Saturday, November 2, 2013

અન્ધશ્રદ્ધાના રાક્ષસ સામેનું યુદ્ધ–‘અજ્ઞાત’


‘કુક્કુટ દેવે સારી તન્દુરસ્તીની આગાહી કરી છે.’
‘કુક્કુટ દેવે સારી ફસલની આગાહી કરી છે.’
નાગ પ્રદેશમાં આવી ચર્ચા અનેકવાર થાય છે. કુક્કુટ દેવતા એટલે કે મરઘો. જમણો પગ આગળ રાખે તો તેનો અર્થ સારી તન્દુરસ્તી રહેશે. કુક્કુટ દેવતાનો ડાબો પગ આગળ રહે તો સારી ફસલ થાય. પણ ક્યારે ? કુક્કુટ દેવનું ગળું ઘોંટાઈ ગયું હોય ત્યારે ! નાગ પ્રદેશમાં સફેદ પીંછાવાળા મરઘાને કે ટપકાંટપકાંવાળા મરઘાને પસન્દ કરવામાં નથી આવતા. ચોક્કસ રંગના મરઘાને જ મરવા માટે ‘સદનસીબ’ મળે છે.
દેશમાં સર્વત્ર વ્યાપ્ત અન્ધશ્રદ્ધા છે તેમાંની આ એક છે.
ઝારખંડમાં મોટા પેટવાળાં બાળકોને પેટ પર અને આજુબાજુ ડામ દઈ તેની અન્દરના ‘કીડા મારવા’માં આવે છે.
બીહાર, છત્તીસગઢ, ઓરીસ્સા, ગુજરાતની માતાજીનાં કેટલાંક થાનકો વગેરેમાં – ખાસ કરીને નવરાત્રીમાં અને કાળીચૌદસે, વળગાડ વળગેલા અને ધુણતા લોકોનો મેળો જામે છે.
મીઝોરમમાં ખ્રીસ્તી ધર્મનો ઝીરો ક્રીશ્ચીયાનીટી સમ્પ્રદાય છે. ત્યાં મા–બાપ બાળકોને શાળાએ મોકલતાં નથી. કારણ કે બાળક ભણવા જાય તો તેને શેતાન વળગે અને સ્વર્ગમાં જવા માટે અવરોધરુપ બને એવું તેઓ માને છે.
કર્ણાટકના કેટલાક ભાગમાં મન્દીરની ટોચેથી બાળકને નીચે ફેંકવામાં આવે છે. તો ક્યાંક સુર્યગ્રહણ થાય ત્યારે મન્દબુદ્ધીનાં બાળકોને ગરદન સુધી જમીનમાં ઉભા દાટવામાં આવે છે. ચામરાજ નગરના એક સ્થળે એક મન્દીરમાં કોઈ મુખ્ય પ્રધાન તેના દર્શન કરવા જતો નથી. કારણ કે ત્રણ મુખ્ય પ્રધાનો દર્શન કરવા જતાં મુખ્ય પ્રધાનની ગાદી પરથી ગબડી પડ્યા છે !
ડાકણ ગણાવી સ્ત્રીઓને મોતને ઘાટ ઉતારી દેવાના બનાવ દેશના લગભગ દરેક સ્થળે બને છે.
અન્ધશ્રદ્ધાના આ ઘુઘવાતા મહાસાગરને પાર કરવા નીકળેલા કેટલાક સાહસવીરોમાં (સ્વ.) ડૉ. નરેન્દ્ર દાભોળકર પણ હતા, જેમને અન્ધશ્રદ્ધાના સ્થાપીત હીતોનું વમળ હાલમાં જ ભરખી ગયું. અન્ધશ્રદ્ધાના મહાસાગરને ઉલેચવા શરુઆતથી જ બુદ્ધીવાદીઓ મેદાને પડ્યા છે અને કદાચ માનવજાત જેટલો જ જુનો આ સંઘર્ષ હોઈ શકે; છતાં માનવજાતને હમ્મેશાં એ મુંઝવણ રહી છે કે શું પસંદ કરવું : ચમત્કાર કે બુદ્ધી ?!
અન્ધશ્રદ્ધાના મહાસાગરના જળચરોમાં માત્ર કમઅક્ક્લ લોકો નથી, સ્વાર્થી અને લેભાગુ તત્ત્વો સક્રીય છે. તો બીજી તરફ બુદ્ધીવાદીઓ, હ્યુમેનીસ્ટો અને રૅશનાલીસ્ટો (વીવેકબુદ્ધીવાદીઓ) વગેરે અનેક નામ હેઠળ સક્રીય સમાજનો એક જાગૃત વર્ગ ચીસો પાડી પાડીને કહે છે કે : ‘ભગવાન નથી અને ભુત પણ નથી; તો એના ચક્કરમાં શા માટે પડો છો ?’ અન્ધશ્રદ્ધાના ઉપાસકોને અને તેમને વશમાં રાખવા માંગતાં તત્ત્વોના કાનમાં આ શબ્દો સાંભળી સીસું રેડાય છે.
21મી સદીમાં આ હાલત છે કે દેશના એક સૌથી જાગૃત શહેર પુનામાં ડૉ. નરેન્દ્ર દાભોળકર જેવા બુદ્ધીવાદીની હત્યા થાય ! સમગ્ર દેશ અને દુનીયામાં સજ્જનોને ભેગા થતાં વાર લાગે છે; પણ દુર્જનોનાં ટોળેટોળાં જામવામાં બીલકુલ વાર નથી લાગતી.
અન્ધશ્રદ્ધાળુઓને લુંટવા સ્વાર્થી અને દુષ્ટ તત્ત્વો હમ્મેશાં તૈયાર હોય છે. પછી તે ભુવો હોય કે કોઈ પણ ધર્મનો આંચળો ઓઢી ફરતો ભુવા–ભગત બાવો હોય.
