‘અમારો દીકરો આગમ બહુ ધાર્મીક છે. હજી તો
તે માંડ દસ વર્ષનો છે; છતાં કાંદા–લસણ ખાતો નથી, ટી.વી.–ફીલ્મ જોતો નથી,
રાત્રે કદી ખાતો–પીતો નથી.’
મમ્મી–પપ્પાની આવી ગૌરવવાણી સાંભળીને આપણો
અહોભાવ તેમના દીકરા પર ઠલવાઈ જવા લાગે છે. ધર્મને આપણે સમજવાનો નહીં;
અનુકરણનો વીષય બનાવી દીધો છે. કશું જ સમજ્યા વગર એક પરમ્પરાને પકડી લેવી એ
ધાર્મીકતા છે શું ?
પરમ્પરાનાં જાળાં :
ધર્મ શ્રેષ્ઠ બાબત છે એની ના નથી;, કીન્તુ
ધર્મ વીશેનું અજ્ઞાન સૌથી ભુંડી બાબત છે. રેડીમેડ ટ્રેડીશનને અનુસરવાથી
ધાર્મીક હોવાનું લેબલ લાગી જાય છે. કેટલાંક પેરન્ટ્સને પોતાનાં બાળકને
ધાર્મીક બનાવી દેવાનો એટલો બધો રઘવાટ હોય છે કે તેઓ બાળકનું બાળકપણું
ઝુંટવી લેતાં હોય છે, બાળકને દરેક પ્રકારના આનન્દથી દુર રાખવાના ઉધામા કરે
છે. આ ન ખવાય, આ ન જોવાય, આમ ન કરાય – ન કરવાની યાદીમાં બાળકને ગુંગળાવી
દેવામાં આવે છે. નાનું બાળક પોતાની બુદ્ધીપ્રતીભા ડેવલપ કરે અને સામે કોઈ
તાર્કીક પ્રશ્નો પુછતું થાય એ પહેલાં જ તેના દીમાગમાં પરમ્પરાનાં જાળાં
ગુંથી દેવાય છે. રેડીમેડ ધર્મના ખ્યાલો તેના ફ્રેશ માઈન્ડમાં ઠાંસી–ઠાંસીને
ભરી દઈને લૉક કરી દેવામાં આવે છે. બાળક એટલી હદે બંધીયાર અને
નૅરો–માઈન્ડેડ બની જાય છે કે તેને ગોખાવી દીધેલી ધાર્મીકતાની બહાર ડોકીયું
કરવામાં પણ તે પાપ સમજે છે.
ધર્મ કે સામ્પ્રદાયીકતા ?
બાળકને ધર્મ સમજાવવો એ જુદી વાત છે અને
તેને માત્ર પરમ્પરાઓ પઢાવી દેવી એ જુદી વાત છે. કેટલાંક પેરન્ટ્સ તો
પોતાનાં બાળકોને ફાલતું ધાર્મીક શીબીરોમાં મોકલતા હોય છે. આવી શીબીરોમાં
ધર્મનું નહીં; સામ્પ્રદાયીકતાનું પ્રભુત્વ હોય છે. સુખ અને આનન્દ ભોગવવાં એ
પાપ છે એનું જ રટણ ત્યાં થતું હોય છે. શીબીર ચલાવનાર ગુરુ બાળકોને ધર્મનું
નહીં; એના ખુદના સમ્પ્રદાયનું ગોખણીયું જ્ઞાન પીરસે છે. વાહીયાત
વીધીવીધાનો અને ક્રુર ક્રીયાકાંડો કરવા માટે જ જાણે કે મનુષ્ય–અવતાર મળ્યો
હોય એવું શીક્ષણ આપવામાં આવે છે. બાળક
પરાક્રમી અને પ્રામાણીક, ચારીત્ર્યવાન અને સ્પષ્ટવક્તા બને એ જરુરી છે કે
ટીલાં–ટપકાં તાણનારું ભગતડું બને એ જરુરી છે ? ધર્મના નામે
સામ્પ્રદાયીકતામાં બાળક ગુંગળાઈ ન જાય એ જોવાની જવાબદારી કોની ?
સામ્પ્રદાયીક શીબીરો શંકાસ્પદ :
બાળક ગમે તેનાં ચરણોમાં સાષ્ટાંગ કરીને
આળોટતું થઈ જાય એટલે તે ધાર્મીક બની ગયું ? ‘જય જીનેન્દ્ર’, ‘જય
સ્વામીનારાયણ’, ‘જેશી ક્રષ્ન’, ‘ખુદા હાફીઝ’ બોલવાનું આવડી જાય એટલે બાળક
શું ધાર્મીક બની ગયું ? આ બધાં સામ્પ્રદાયીક પ્રતીકો છે. ગળથુથીમાંથી જ
જેને સામ્પ્રદાયીકતા પીવડાવવામાં આવતી હોય તે બાળક ભવીષ્યમાં ધર્મને સમજવા
જેટલું ઉદાર અને નીખાલસ બની શકે ખરું ? ધર્મ કદી સંકુચીત નથી હોતો અને
સામ્પ્રદાયીકતા કદી ઉદાર નથી હોતી. ધર્મ સમભાવ શીખવાડે છે, સહીષ્ણુતા આપે
છે; જ્યારે સામ્પ્રદાયીકતા માત્ર સંકુચીતતા આપે છે. એ સંકુચીતતા આગળ જતાં
વીસ્તરીને અન્ય ધર્મ–સમ્પ્રદાય પ્રત્યે ધીક્કાર અને ઘૃણા પ્રગટાવે છે.
