[‘અરધી સદીની વાચનયાત્રા’માંથી સાભાર.]
છેલ્લાં ચાળીસેક વર્ષમાં અનેકાનેક કાર્યક્રમોમાં હાજરી આપવાનું બન્યું છે. શ્રોતા તરીકે, રિપોર્ટર તરીકે, વક્તા તરીકે, પ્રમુખ-અતિથિવિશેષ તરીકે. આમાંના બહુ જ થોડા કાર્યક્રમો વિશે સુખદ અનુભવો થયા છે. કેટલાક કાર્યક્રમોના આયોજન સાથે તો સંકળાવાનું પણ બન્યું છે. એવા કાર્યક્રમોના આયોજન-પાસાથી પણ કાંઈ ઝાઝો સંતોષ થયો નથી. સમારંભોનું પ્રમાણ સર્વત્ર ધોધમાર રીતે વધતું જ જાય છે. કેમ કે વસતિ વધી છે, સંસ્થાઓ વધી છે, તેઓની ઉપરછલ્લી તો ઉપરછલ્લી પણ પ્રવૃત્તિઓ વધી છે, કીર્તિવાંચ્છુઓ વધ્યા છે, પ્રસિદ્ધિની તકો વધી છે. પરંતુ સમારંભોમાં આયોજનો પરત્વેનું રેઢિયાળપણું ઘટતું નથી, વધતું જ જાય છે. આને પરિણામે મોટા ભાગના કાર્યક્રમો મનહૃદયમાં મધુર સ્વાદ મૂકી જનારા નીવડતા નથી.
પહેલી વાત એ કે બહુ થોડા સભાસમારંભો સમયસર શરૂ અને સમયસર પૂરાં થાય છે. મારા જેવા થોડાક માણસો નિયત સમય કરતાં પા-અડધો કલાક વહેલા પહોંચી જાય, પણ ભોંઠા પડે. કાં તો આયોજકો જ ન હોય અને શ્રોતાઓ હોય તો ગણ્યાંગાંઠ્યા. જાહેર થયેલા સમય કરતાં અડધો કલાક મોડો પણ જ્યારે કાર્યક્રમ શરૂ થવાના ચાળા ન વર્તાય, ત્યારે કોઈ આયોજક ગરીબડું મોઢું કરી આપણી સમક્ષ કહે : ‘હેં….હેં….હેં…! શું થાય ? આ તો ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે !’
ઓ.કે ! વક્તા કે પ્રમુખ-બ્રમુખ તરીકે જવાનું હોય, કાર લઈને આયોજકો ઘરે અમુક સમયે આવશે તેમ નક્કી થયું હોય, એટલે આપણે બિફોર ટાઈમ કપડાં-બપડાં બદલી તૈયાર થઈ બારીએ ડોકાયા કરીએ. કાર કોઈક વાર સમયસર આવે, પણ ઘણુંખરું મોડી જ આવે. એ જ બચાવ : ‘શું કરીએ ? ખાલીખમ હૉલમાં આપને લઈ જઈએ તે કાંઈ ઠીક લાગે ?’ કદીક કાર કલાક વહેલી પણ આવી ચઢે ! કારણ ? ‘ફલાણાભાઈ અને ફલાણાભાઈને પિકઅપ કરવાના છે ને રસ્તામાં તમારું ઘર પહેલું આવે એટલે પહેલા તમને જ પિકઅપ કરી લઈએ અને પછી…..!’ એટલે આપણે લૂસ લૂસ કરતા બે કોળિયા જમી, ઝટ ઝડ કપડાં બદલી કારમાં ખડકાઈએ અને નગરપરિક્રમાનો આનંદ મફતમાં માણીએ !
