[જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર
પ્રેરીત જીલ્લા શીક્ષણ અને તાલીમભવન, સુરત; જીલ્લા શીક્ષણાધીકારી કચેરી,
સુરત અને પી. પી. સવાણી વીદ્યાભવન, સુરતના સંયુક્ત ઉપક્રમે વેદવ્યાસ સંકુલ –
પાંચનું, છઠ્ઠું વીજ્ઞાન–ગણીત પ્રદર્શન ૨૦૧૦, પી.પી. સવાણી વીદ્યાભવન,
વરાછા રોડ, સુરત ખાતે તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૧૦ના રોજ યોજાઈ ગયું. આ પ્રસંગે
સુરતની ૪૫ જેટલી શાળાઓનાં બાળ–વૈજ્ઞાનીકો, આચાર્યો અને વીજ્ઞાન શીક્ષક
ભાઈ–બહેનો ઉપસ્થીત રહ્યાં હતાં. પ્રસ્તુત છે પ્રદર્શનના ઉદ્ ઘાટન સમારોહમાં
મુખ્યવક્તા શ્રી વલ્લભભાઈ ઈટાલીયાએ આપેલા વીજ્ઞાનપ્રેરક, પ્રભાવક પ્રવચનના કેટલાક અંશો...
આદીમાનવથી આધુનીક માનવ સુધીની
યાત્રા, ગુફાથી ગગનચુમ્બી ઈમારત સુધીની યાત્રા, અંધકારયુગથી ઈન્ટરનેટ
સુધીની યાત્રા માનવજાતીએ વીજ્ઞાન અને ટૅકનોલોજીની કાવડમાં બેસીને પસાર કરી
છે. વીશ્વના વૈજ્ઞાનીકોએ આપણને અત્યાધુનીક વીશ્વનાં દર્શન કરાવીને
શ્રવણકુમારની ભુમીકા અદા કરી છે. અનાદીકાળથી માનવજાતી પાસે બે જ રસ્તાઓ છે –
૧. વૈજ્ઞાનીક અભીગમનો માર્ગ: એટલે કે વૈજ્ઞાનીક સાક્ષરતાનો માર્ગ. અહીંયાં વીકાસ છે, પ્રગતી છે, સુખ–સગવડનાં સાધનો અને સુવીધાઓ છે. કોઈ પણ ઘટનાને સમજવા અને ઉકેલવા માટેની સાચી રીત એટલે વૈજ્ઞાનીક અભીગમ.
૨. અવૈજ્ઞાનીક અભીગમનો માર્ગ: એટલે કે વૈજ્ઞાનીક નીરક્ષરતાનો માર્ગ. અહીંયાં અન્ધશ્રદ્ધા છે, ગરીબી છે, શોષણ છે અને સમસ્યાઓ છે. ઘટના અને કાર્યકારણના સીદ્ધાન્ત વચ્ચે સાત ગાઉનું છેટું એટલે જ અવૈજ્ઞાનીક અભીગમ.
મીત્રો, વૈજ્ઞાનીક સાક્ષરતાને અક્ષરજ્ઞાન સાથે કોઈ સમ્બન્ધ નથી. ‘વૈજ્ઞાનીક સાક્ષરતા’ અને ‘વૈજ્ઞાનીક નીરક્ષરતા’ આ બન્ને શબ્દો સમજી રાખવા જેવા છે.
વૈજ્ઞાનીક સાક્ષરતા એટલે શું ?
કોઈ અભણ ખેડુત, પોતાને સાપ કરડે ત્યારે કોઈની પાસે ઝેર ઉતરાવવા કે
મન્ત્રેલો દોરો બન્ધાવવા ન જાય; પણ સીધો હૉસ્પીટલ પહોંચી સારવાર લે એ
વૈજ્ઞાનીક સાક્ષરતા છે.
