[ ચબરાકિયાંનો અંગ્રેજી અર્થ થાય છે ‘એપિગ્રેમ્સ’. એપિગ્રેમ
એટલે ચબરાક અને અર્થમાધુર્ય ધરાવતા વિચારોની અલ્પતમ શબ્દોમાં થયેલી
અભિવ્યક્તિ. ‘પ્રેમ’ તત્વને અનુલક્ષીને આવા કેટલાક ચબરાકિયાં ‘પ્રેમ
હાસ્યકોશ’ નામના આ પુસ્તકમાં સંગ્રહિત થયાં છે. તેમાંથી કેટલાક ત્રીજા ભાગમાં સાભાર
માણીએ. ]
[21] ઝઘડાખોર યુવતીઓનાં લગ્ન હંમેશ જલદી થઈ જાય છે,
કેમ કે એકલવાયા જીવનથી કંટાળેલા પુરુષોનો તોટો નથી. (કૃશનચન્દર – ઉર્દૂ
નવલકથાકાર, 1914-77)
[22] તમે કોઈ વ્યક્તિને ઘૃણા કરો છો ત્યારે ઉંદરને મારવા માટે તમારું ઘર બાળો છો. (હેરી એમર્સન ફોસ્ડિક – અમેરિકન ધર્મપુરુષ, 1898-)
[23] પ્રેમમાં મેળવવાની નહિ, આપવાની ભાવના વધારે મહત્વની હોય છે. શાયર દાગ દહેલવીએ કહ્યું છે :
‘જિસને દિલ ખોયા, ઉસને કુછ પાયા;
હમને ફાયદા દેખા ઈસ નુકશાન મેં !’
(જેણે હૃદય ગુમાવ્યું, એણે કંઈક મેળવ્યું છે. અમે આ નુકશાનમાં ફાયદો જોયો !)
(દાગ દેહલવી – ઉર્દૂ શાયર, 1831-1905)
[24] નામ લખવાનું ઉત્તમ સ્થળ છે હૃદય. એ વ્યક્તિ મૂરખ
ગણાય જે પોતાનું નામ અન્યત્ર લખતી ફરે છે ! (જ્હોન સ્મિથ – અંગ્રેજી
શિક્ષણશાસ્ત્રી, 1618-52)
[25] તમે જે પસંદ કરો છો એ મેળવવાનો પ્રયત્ન કરો, નહિ
તો તમને જે મળે છે, એ જ તમારે પસંદ કરવું પડશે ! (જ્યોર્જ બર્નાર્ડ શૉ –
અંગ્રેજ નાટ્યકાર, વિવેચક અને નવલકથાકાર, 1856-1950)
[26] એ લોકો આપણને ગમે છે જેઓ આપણી પ્રશંસા કરે છે, પણ
એ લોકો શા માટે નથી ગમતા જેની આપણે પ્રશંસા કરીએ છીએ ! (લ રોશફૂકો –
ફ્રેન્ચ સૂક્તિકાર, 1613-80)
[27] પ્રેમ ભલે કરો, પણ તમારા પ્રિયપાત્રના હૃદયમાં
પ્રેમ પ્રગટાવી ન શકો, તો તમારો પ્રેમ નપુંસક છે, એક દુર્ભાગ્ય માત્ર.
(કાર્લ માર્ક્સ – જર્મન રાજનીતિજ્ઞ અને સામ્યવાદનો પ્રવર્તક, 1818-83)
[28] કોઈએ યુવાનીમાં મને પ્રશ્ન પૂછ્યો હતો, ‘કલાકૃતિ
કોને કહેવાય ?’ અને મેં એને ઉત્તર આપ્યો હતો, ‘કલાકૃતિ એટલે આ જગત ઉપરનો
સુલિખિત પ્રેમપત્ર.’ (ચાર્લી ચેપ્લિન – અંગ્રેજ અભિનેતા, ફિલ્મ-નિર્દેશક
અને કૉમેડિયન, 1889-1971)
[30] ભૂલોને રોકવા માટે તમારા દરવાજા બંધ કરશો, તો સત્ય પણ બહાર રહી જશે !
(રવીન્દ્રનાથ ટાગોર – બંગાળી કવિ, વિવેચક અને નવલકથાકાર, 1861-1941)
[31] તમારું મૌન સમજી શકતી ન હોય, એ વ્યક્તિ કદાચ
તમારા શબ્દો પણ ન સમજી શકે ! (એલ્બર્ટ હ્યુબૅર્ડ – અમેરિકન પત્રકાર અને
નિબંધ લેખક, 1856-1915)