝિલમિલ આંખોનું પ્રતિબિંબ કોફીમાં ઉપસતું હતું કે શું ?
અચાનક હવાની એક લહેરખી આવી. યુવતીના માથા પરનો સ્કાર્ફ ફરફર્યો. યુવતી જાણે બેબાકળી બની ગઇ. તેણે જોશથી સ્કાર્ફ પકડી રાખ્યો..કોઇ જોઇ તો નથી ગયું ને ? તેની નજર ચારે તરફ ફરી રહી. આલોકે પોતાના ચહેરા આડે છાપુ ધર્યું. પણ જે જોવાનું હતું તે તો એક ક્ષણમાં જોવાઇ ગયું હતું. યુવતીના માથા પર વાળ નહોતા..ફકત વાળના અવષેશ જ બચ્યા હતાં. નાના નાના વાળ ઊગવાની શરૂઆત થઇ હતી. આશકા પણ આમ જ…કીમોથેરાપી કરાવ્યા બાદ આમ જ સ્ક્રાફ બાંધી રાખતી…! આમ જ વિહવળ રહેતી..કોઇ તેને જોઇ જાય આ રીતે તે તેને જરાયે પસંદ નહોતું પડતું. પોતે ઘણી વખત આશકાને સમજાવતો.. ‘એમા શરમાવા જેવું શું છે ? શા માટે એવો કોઇ ડર રાખે છે ? તું તારે બિન્દાસ રહે ને…હું છું ને તારી સાથે ?’ પણ આશકા એ પરિસ્થિતિ કયારેય મનથી સ્વીકારી શકી નહોતી. અને રોજ સવારે ઉઠીને પહેલું કામ અરીસામાં જોવાનું કરતી..હવે કેટલા વાળ આવ્યા ? અને ઇચ્છા મુજબનો ગ્રોથ ન દેખાતા તેની વિશાળ આંખોમાં આમ જ ઉદાસી છવાઇ જતી. અને વાળ પૂરા ઊગે તે પહેલાં તો…..
અચાનક આલોકે એક કાગળ લીધો..પેન ઉપાડી અને.. ‘તમે ખૂબ સુંદર છો..તમારી આંખો ખૂબ સુંદર છે. તમારું વ્યક્તિત્વ એટલું સુંદર છે કે કોઈ કમી તેને સ્પર્શી શકશે નહીં. આ દુનિયા ખૂબ સુન્દર છે..માણવા લાયક છે તેને ઉદાસીની ગર્તામાં ધકેલવાની ભૂલ ન કરશો.. જે ક્ષણો ઇશ્વરે આપી છે તેને સંપૂર્ણપણે માણો..! મારી આશકા પણ આમ જ….આલોકે વેઇટરને બોલાવ્યો..કાગળ આપ્યો. અને તે દૂર ચાલ્યો ગયો.
થોડીવાર પછી તેણે દૂરથી યુવતી તરફ નજર નાખી. યુવતીએ કાગળ વાંચ્યો..આસપાસ નજર ફેરવી.. તેની ઉદાસ આંખોમાં એક ચમક ઉપસી આવી. તે ધીમેથી ઊભી થઇ અને ખૂણાની જગ્યા છોડી વચ્ચે આવીને બેસી. હવે તે બધાને જોઇ શકતી હતી. અને બધા તેને જોઇ શકે તેમ હતા. તેણે હળવેથી માથા પરનો સ્કાર્ફ કાઢયો અને આસપાસ નજર ફેરવી રહી. દૂર ઊભેલા આલોકની ઉદાસી પણ જાણે અદ્રશ્ય થઇ ગઇ. ધીમેથી વ્હીસલ વગાડતો તે હોટેલની બહાર નીકળી ગયો. બે સારા શબ્દો પણ કદી ચમત્કારનું કામ કરી શકતા હોય છે.

બીજાને આનંદ આપનાર પોતે કદી આનંદથી વંચિત રહેતો નથી. અત્તરનું પૂમડું બીજાને આપીએ ત્યારે આપનારની હથેળી આપોઆપ ખુશ્બુથી તરબતર બની ઉઠે છે. આનંદ મેળવવાનો સૌથી સચોટ રસ્તો એક જ. બીજાને આનંદ આપો..અને જુઓ ચમત્કાર.. એ પછી આપણને જે ખુશી મળશે એ ભીતરની હોય છે. જલદી નાશ પામતી નથી.
દોસ્તો, એવી ખુશી મેળવવી ગમશે ને 
સૌજન્ય : રીડ ગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.