વૈજ્ઞાનીક નીરક્ષરતા એટલે શું ? કોઈ
સાયંસ ગ્રેજ્યુએટ બીમાર પડે અને ડૉક્ટરને બદલે વાસ્તુશાસ્ત્રીને ઘરે
બોલાવી સંડાસનું મોઢું પુર્વ–પશ્ચીમમાંથી ફેરવીને ઉત્તર–દક્ષીણ કરાવે એ
વૈજ્ઞાનીક નીરક્ષરતા છે.
જે માણસ ખોટી, ભ્રામક અને હાનીકારક માન્યતાઓને સમર્થન નથી આપતો એ માણસ અભણ હોય તો પણ વૈજ્ઞાનીક સાક્ષર છે. અને ઘણું ભણ્યા પછી પણ જે મીથ્યા માન્યતાઓને સમર્થન આપે એ માણસ ડીગ્રીધારી હોવા છતાં વૈજ્ઞાનીક નીરક્ષર છે. વીશ્વમાં અન્ધશ્રદ્ધા, શોષણ અને અત્યાચારોનું સૌથી મોટું કારણ માનવજાતીમાં વ્યાપેલી વૈજ્ઞાનીક નીરક્ષરતા છે.
વર્ષો પહેલાં પૃથ્વી સપાટ છે એવું
મનાતું હતું. ઈટાલીમાં બ્રુનોએ માત્ર એટલું જ કહ્યું કે, ‘પૃથ્વી સપાટ
નથી, તે ગોળ છે અને સુર્યની આસપાસ ફરે છે.’ રુઢીચુસ્ત ધર્મધુરન્ધરોને ગળે આ
વાત ઉતરી નહીં. ધર્મના વડાઓએ કહ્યું કે, ‘એ ખોટું બોલે છે. બાઈબલમાં
લખ્યું છે કે પૃથ્વી સ્થીર છે અને સુર્ય પૃથ્વીની આસપાસ ફરે છે.’ એ
જમાનામાં એ મહાન વૈજ્ઞાનીકને આ વૈજ્ઞાનીક સત્ય શોધવા બદલ સજા ફરમાવવામાં
આવેલી. પૃથ્વી શેષનાગના માથા પર ટકેલી છે અને શેષનાગ ફેણ હલાવે ત્યારે
ધરતીકમ્પ થાય છે એવી મીથ્યા માન્યતાઓ સદીઓ સુધી ચાલી. વૈજ્ઞાનીકોએ ઘટના અને
કાર્યકારણ વચ્ચેનો સમ્બન્ધ શોધી કાઢ્યો છે અને હવે આપણે સૌ ધરતીકમ્પનાં
સાચાં કારણો જાણતા થયા છીએ.
વૈજ્ઞાનીક અભીગમમાં કોઈ અપવાદ નથી
હોતો. દા.ત. મને મારા ચહેરાની સામે આ માઈક દેખાય છે તો આપ સૌને પણ એ માઈક જ
દેખાય. તમને એ મારા ચહેરા સામે ફેણ માંડેલો સાપ ન દેખાય ! જ્યારે
અવૈજ્ઞાનીક અભીગમમાં અનેક અપવાદો જોવા મળે છે. દા.ત. કોઈ એક વ્યક્તીને
પીપળા નીચે ભુત કે પ્રેતાત્મા દેખાય. તમે ત્યાં જશો તો તમને તે નહીં દેખાય.
મીત્રો, વીજ્ઞાનમાં એક વાર સીદ્ધાંત પ્રસ્થાપીત થઈ જાય પછી બીજો કોઈ પણ
સંશોધક બહુ બહુ પ્રયોગ કરે તોયે પરીણામ સરખું જ આવે.. દાત. લાઈટના બોર્ડની
સ્વીચ બાળક દબાવે, સ્ત્રી સ્વીચ દબાવે કે પુરુષ સ્વીચ પાડે પરીણામ સરખું જ
આવે – એટલે કે બલ્બ શરુ થાય ને પ્રકાશ મળે ! વીજ્ઞાન પારમ્પરીક માન્યતામાં નહીં; પ્રમાણ–પુરાવામાં માને છે.