રાજાશાહીમાં રાજાને છકી જતા રોકવાને બદલે ધર્મગુરુઓ પોતાના મદદનીશોની મદદથી હાથચાલાકીના ખેલ કરી રાજાને ‘દૈવી શક્તી’નો ‘સાક્ષાત્કાર’  કરાવતા હતા. આ ધર્મગુરુઓના વંશજો જાદુગર થયા અને ધર્મગુરુઓના મદદનીશના વંશજો મદારી થયા એમ વીશ્વવીખ્યાત જાદુગર શ્રી. કે. લાલે એક મુલાકાતમાં કહ્યું હતું.
આજે પણ જાદુના પ્રયોગો કરનાર સ્પષ્ટપણે કહે છે કે અમે કોઈ જાદુ–ચમત્કાર કરતા નથી; પણ આ હાથચાલાકીના ખેલ છે. મદદનીશોના વંશજો બધા મદારી થયા હોય કે નહીં તે ખબર નથી; પણ હાથચાલાકીના પ્રયોગો શીખી ભક્તોને ધુતવા નીકળેલા બાવાઓની જમાત આખા દેશમાં ઉતરી પડી છે.
ધર્મની દૃષ્ટીએ ચમત્કાર ગણાયેલી ઘણી ઘટનાનાં મુળ વીજ્ઞાનમાંથી નીકળ્યાં છે. હકીકત એ છે કે વીજ્ઞાનના નીયમ વીરુદ્ધ કશું બનતું નથી. જે બનતું દેખાય છે કે દેખાડવાની ચાલાકી કરવામાં આવે છે તેમાં વીજ્ઞાન જ હોય છે. તે પારખવાની બુદ્ધીશક્તી હજી આપણામાં નહીં વીકસી હોય એવું બને.
‘ભગવાન છે કે નહીં’ એ સનાતન વીવાદનો વીષય છે અને હોય તો ભલે હોય અને તેના નામે સદ્ ગુણ કેળવવાનો નીર્ધાર માનવી કરે તો તે સાચા અર્થમાં ધર્મ બને; પણ સદ્ ગુણ અને સદાચાર કેળવવાના માર્ગના નામે દુરાચર થતો હોય તો ?
સન્ત દરેક સમાજમાં પુજ્ય છે અને હોવા જોઈએ; કારણ કે તેઓ અનુયાયીઓને સારા માર્ગે ચાલવાની સલાહ આપે છે. પણ એ સલાહ કેટલી અસરકારક રહે છે તેયે જોવું રહ્યું. પણ તે અસરકારક જણાતી નથી. તે અસરકારક બને પણ ક્યાંથી ? સન્તનો ગણવેશ પહેરી દુરાચાર કરનારાને, ભક્તોની અન્ધશ્રદ્ધાને કારણે છુટોદોર મળતો હોય તો ? દરેક દુરાચારી ‘સન્ત’ના નામે પોતાની પ્રવૃત્ત્તી ચાલુ રાખવા હીંસાને પ્રોત્સાહન આપે છે. અને કમનસીબી એ છે કે સરકાર પણ છેક સુધી દુરાચારીઓની શેહમાં આવી સક્રીય થતા ખંચકાય છે અને અન્ધશ્રદ્ધાળુઓની વહુ, બેટી, બેટાઓનો ભોગ લેવાય છે.
પ્રાચીન ગુરુ–શીષ્ય પ્રથામાં શીષ્ય પ્રશ્ન પુછે તે બાબતને ગુરુ આવકારતા હતા. પણ હવે ? ગુરુને છુપાવવા જેવું ઘણું હોઈ, પ્રશ્ન ઉઠાવનાર શીષ્યો કે અન્યોને મોતને ઘાટ ઉતારવામાં આવે છે.
શીક્ષણથી અન્ધશ્રદ્ધા દુર થવી જોઈએ; પણ શીક્ષીતો પોતે અન્ધશ્રદ્ધાળુ હોય તેવી ઘટનાઓ ઘણીવાર જોવા મળે છે. દુરુપયોગ થઈ શકે તેવી શ્રદ્ધા, અન્ધશ્રદ્ધા બની જાય છે. નહીં તો વાસનાભુખ્યા વરુ સામે પોતાની દીકરીને કોઈ મોકલે ?
મનુષ્યની ઉત્પત્ત્તી પહેલાથી જ વીજ્ઞાન અસ્તીત્વમાં છે. અન્ધશ્રદ્ધા માનવીની ઉત્પત્તીકાળથી અસ્તીત્વમાં છે. વીજ્ઞાનને પ્રચારકો નથી જોઈતા. જ્યારે અન્ધશ્રદ્ધાને પ્રચારકો જોઈએ છે; કારણ કે તેમાં ધન્ધો ભળેલો છે. અન્ધશ્રદ્ધાની ઘણી બાબતો હવે આધુનીક વીજ્ઞાનની મદદથી સમજાય છે. પણ સદીઓથી જામેલા અન્ધશ્રદ્ધાના થરને દુર કરવા માટે, વીજ્ઞાનનો સહારો લઈને માણસે પોતે બૌદ્ધીક બનવું પડશે. જેથી 21મી સદીમાં પણ મનુષ્ય અન્ધશ્રદ્ધાના સોદાગરોના હાથે રહેંસાય નહીં. અન્ધશ્રદ્ધાના રાક્ષસો સામેનું યુદ્ધ લાંબું ચાલે તો ય જીતી નહીં શકાય એવું તો નથી જ, ખાસ કરીને આજના વીજ્ઞાન યુગમાં !
અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર  

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.