સભાસ્થળે પહોંચી મંચ પર ગોઠવાઈએ, એટલે કોઈક સ્માર્ટ કાર્યકર પ્રસન્ન વદન રાખી આપણા હાથમાં કાર્યક્રમના એજન્ડાનું કાગળિયું પકડાવી જાય ! હવે તો એવું કાગળિયું હાથમાં લેતાં અને તેમાંની વિગતો વાંચવી શરૂ કરતાં હું રીતસર ધ્રુજારી અનુભવું છું ! કાર્યસૂચિની આઈટેમો પંદર-વીસ-પચીસથી ઓછી હોય તો તે સાંજ કે રાત પૂરતી આપણી જાતને પરમ ભાગ્યશાળી જ માનવી પડે ! પ્રાર્થના તો હોય જ ! પછી સ્વાગત-ગીત ! સ્વાગત-પ્રવચન ! શ્રી કોમ્પિઅર કે માસ્ટર ઑફ ધ સેરિમની કહેશે : ‘શબ્દોમાં સ્વાગત બાદ હવે પુષ્પોથી સ્વાગત……!’ ભલે ભાઈ ! પણ હવે એમાં નવી તરકીબ ઉમેરાઈ છે : ધારો કે મંચ પરના પાંચ મહાનુભાવોને પુષ્પાર્પણ કરવાનાં છે, તો એક વ્યક્તિ ફટાફટ તેઓને પુષ્પગુચ્છ આપી દે તેને જૂનવાણી રીતરસમ લેખવામાં આવે છે ! તેને બદલે, ‘પ્રમુખશ્રી માનનીય અમથાલાલને સંસ્થાના પ્રમુખશ્રી જેઠાભાઈ, અતિથિવિશેષ શ્રી મફતલાલને સંસ્થાના ઉપપ્રમુખ શ્રી કચરાભાઈ, બીજા અતિથિવિશેષ શ્રી પૂંજાભાઈને સંસ્થાનાં મંત્રી શ્રીમતી જડાવગૌરી, ઉદ્દઘાટક શ્રી ઉઠાભાઈને સંસ્થાનાં સહમંત્રી કુમારી શ્લેષ્માબહેન પુષ્પગુચ્છ અર્પણ કરી પોતાના આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરશે અને મહાનુભાવોને સ્નેહની સુગંધથી તરબતર કરશે,’ તેવી સુમધુર ઘોષણા પ્રવક્તા શ્રી એકાદ શેર ફટકારવાની સાથે કરશે. જેમ કે : ‘ફૂલોની મહેક આપના સ્વાગતમાં છે હજુ, સૌરભથી બાગબાગ રહો એ જ આરઝુ….!’ ઈત્યાદિ…..ઈત્યાદિ…..!
અને હવે ‘ડાયસ પર બેઠેલા મહાનુભાવોનો પ્રેરક પરિચય…..!’ એમાં પણ એ જ આયોજન : અમથાલાલનો પરિચય માખણલાલ, જેઠાભાઈનો પરિચય શકરાભાઈ, ફોગટલાલનો પરિચય દિવાળીબહેન, જમરૂખભાઈનો પરિચય ગુવારશિંગબહેન….. ઍન્ડ સો ઓન ! દરેક પરિચાયક આટલું તો અવશ્ય કહેશે : ‘શ્રીમાન ફોગટલાલને આ શહેરમાં કોણ નથી ઓળખતું ? એમનો પરિચય આપવો તે સૂરજને આરસી બતાવવા જેવું છે, છતાં મારે માથે આવેલી ફરજ બજાવતાં હું (ફરીથી એ જ) આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું ! ફોગટલાલનો જન્મ ઈ.સ. 1920ની 1લી એપ્રિલે જામખંભાળિયામાં….!’ આખા સમારંભમાં ‘આ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું’ એવા ઉલ્લેખો તમને એટલી બધી વાર સાંભળવા મળે કે શબ્દકોશમાંથી એ બે શબ્દોને તડીપાર કરવાનું ખુન્નસ ચઢી આવે ! પણ તમે લાચાર છો…. અને તમારી લાચારી વધતી જ જવાની છે સમારંભની પૂર્ણાહુતિ સુધી !
પછી આવે મંગળદીપના પ્રજ્વલનનો મંગળવિધિ ! છેલ્લી ક્ષણે દીવાસળીની પેટી જ ખોવાઈ જાય ! મીણબત્તીની ગોઠવણ કરવાનું પેલા ચંપકને અગાઉથી કહી રાખ્યું હોય, પણ એના કોઈ કામમાં ક્યારે ભલીવાર હોય જ છે ? સીલિંગ ફેન બંધ કરવો પડે, નહિતર માંડ પ્રગટેલો દીપ બુઝાઈ જાય ! અને મોતિયાવાળી આંખો ધરાવતા (મારા જેવો સ્તો !) દીપ પ્રજ્વલનકારને મદદ કરવી પડે, નહીંતર તે બાજુમાં ફોટો પડાવવા માટે સસ્મિત વદને ઊભેલા કોઈ ‘મહાનુભાવ’ની કફનીની બાંયનું પ્રજ્વલન કરી બેસે ! ચાલો, એય પત્યું ! હવે શું ? જુઓ એજન્ડા : ‘પ્રાસંગિક પ્રવચનો !’ કેટલાં છે ? ઓછામાં ઓછાં ત્રણ તો ખરાં જ ! પાંચ, સાત કે નવ પણ હોઈ શકે ! દરેક વક્તાને પાંચ મિનિટ ચુસ્તપણે ફાળવાઈ હોય, પણ તે ‘મંચ પરના મહાનુભાવો’નાં નામ અને પદવીના ઉલ્લેખો સહિતનાં સંબોધનો કરવામાં જ પહેલી બે મિનિટ ખાઈ જાય ! બાકીની ત્રણ મિનિટમાં શું બોલવું ને શું ન બોલવું ? કોઈક ત્યાગમૂર્તિ સમાન વક્તા શહીદીના જુસ્સામાં આવીને કટુતાપૂર્વક એવી પણ ઘોષણા કરી નાખે : ‘મારે ફાળે આવેલી પાંચ મિનિટનું સમયદાન હું મારા પછીના વક્તાને કરું છું !’ અને થાકેલા-હારેલા-બગાસાં ખાતા-ઊંઘરેટા શ્રોતાઓ તેને તાળીઓથી વધાવે !