જ્યારે કોઈ પરમ્પરા શરુ થાય છે
ત્યારે કદાચ કોઈ ને કોઈ ઉદ્દેશ હોઈ શકે; પરન્તુ બને છે એવું કે એ ઉદ્દેશ
સમયાન્તરે નષ્ટ થઈ જાય તોય પરમ્પરા તો ચાલુ રહે છે. દા.ત. સદીઓ પહેલાં
જ્યારે આપણી પાસે દીવાસળી કે લાઈટર નહોતાં ત્યારે મૃતદેહને અગ્નીસંસ્કાર
આપવા માટે આપણે ઘરેથી દેવતાની દોણી લઈને જતા. આજે તો દીવાસળી છે, લાઈટર છે,
મૃતદેહના નીકાલ માટે ગેસ–ચેમ્બર છે; છતાં પણ આપણે ઘરેથી સળગતા અંગારાની
દોણી લઈને અર્થીની આગળ ચાલીએ છીએ ! હેતુ મટી જાય; તોયે જીવી જાય તેનું નામ પરમ્પરા !
એક સ્વામીજી પોતાના થોડા શીષ્યો
સાથે આશ્રમમાં રહેતા હતા. સ્વામીજીએ એક બીલાડી પાળેલી. બીલાડી આખો દીવસ
સ્વામીજીની આસપાસ અને ખોળામાં રમ્યા કરતી. પરન્તુ સ્વામીજી અને શીષ્યો
સાંજે જ્યારે પ્રાર્થના કરવા બેસે ત્યારે બીલાડી સ્વામીજીના ખોળામાં
કુદાકુદ કરે એનાથી પ્રાર્થનામાં વીક્ષેપ પડવા લાગ્યો. આખરે સ્વામીજીએ
શીષ્યોને આદેશ કર્યો કે, ‘રોજ સાંજે બીલાડીને બાંધ્યા પછી જ પ્રાર્થના
કરવી.’ ગુરુજીનો આદેશ શીષ્યોને શીરોમાન્ય; પરન્તુ ગુરુજીએ બીલાડીને
બાંધવાનો શા માટે આદેશ કર્યો, એની કોઈ શીષ્યને કશી ખબર નહીં; કારણ કે
પ્રાર્થના વખતે બધા શીષ્યોની આંખ તો બન્ધ હોય ! એટલે બીલાડી ગુરુજીને
પરેશાન કરે છે એ કોઈ શીષ્યે જોયેલું–જાણેલું નહીં. શીષ્યોએ માન્યું, કદાચ
બીલાડીને બાંધીને પ્રાર્થના કરવાથી પ્રાર્થનાનું ફળ વધતું હશે ! થોડાં
વર્ષો પછી ગુરુજી ગુજરી ગયા. બીલાડી બીજા કોઈને પરેશાન કરતી નહોતી; તોય
પ્રથા પ્રમાણે બીલાડીને બાંધીને જ પ્રાર્થના કરે. થોડા સમય પછી તે બીલાડી
પણ મરી ગઈ. શીષ્યો મુંઝાયા. ગુરુજીનું બ્રહ્મવાક્ય યાદ આવ્યું, ‘રોજ સાંજે
બીલાડીને બાંધીને પછી જ પ્રાર્થના શરુ કરવી.’ બીલાડીને બાંધ્યા વીના
પ્રાર્થના શી રીતે થાય ! શીષ્યો ગામમાંથી બીજી બીલાડી લઈ આવ્યા અને રોજ
સાંજે તેને બાંધીને જ પ્રાર્થના કરવા લાગ્યા ! આપણી તપાસનો વીષય એ છે કે મોટા ભાગની આપણી રુઢી–પરમ્પરા–માન્યતા આવી તો નહીં હોય ?
