[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર..]
ચાલો આજે બ્લોગને ઝરૂખેથી ટ્વિટરની દુનિયામાં ડોકીયું કરીએ ! જે વાચકમિત્રો ‘ઈન્ટરનેટ સેવી’ એટલે કે ઈન્ટરનેટની દુનિયાથી વિશેષ પરિચિત નથી એમના માટે સર્વપ્રથમ ટૂંકા પરિચયથી શરૂઆત કરીએ. ટ્વિટર એક એવી વેબસાઈટ છે અથવા તો કહો કે સોશિયલ નેટવર્કિંગનું એક શક્તિશાળી માધ્યમ છે, જેના દ્વારા તમે દુનિયાને તમારા વિશે સતત કંઈક ને કંઈક કહેતા રહી શકો, પણ માત્ર 140 અક્ષરોની મર્યાદામાં રહીને ! છે ને રસપ્રદ ?! આજે ટ્વિટર માત્ર તમારા પોતાના વિચારો વ્યક્ત કરવાનું એક માધ્યમ ન બની રહેતાં માર્કેટિંગનું કે પ્રચારનું પણ એક સશક્ત સાધન બની ગયું છે.
નવાં ઉત્પાદનો કે નવી સેવા કે નવી ફિલ્મ વિશેની માહિતી કે નવા વિચારો દુનિયાભરમાં વિનામૂલ્યે વહેતા કરવાનું હાથવગું સાધન. લગભગ દરેક સેલિબ્રિટી પોતાના લાખો ફોલોવર્સ સાથે આખો દિવસ કંઈક ને કંઈક લખ્યા કરી, ટ્વિટ અપડેટ્સ દ્વારા સતત સંપર્કમાં રહેવાનું શીખી ગયા છે. યા તો કહો કે તેમને એમ કરવાની આદત પડી ગઈ છે. ફોલોવર્સ એટલે શું ? એ જાણવા ટ્વિટર કઈ રીતે કામ કરે છે તે થોડું વધુ વિગતમાં સમજીએ.
બીજી કોઈ પણ વેબસાઈટની જેમ જ ટ્વિટર પર રજિસ્ટર કર્યા બાદ તમારા એ ઑનલાઈન એકાઉન્ટમાં લોગ-ઈન કરી તમે વધુમાં વધુ 140 અક્ષરોમાં કંઈ પણ લખી શકો અને એ લખ્યા બાદ ટ્વિટ બટન પર ક્લિક કરો એટલે તમારો સંદેશો પહોંચી જાય ઈન્ટરનેટના મહાસાગરમાં ! ફેસબુક પર તમે જેમ મિત્રો બનાવો છો તેમ અહીં ફોલોવર્સ હોય છે. તમારું આઈડી (રજિસ્ટર કરતી વેળા તમે જે નામ પસંદ કરો છો તે દા.ત @Vikas Nayak) ક્લિક કરી તમારા મિત્રો, સ્વજનો કે કોઈ પણ તમને ફોલો કરવા કે અનુસરવાની સ્વતંત્રતા ધરાવે છે. એ તમને ફોલો કરવાનું શરૂ કરે એટલે તમે જે કંઈ લખો એ તેના હોમપેજ પર દેખાય કે પબ્લિશ થાય. આમ તમે શાહરૂખ ખાનને કે સલમાન રશ્દીને કે ટોમ ક્રૂઝને કે લૅડી ગાગાને ફોલો કરતા હોવ તો એ લોકો જે કંઈ પણ ટ્વિટ કરે એ વાંચી તમે સતત જાણતા રહી શકો કે એ જે તે વ્યક્તિએ શું ખાધું, શું પીધું, તે શું કરી રહી છે, ક્યાં છે, કેવા મૂડમાં છે અને એવું બધું તમે તેના ટ્વિટ્સ દ્વારા જાણી શકો ! આ બધું તમે તમારા પોતાના વિશે પણ ટ્વિટ કરી તમારા ફોલોવર્સને જણાવી શકો ! કોઈના ટ્વિટને તમે જવાબ પણ આપી શકો અથવા કોઈનો ટ્વિટ તમને ગમી જાય તો તમે તેને ‘રિટ્વિટ’ પણ કરી શકો છો.
140 અક્ષરોની મર્યાદાને કારણે ક્યારેક એમ લાગે કે ટ્વિટર દ્વારા લાગણી વ્યક્ત કરવી ખૂબ અઘરું કામ છે, પણ એટલે જ અંગ્રેજી સ્પેલિંગ્ઝનો અને ગ્રામરનો કચ્ચરઘાણ વાળી ટ્વિટરપ્રેમીઓએ જાણે એક નવી ભાષા શોધી કાઢી છે, જે કોઈ નવાસવાને તો સમજાય જ નહીં ! વધુમાં વધુ વાત માત્ર 140 અક્ષરોમાં કહેવી હોય તો એટલી તો છૂટ લેવી જ પડે ! દા.ત., 88 અક્ષરોના મૅસેજની ‘I am a great fan of sanjay Leela Bhansali and I am looking forward to see his new movie’ ની વાત ટ્વિટરની નવી ભાષામાં ‘I m a grt fan of snjy leela bhnsli & lukin fwd to his new movie’ એમ અક્ષરોમાં પતી ગઈ ! કદાચ ભાષા કે વ્યાકરણપ્રેમીઓને આ ન રુચે, પણ આજકાલની પેઢી તો હવે સામાન્ય લેખિત વ્યવહારમાં પણ આ મિતાક્ષરી ભાષાનો ઉપયોગ કરવા માંડી છે !