અને હવે સમારંભનો મુખ્ય ભાગ ધીરેધીરે શરૂ થાય : પુસ્તકનું વિમોચન હોય યા કોઈ મહાનુભાવનું કે કોઈ ‘સપૂત’નું સન્માન હોય ! ત્યાં સુધીમાં સમારંભના ઘોષિત સમય પછીના બે’ક કલાક તો વીતવા આવ્યા હોય ! પેલા માસ્ટર ઑફ ધ સેરિમની શેરો-શાયરી અને ‘જૉક્સ’ની રમઝટની વચ્ચે વચ્ચે એવી મંગલ વધામણી આપ્યા જ કરતા હોય : ‘સજ્જનો અને સન્નારીઓ, હજી તો આપણે પ્રમુખ શ્રી કોદરલાલ, અતિથિવિશેષ શ્રી કરોડીમલ, મુખ્ય અતિથિ શ્રી મુલેકચંદ અને વ્યક્તિવિશેષ શ્રીમતી મોંઘીબહેનનાં અદ્દભુત વક્તવ્યો સાંભળવાનાં છે !’ જ્યારે કોદરલાલ કે મુલેકચંદ પોતાનું ‘અદ્દભુત’ વક્તવ્ય આપવા માઈકની નિકટ પ્રસ્થાન કરે ત્યારે અડધું શ્રોતાવૃંદ કા તો નસકોરાં-વિવાદ કરતું હોય, કાં ગુસ્સામાં કે પેટમાં લાગેલી ભૂખને કારણે દાંત કચકચાવતું હોય અને બાળકો પોપકોર્ન કે વેફરનાં કચરકચર ધ્વનિઆંદોલનો સર્જતાં હોય ! મહિલા શ્રોતાઓની પારસ્પરિક સાડીચર્ચા પણ ખૂટી પડી હોય.
મને લાગે છે કે મારી વાતને હવે અહીં જ અટકાવું, નહીં તો આ લેખ પણ આપણા મોટા ભાગના સમારંભો જેવો રેઢિયાળ, લઘરવઘરિયો, કોઈ મોટી ટ્રેજેડી જેવો બની જવાનો ભય રહેશે ! આપણા કાર્યક્રમ-આયોજકો, વક્તાઓ, ‘મંચ પરના મહાનુભાવો’ અર્થાત્ પ્રમુખો, અતિથિવિશેષો, ઉદ્દઘાટકશ્રીઓ, માસ્ટર ઑફ સેરિમનીઓ, શ્રોતાઓ વગેરે સૌને નિયત સમયે શરૂ થતાં, શોર્ટ ઍન્ડ સ્વીટ, બિઝનેસલાઈક સમારંભો કેમ યોજવા તેના અભ્યાસક્રમો શરૂ કરવાની તાતી આવશ્યકતા પેદા થઈ ચૂકી છે. શ્રોતાઓ સમયસર હૉલમાં આવે, સમારંભની ઔપચારિકતાઓ ઓછામાં ઓછી અને ટૂંકી હોય, વક્તવ્યો ઓછાં અને મુદ્દાસરનાં હોય, આભારવિધિઓ-સોરી, વોટ ઑફ થેન્ક્સ – ન જ હોય, પુષ્પગુચ્છ-અર્પણ પણ ટાળી શકાય, સ્મૃતિભેટ-અર્પણ ખાનગીમાં પતાવી દઈ શકાય, પરિચયવિધિ ન જ હોય અને હોય તે બે’ક મિનિટમાં પતવો જોઈએ, માસ્ટર ઑફ સેરિમની બધા વક્તાઓ ખાધેલા કુલ સમય કરતાં બેવડો સમય ખાઈ જાય નહીં તેની કડક તકેદારી રખાય, તો આપણા સમારંભો સહ્ય અને સ્વીકાર્ય બની શકે. બાકી અત્યારે તો જે ચાલી રહ્યું છે તે આયોજકો, વક્તાઓ, શ્રોતાઓનાં સમય-શક્તિ-સાધનોના દુર્વ્યય જેવું અને તેથી લગભગ સાર્વજનિક અત્યાચાર સમાન બની ચૂક્યું છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.