પોતાની જ પરમ્પરાઓ શ્રેષ્ઠ છે અને બીજાઓની પરમ્પરાઓ ખોટી કે નકામી છે એવાં
ખોટાં ગણીત બાળકના મનમાં દૃઢ કરનારી શીબીરો યોજનારા ગુરુઓની દાનત ડાઉટફુલ
છે. શીબીરમાં આવેલાં બાળકોમાંથી ભવીષ્યના પોતાના શીષ્યો શોધવાનો પ્રપંચ પણ
તેની પાછળ હોય છે !
બાળકને જીજ્ઞાસુ બનાવો :
વીશ્વ આજે જે રીતે આગળ વધી રહ્યું છે એ
જોતાં બાળકને સામ્પ્રદાયીક સીમાડાઓમાં બાંધી રાખવું એ મહાપાપ ગણાશે. બાળકને
ગાયત્રીમંત્ર, નવકારમંત્ર કે કુરાનની આયાત નહીં આવડે તો તેનું કશું અટકી
પડવાનું નથી; પણ તેને ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં નહીં આવડે તો તે દુ:ખી–દુ:ખી
થઈ જશે. બાળકને ગોખણીયું ન બનાવો, જીજ્ઞાસુ બનાવો. તેના દીમાગમાં જાતજાતના
પ્રશ્નો ફુટતા રહેવા જોઈએ. બુદ્ધી જે વાત ન સ્વીકારી શકે એનો વીનમ્ર વીરોધ કરવાનું તેને આવડવું જ જોઈએ. મોટે
ભાગે એમ કહેવાય છે કે ભક્તીના માર્ગમાં બુદ્ધીનું કોઈ જ કામ નથી. એનો અર્થ
એ થાય કે ભક્તીના માર્ગમાં માત્ર મુર્ખાઓનાં ટોળાં જ જઈ શકે છે ! બુદ્ધી
વગરની ભક્તી હંમેશાં જડતાનો જ પર્યાય બની રહેતી હોય છે.
બાળકને એ સમજાવો કે…
ભગતડું બાળક સાંસારીક બાબતોમાં ડગલે ને
પગલે પાપ જોતું થઈ જશે. પેરન્ટ્સની એ જવાબદારી છે કે પાપ અને પુણ્યની સાચી
અને તટસ્થ સમજ બાળકને આપવી. ટી.વી. જોવું હંમેશાં ખરાબ નથી. શું જોવું અને
શું ન જોવું એનો વીવેક બાળકને સમજાવવો જરુરી છે. ટી.વી. પ્રત્યે ધીક્કાર
કરવાથી કંઈ ધાર્મીક બની જવાતું નથી. બાળકને એ
પણ સમજાવવું જરુરી છે કે સાંસારીક સમ્બન્ધો ભલે સ્વાર્થથી ભરેલા હોય; છતાં
નકામા નથી. સ્વાર્થ ન હોય, તો જગતમાં ધર્મ કરવા પણ કોણ નવરું છે ? મોક્ષ
અને વૈકુંઠ પામવાનો સ્વાર્થ ન હોય, તો કોણ ભક્તી કરવા બેસશે ? બાળકને એ
સમજાવો કે પરાવલમ્બી બનવું એ સૌથી મોટું પાપ છે. હરામનું ખાવું એ પાપ છે.
બાળકને એ પણ સમજાવો કે સૌથી મોટું પુણ્ય શક્તી અને સામર્થ્ય છે. જે શક્તી
પરોપકાર કરે છે એ શક્તી જ પોતે ધર્મ છે.
સંતાનને ભુલશો નહીં :
ભુલો ભલે બીજું બધું મા–બાપને ભુલશો નહીં,
અગણીત છે ઉપકાર તેના એહ વીસરશો નહીં !
આ કવીતા આપણે ખુબ ગાઈ લીધી. એ કવીતાનો મર્મ જો કે સૌએ જીવનમાં ઉતારવા જેવો છે. છતાં આજે એક ‘અજાણ્યા કવી’ની કવીતા ગાવી છે. જુની કવીતા સન્તાનોએ યાદ રાખવાની છે, તો આ નવી કવીતા પેરન્ટ્સે યાદ રાખવાની છે:
ભુલો ભલે જગમાં બધું સંતાનને ભુલશો નહીં !
અગણીત છે અરમાન તેનાં એહ વીસરશો નહીં !
પુજા કરી, બાધા કરી ત્યારે દીઠું છે મુખડું,
એ દેવના દીધેલને કદીયે દુભવશો નહીં !
ગુણમાં તમારાથી સવાયાં નામ એ તમ રાખશે,
ઘડપણ મહીં થાશે સહારો વાત એ ભુલશો નહીં !
શ્રદ્ધા ભરો, ક્ષમતા ભરો, સંસ્કાર તેના દીલમાં
સ્વપ્નો તેનાં સાકાર થાશે, બનશે માન એ વીશ્વમાં !
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.