સેલિબ્રિટીઓ, ચાહકો પોતાના ઓડિયન્સના સતત ટચમાં રહી પોતાની લોકપ્રિયતા જાળવી રાખવા ટ્વિટરનો ઉપયોગ કરે છે, તો ક્યારેક જાણી જોઈ ચર્ચાસ્પદ ટ્વિટ કરી કે અન્ય સેલિબ્રિટીને ટાર્ગેટ બનાવી ઓનલાઈન ટ્વિટર યુદ્ધ ચલાવી મીડિયામાં મોખરે રહે છે ! ચેતન ભગત જેવા સેલિબ્રિટી યુવા લેખકના ટ્વિટર પર 6 લાખ ફોલોવર્સ છે. તે પોતાના નવા પુસ્તકની તારીખ કે પોતાના પુસ્તક પરથી ફિલ્મ બનવાની કે તે ફિલ્મમાં કોણ કલાકાર કામ કરવાના છે તેવી અગત્યની જાહેરાત ટ્વિટર પર કરે છે. અમિતાભ બચ્ચન કે માધુરી દીક્ષિતથી માંડીને સચીન તેંડુલકર કે પછી આપણા વડા પ્રધાન મનમોહન સિંઘ કે શશિ થરૂર જેવા રાજકારણી નેતાઓ પણ પોતપોતાના ખાસ ચાહક-ફોલોવર્સનો આગવો વર્ગ ધરાવે છે. ટ્વિટર પર તમે તસવીરો પણ મૂકી શકો છો. ચર્ચાસ્પદ તસવીરો અપલોડ કરી લોકોનું ધ્યાન ખેંચવાના પ્રયાસ કરનાર પૂનમ પાંડે જેવા લોકો પણ ટ્વિટરનો ભરપૂર ઉપયોગ કરે છે. ટ્વિટરના સદુપયોગ થયાનાં પણ અનેક ઉદાહરણ ટાંકી શકાય એમ છે. મુંબઈમાં છેલ્લા આતંકવાદી બૉમ્બધડાકા થયા ત્યારે દાદરમાં બૉમ્બવિસ્ફોટ થયેલો ત્યારે બસ સ્ટૉપ પાસે ફસાયેલ એક નાગરિકે ટ્વિટ કરી મદદ મેળવી હતી અને તે હેમખેમ ઘરે પહોંચ્યાના અહેવાલ અખબારમાં મેં વાંચ્યાનું મને યાદ છે. કોઈ જગાએ આગ લાગે કે દુર્ઘટના સર્જાય ત્યારે પણ ટ્વિટર દ્વારા એની જાણ લોકોને સૌપ્રથમ થઈ જાય છે અને આ ટ્વિટ જો સમયસર વાંચવામાં આવે અને ત્વરિત પગલાં લેવાય તો મોટું નુકશાન કે મોટી જાનહાનિ નિવારી શકાય છે. ટ્વિટ કરીને માનસિક રીતે બીમાર વ્યક્તિ પોતાનું દુઃખ દુનિયા સાથે શૅર કરી હળવું કરી લે છે અને તેને રાહત મળે છે. કોઈ પ્રેરણાત્મક સેલિબ્રિટીના ફોલોવર બની તમે દૈનિક જીવનમાં પ્રેરણા મેળવી સારી રીતે જીવી શકો છો.
ટ્વિટરનાં પ્રચાર અને પ્રસાર વિશે તો ઑલરેડી આપણે વાત કરી. હવે ટ્વિટર અસરકારક રીતે યુઝ કરવાની બીજી પણ એક અગત્યની ટીપ અંતમાં જણાવી દઉં. કૉમ્પ્યુટર કીબોર્ડની ‘હેશ’ (#) કી પાછળ તમે તમારા ટ્વિટના સારસમો શબ્દ કે શબ્દસમૂહ (જેને ‘ટ્વિટર’ની ભાષામાં ‘હેન્ડલ’ કહે છે) મૂકી તમારા ટ્વિટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકો છો. જેમ કે આમિર ખાનના ‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ વિશે ટ્વિટ કરતી વેળાએ શરૂઆતમાં, અંતમાં કે ટ્વિટ સંદેશમાં વચ્ચે કોઈ પણ જગાએ ‘#SMJ’ લખો એટલે તમારો ટ્વિટ સંદેશ વર્ગીકૃત થઈ જાય અને પછી કોઈ પણ ટ્વિટર કે ગુગલ પર શબ્દો દ્વારા સર્ચ કરે એટલે તમારો સંદેશ પણ એ સર્ચ રિઝલ્ટમાં ટોપ પર દેખાય !
ટ્વિટર પર ઘણા લોકો પોતાના અંગત જીવનની વાતો શૅર કરતા હોય છે, તો ઘણા લોકો માત્ર જૉક્સ, સુવાક્યો કે મહાન વ્યક્તિઓ દ્વારા કહેવાયેલી વાતો ટ્વિટ કરતા હોય છે. તમારી મનપસંદ સેલિબ્રિટીઝ કે મિત્રો વગેરેને ફોલો કરી તમે તેમના સતત સંપર્કમાં રહી શકો છો, તો તમારા પોતાના વિચારો પણ જગત સાથે અતિટૂંકાણમાં સરળતાથી શૅર કરી શકો છો. આ બ્લોગ વાંચીને તમે ટ્વિટર પર આઈડી બનાવો તો મને ચોક્કસ જાણ કરજો !
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.