એક શ્રદ્ધાળુ માણસના જીવનની વાત છે. એ
માણસ રોજ પ્રભુભક્તીમાં દોઢ કલાક ગાળે. નીયમીત ગીતાપાઠ કરે. દત્તબાવની ગાય.
મંદીરમાં સઘળા ફોટાઓ આગળ માથું ટેકવે, એટલું જ નહીં; ‘જય સીયારામ’ બોલ્યા
વીના હોઠે કશું ના અડાડે એવો એ ધાર્મીક માણસ !
એક દીવસ એવું બન્યું, એના વાડામાં એક
ડુક્કર મરી ગયું. એણે લાકડી વડે તે પાડોશીના વાડામાં ખસેડી દીધું.
પાડોશીનું બારણું બન્ધ હતું; એથી તેમને એ વાતની જાણ ન થઈ. પણ બીજા પાડોશીએ આ
દૃશ્ય બાથરુમની જાળીમાંથી જોયું. તેણે પેલા પાડોશીને જાણ કરી. બન્ને વચ્ચે
મોટો ઝઘડો થયો. બીજા પાડોશીએ આક્રોશ ઠાલવતાં કહ્યું :
‘તમે રોજ દોઢ કલાક ભક્તીમાં ગાળો છો. ટીલાં–ટપકાં કરો છો. હમ્મેશાં ધરમના
ચોપડા વાંચતા રહો છો. શું તમારો ધર્મ તમને એવું શીખવે છે કે તમારા વાડામાં
ડુક્કર મર્યું હોય તેને પાડોશીના વાડામાં સરકાવી દેવું ? ધરમના ચોપડા
વાંચ્યા પછી પણ તમે અંદરથી આવા મેલા જ રહેવાના હો તો ધુળ પડી તમારા
ધરમમાં…! સળગાવી દો ધરમના ચોપડા… અને કંઈક અક્કલ આવે એવા ચોપડા વાંચો !’
સાંજે અમારી મીત્રમંડળીમાં આ વાત નીકળી.
બચુભાઈ હસીને બોલ્યા : ‘મરેલું ડુક્કર પાડોશીના વાડામાં ખસેડી દેવું એ આ
કળીયુગમાં આમ તો અક્ક્લની જ વાત ગણાય !’ પછી એકાદ ક્ષણ અટકીને તેમણે
ઉમેર્યું : આ બધી માણસના મનના ખાળકુવાની ગંદકી છે. માણસના
કપાળે કરવામાં આવતાં ટીલાં–ટપકાં દુનીયા જોઈ શકે છે; પણ મનના ડાઘ છુપાયેલા
રહે છે તે આવા પ્રસંગે છતા થઈ જાય છે. ક્યારેક મરેલા ડુક્કર કરતાં જીવતા
માણસના મનની દુર્ગન્ધ વધી જતી હોય છે !
ધર્મ માણસને એવી બેઈમાની શીખવતો નથી.
માણસની બહુધા અનીતીઓ મૌલીક હોય છે. કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતામાં કદી એવો
ઉપદેશ આપ્યો નથી, ‘હે વત્સ, તારા વાડામાં ડુક્કર મર્યું હોય તો તારે લાકડી
વડે ચાલાકીથી પાડોશીના વાડામાં ખસેડી દેવું…!’ દુર્યોધન રોજ દાતણ કરીને
ચીરી અર્જુનના આંગણામાં ફેંકતો હતો એવોય ગીતામાં ક્યાંય ઉલ્લેખ નથી !
થવું જોઈએ એવું કે ધર્મના આદેશ મુજબ
માણસનું ઘડતર થવું જોઈએ; પણ વાત ઉંધી બની ગઈ છે. માણસની ઈચ્છા મુજબ ધર્મ
ઘડાયો છે. જેથી હવે માણસને ધર્મનો ડર નથી લાગતો. કેમ કે આજનો કહેવાતો ધર્મ એ
તેનું પોતાનું માનસસન્તાન છે. આજે
ધર્મને નામે માણસ જે કર્મકાંડો કે પુજાપાઠ કરતો રહે છે એ કેવળ તેનું
આધ્યાત્મીક મનોરંજન બનીને રહી ગયું છે ! એવા માનવસર્જિત ધર્મનો જ એ
કુપ્રભાવ છે કે માણસ મુર્તી સમક્ષ સજ્જ્ન બની રહે છે અને સમાજ વચ્ચે શેતાન
બનીને જીવે છે. કહેવાય છે કે શીક્ષણની ઈજ્જત રહેલી છે, તે રીતે ધર્મનો સ્પર્શ પામી માણસ કેવો બની શકે છે તે બાબતમાં ધર્મની પણ પ્રતીષ્ઠા રહેલી છે.
એક વાત વારંવાર સમજાય છે. હવે આસ્તીકતા કે
નાસ્તીકતા એ માણસના સારા કે નરસા હોવાની સાબીતી નથી રહી. ઈશ્વરમાં માનવું ન
માનવું એ માણસની અંગત વીચારધારાને લગતી બાબત છે. ઈશ્વરમાં માનતા માણસો
અચુકપણે સજ્જનો જ હોય એ વાત તો ક્યારની જુઠી સાબીત થઈ ચુકી છે. મંદીર અને
મસ્જીદ માટે આ દેશમાં આસ્તીકોએ જે પીપડાબન્ધ લોહી રેડ્યું છે તેના
સ્મરણમાત્રથી ધ્રુજી જવાય છે. કેટલાંય જીવતાં સ્ત્રીપુરુષો અને બાળકોને
સળગાવી દેવાયાં હતાં ! હજી પણ એ આગ પુરી હોલવાઈ નથી.