સમારમ્ભમાં ઉપસ્થીત તમામ
બાળ–વૈજ્ઞાનીકોને પોતાની શોધો રજુ કરવા બદલ ધન્યવાદ આપું છું. માનવજાતીના
વીકાસમાં પ્રત્યેક શોધ મુલ્યવાન છે. સૌરાષ્ટ્રના પીપાવાવમાં સુર્યની ગરમીથી
ચાલતું ટેલીફોન બુથ છે. ટૅલીસ્કોપ ગેલીલીયોએ, થર્મોમીટર ફૅરનહીટે,
એરોપ્લેન રાઈટબન્ધુઓએ અને ફાઉન્ટનપેન લુઈસ વૉટરમૅને શોધી એ આપણને ખબર છે;
પરન્તુ અગ્નીની શોધ કોણે કરી ? ચક્રની શોધ કોણે કરી ? આપણે જાણતા નથી.
શોધકની જાણ નથી; પણ બધી જ શોધો માનવજીવન માટે કેટલી મુલ્યવાન છે તે જાણીએ
છીએ.
કેટલીક શોધો તો આપણે ત્યાં થઈ;
પરન્તુ બીજાના નામે તે નોંધાઈ છે. દા.ત. જગદીશચન્દ્ર બોઝે ૧૮૯૪માં રેડીયો
કમ્યુનીકેશનનું કોલકત્તામાં જાહેર પ્રદર્શન કર્યું હતું. અને છેક હવે IEEE
સંસ્થાએ ગુગ્લીએમો માર્કોની પહેલાં જગદીશચન્દ્ર બોઝે રેડીયો સંદેશા–વ્યવહાર
શોધ્યો હોવાની વાત માન્ય રાખી છે.
મારા એક મીત્રનો દીકરો ગૌરવ
બ્રીટનમાં ભણે છે. લંડનની બાળવીજ્ઞાન પરીષદમાં પોતાના પ્રોજેક્ટ સાથે એ ભાગ
લેવા ગયો. એક અંગ્રેજ વીદ્યાર્થીએ એને કહ્યું કે, ‘તારા કરતાં અમારો
પ્રોજેક્ટ વધારે સારો હોય; કારણ કે અમે તમારા પર બસો વરસ રાજ કર્યું છે.’
ગૌરવથી આ અપમાન સહન ન થયું. No injury is deeper than insult. ગૌરવે મને
ફોન પર વાત કરી. મેં કહ્યું, ‘વૈજ્ઞાનીકો ગમે તે દેશમાં જનમ્યા હોય; એ
વીશ્વના હોય છે. વૈજ્ઞાનીકોનાં જ્ઞાન અને શોધને ભૌગોલીક સીમા નથી હોતી. એ
ઘમંડી અંગ્રેજ વીદ્યાર્થીને કહેજે કે – ‘તમે તો અમારા પર બસો વર્ષ જ રાજ
કરી શક્યા; પરન્તુ રોમનોએ તમારા પર પાંચસો વરસ રાજ કર્યું હતું.’
વીદ્યાર્થી મીત્રો, વીજ્ઞાન દરેક
જગ્યાએ છે, સર્જાય છે. આખું વીશ્વ એક પ્રયોગશાળા છે. માનવજાત સામેના
પડકારો, સમસ્યાઓ અને સંકટોનો ઉપાય આપણને માત્ર વીજ્ઞાન દ્વારા જ મળશે.
માણસની વીચારશીલતા જ તેને સંશોધનો તરફ દોરી જાય છે. બાળકનો ગર્ભ માતાના
ઉદરમાં ધારણ થાય છે; વીજ્ઞાનનો ગર્ભ માણસના મનમાં ધારણ થાય છે. બાળકનો જન્મ
પ્રસુતીગૃહમાં થાય છે; વીજ્ઞાન પ્રયોશાળામાં જન્મ ધારણ કરે છે. તેથી જ કહેવાયું કે ‘પ્રયોગશાળા એટલે વીજ્ઞાનનું પ્રસુતીગૃહ – Laboratory is the Maternity Home of Science.’
– વલ્લભ ઈટાલીયા
સમ્પાદન અને અક્ષરાંકન: ઉત્તમ + મધુ ગજ્જર, સુરત –
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.