નાસ્તીકો માટે એટલું આશ્વાસન જરુર લઈ શકાય
કે તેમણે કદી ઈશ્વર કે ધર્મને નામે વીરાટ માનવસંહાર આચર્યો નથી. પરન્તુ
ધર્મ અને શ્રદ્ધા સીવાયના દુષણોથી તેઓ પણ મુકત નથી. કોઈ માણસ નાસ્તીક હોવાથી તે આપોઆપ સજ્જન બની જતો નથી. નાસ્તીકોમાંય અનેક પ્રકારની સ્વભાવગત, માનવસહજ કમજોરી હોઈ શકે છે.
સાચી વાત એ છે કે માણસ તેના આચાર, વીચાર
અને વર્તનથી કેવો છે તે જ તેનો સાચો માપદંડ ગણી શકાય. તે ભગવાનને ભજે છે કે
નથી ભજતો તે બાબત પરથી તેનું સાચું માપ નીકળી શકતું નથી. રોજબરોજની જીવાતી
જીન્દગીમાં એક માણસ બીજા માણસ જોડે કેવો વ્યવહાર કરે છે તે પર
માનવસમાજનાં સુખદુ:ખનો આધાર રહેલો છે. દર મહીને એક સત્યનારાયણની કથા કરાવતો
માણસ પોતાને ત્યાં મરેલો ઉંદર પાડોશીને ત્યાં ફેંકી દેતો હોય તો એવી
ભક્તીનો કોઈ ફાયદો ખરો ?
ન દેખાતા ભગવાન માટે માણસ પોતાની આસપાસના
જીવતા માણસોને સળગાવી દેતો હોય તો એવા લોકો માનવસમાજના સાચા દુશ્મનો છે.
આજે થાય છે એવું કે માણસ રોજ ભગવાનના
ફોટા લુછે છે, અગરબત્તી સળગાવે છે, મુર્તીને દુધ અથવા ગંગાજળથી ધોઈને
ચોખ્ખી કરે છે; પણ પોતે અંદરથી નખશીખ ગંદો રહી જાય છે.
અમેરીકાના લોકોની ગરદન ઘડીયાળના કાંટા
સાથે જોતરાયેલી હોય છે. આપણી માફક ઈશ્વરભક્તી માટે રોજ સવારનો એકાદ કલાક
ફાળવવાનું તેમને માટે લગભગ અશક્ય હોય છે. છતાં રોજબરોજના માનવવ્યવહારમાં
અમેરીકનો આપણા કરતાં વધુ પ્રામાણીક હોય છે. ત્યાં કોઈ સ્ટોરમાં ગ્રાહકની
સોનાની ચેન ગુમાઈ ગઈ હોય તો તે પાછી મળી શકે છે. આપણે ત્યાં રામકથા સાંભળવા
બેઠેલા હજારો શ્રદ્ધાળુઓ વચ્ચે પાંચ તોલાનો સોનાનો અછોડો ખોવાયો હોય તો તે
પાછો મળવાની આશા નથી હોતી.
બચુભાઈ કહે છે : ‘રાવણ પાસે ગયેલી સીતા હેમખેમ પાછી મળી શકે; પણ રામભક્તો પાસેથી સોનાની ચેન પાછી મળી શકતી નથી !’ આપણે
ત્યાં ભાડેનું ઘર પચાવી પાડવાની બાબત પાપ લેખાતી નથી. (સરકારે ઘરભાડુતની
તરફેણમાં કાયદો કરીને હવે બેઈમાનીને કાયદેસર કરી છે.) તમે કપાળે તીલક અને
રામનામની ચાદર ઓઢીને નીકળી પડો તો લગભગ પોણી દુનીયાને ઉલ્લુ બનાવી શકાય છે.
ઑફીસમાં પ્રવેશતી વેળા વાંકા વળી ઑફીસના
ઉંબરાને શ્રદ્ધાથી હાથ અડાડતા કર્મચારીઓને મેં જોયા છે. એવા લોકો ઉંબરની
પેલે પાર જઈ ખોટા બીલો મુકી ગોલમાલ કરે છે ત્યારે પેલો ઉંબરો કેવો
વીશ્વાસઘાત અનુભવતો હશે ? કોઈ ધનકુબેર શેઠીયો પોતાનો સ્વાર્થ સાધવા તગડી
લાંચ આપે છે ત્યારે તેને ઠુકરાવી દેવામાં ભલભલાનાં હાંજા ગગડી જાય છે. એવી
બેઈમાની હવે સામાન્ય ગણાય છે. ઑફીસમાં સમયસર ન જવું કે કામચોરી કરવી એવી
બાબતોની ટીકા કરનારાઓની ગણતરી હવે વેદીયામાં થાય છે.
સંક્ષીપ્તમાં તાત્પર્ય એટલું જ કે રોજ
ઉઠીને પુજાપાઠ કરો. ગીતા, બાયબલ કે કુરાન વાંચો, પણ સમાજમાં એક સાચા,
નેકદીલ ઈન્સાન તરીકે નહીં જીવી શકો તો ધર્મશાસ્ત્રોની શીખામણો પોથીમાંનાં
રીંગણાં જેવી બેઅસર બની રહે છે. ધર્મપુસ્તકો વાંચી નાખવાથી કેવળ માનસીક
સન્તોષ થાય છે. જીવનમાં સાચકલી સુખ–શાન્તી મેળવવી હોય તો કેવળ વાંચ્યાથી
નહીં ચાલે; ધર્મની સારી શીખામણોનો જીવનમાં અમલ કરવો રહ્યો. યાદ રહે, રોગ
મટાડવા માટે ડૉક્ટરની દવા પેટમાં જાય તે જરુરી છે. દવા શીશીમાં પડી રહે
તેનો કોઈ ફાયદો થતો નથી.
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.