વર્ષોથી જેઓ મને ઓળખતા હતા. એ ગૃહસ્થ એક દિવસ સવારે મારી પાસે આવ્યા અને એમના મુખ ઉપર ચિંતાનો ભાવ જોઇને મેં પ્રશ્ન કર્યો, ‘તમારા ચહેરા ઉપર ચિંતા ચોખ્ખી દેખાય છે, વાંધો ના હોય તો મને કહો કે શું થયુ છે ?
તેમણે કહ્યું, ‘આમ તો ખાસ કશું થયું નથી, પણ 19-20 વર્ષની મારી પુત્રી રાતે ખૂબ મોડી પાછી આવે છે. મા-બાપ તરીકે આજના સમયમાં યુવાન પુત્રી માટે ચિંતા થવી સ્વભાવિક છે. કોઇ રાતે 12 વાગ્યે પાછી ફરે, કોઇ વાર એથી પણ મોડું થાય. એ ક્યારે પાછી ફરશે એના ઉચાટમાં અમે તેની રાહ જોઇને બેસી રહીએ. અમે પૂછીએ કે ‘બેટા, તું ક્યાં હતી ?’ એ એની કોઇ બહેનપણીનું નામ આપે. પછી યોગનુયોગ ખબર પડી કે ‘એની કોઇ બહેનપણીને ત્યાં તો ગઇ જ નહોતી. એટલે અમારી ચિંતામાં ઓર વધારો થયો. એક દિવસ અમે એને પૂછ્યું, ‘બેટા, અમારે બીજું કશું જાણવું નથી પણ માત્ર એટલું જ પૂછવું છે કે તું ક્યાં અને કોને ઘેર જાય છે ? તારામાં અમને વિશ્વાસ નથી એવું નથી, પણ રાત્રીના સમયે તું જાતે મોટર ચલાવતી હોય, તારી સાથે કોઇ ના હોય અને આવા સંજોગોમાં તું ક્યાંય અધવચ્ચે તકલીફમાં આવી પડે તો શું થાય ? એનો વિચાર અમને પરેશાન કરે છે.
અમે માત્ર અનુમાન જ કરીએ છીએ પણ, તારી ઉંમર જોતાં અમે કહીશું કે તું કોઈ યુવકને મળવા જતી હોય અને એ યુવકની સાથે કોઇ પ્રેમસંબંધ હોય તો તું અમને નિખાલસપણે કહી શકે છે. તું તારી પસંદગીનાં લગ્ન કરે એમાં અમને કોઇ વાંધો નથી, મા-બાપ તરીકે અમે એટલું જ જોવા માગીએ છીએ કે ‘છોકરો કેવો છે ?’ અને તને સુખી કરી શકશે કે નહી ? આમાં એવું જરૂરી નથી કે એ ધનવાન હોય, ભગવાને આપણને ઘણું ધન આપ્યું છે. અમારે ધન વિશે કશું જણવું નથી. અમારે એનું મન જાણવું છે. એ હંમેશાં તને સાથ આપશે કે નહીં એ અમારે જાણવું છે. અમારે એ પણ જાણવું છે કે તેં જે વિશ્વાસ એનામાં મૂક્યો છે એને એ ધક્કો નહીં પહોંચાડે. એક પતિ તરીકે એનામાં નિષ્ઠા અને સ્થિરતા એ બે ગુણો છે કે નહીં એ અમારા માટે જ નહીં, તારા માટે પણ જાણવું જરૂરી છે.
અમે જિંદગીને ખૂબ નિકટથી જોઇ છે. તને તો કલ્પના પણ નહીં આવે એવા સ્ત્રી-પુરુષ વચ્ચેના સરળ અને જટિલ બંને પ્રકારના સંબંધો અમે જોયા છે. કોઇ પણ યુવાન હૃદય પ્રેમ ઝંખે એ સ્વભાવિક છે, પણ આપણે સહુ જાણીએ છીએ કે, આપણે જેને પ્રેમ કહીએ છીએ એમાં પ્રેરક બળ સ્ત્રી-પુરુષની કામેચ્છા હોય છે. કવિઓ ‘પ્લેટોનિક લવ’ ની, માત્ર આત્માના સંબંધની વાતો કે કવિતા કરે, પણ આપણે સૌ જાણીએ છીએ કે આત્માનું રહેઠાણ માણસનું શરીર છે અને મનુષ્યના શરીર બહારનો કોઇ આત્મા કલ્પી શકીએ નહીં. એટલે પ્રેમ ગમે એટલો શુધ્ધ અને સાચો હોય તોપણ શરીરની બહાર હવાની જેમ તેનું અદ્રશ્ય અસ્તિત્વ શક્ય નથી.
લગ્
ન એ સંસારનો પાયો છે. સંસાર એટલે કુટુંબજીવન, કેમ કે પ્રેમલગ્ન ન હોય કે રૂઢિગત પસંદગી ન હોય એ સંબંધનું અનિવાર્ય ફળ એક બાળક પુત્ર કે પુત્રીરૂપે પ્રગટ થાય જ છે. બસ, ત્યાંથી જ પ્રેમ કે લગ્નની સાચી ગંભીર જવાબદારી શરૂ થાય છે. એક નાનું બાળક પોતાની પિછાણ તેના પિતા કે માતાના નામથી જ આપે છે, કારણ કે સૌથી પહેલી અને મજબૂત કડી તો આ જ છે. મહાભારતમાં કુંતીના પ્રથમ પુત્ર કર્ણની વ્યથાનો વિચાર કરો. કર્ણે જ્યારે આ સંસાર છોડ્યો ત્યારે કુંતીએ છાતીફાટ રુદનની વચ્ચે કહ્યું કે ‘આ મારો પહેલો પુત્ર હતો અને સૂર્યપુત્ર હતો.’ કુંતીમાતાના પાંચ પુત્રો, જે પાંડુના વંશજો હતા તેમણે માતાને પ્રશ્ન કર્યો કે ‘તેં આટલી પીડા વેઠી તો અમને કહ્યું કેમ નહીં કે અમારો એક મોટો ભાઇ છે ?’
મારે તો એટલું જ કહેવાનું કે ‘બેટા, તું સમજુ છે. તારા પોતાના હિત-અહિત નો વિચાર કરી શકે એટલી પુખ્ત છે અને ના હોય તો બનવું જોઇએ. અમારે તને વિશેષ તો કંઇ કહેવાનું નથી, પરંતુ એટલું જ કહેવાનું છે કે તું રોજ રાતે જેને મળવા જાય છે એ કોઇ યુવક હોય, તમને બંનેને પરસ્પર સ્નેહ હોય અને આ સંબંધને તમે જીવનભરના સાથીપણાના બીજરૂપે જોતાં હો તો, તું કાં તો એની સાથે અમારો મેળાપ કરી આપ અને તું રજા આપે તો અમે એને ઘેર જઈને તેનાં મા-બાપને પણ મળીએ. આમાં અમારે કશું કહેવાનું નથી. છેવટનો નિર્ણય તો તારે અને એ યુવાને કરવાનો છે.’
એ યુવતીને તેનાં મા-બાપની સલાહ એક નવો જ પ્રકાશ આપી ગઇ અને મા-બાપની સલાહ પ્રમાણે યુવતીએ એ યુવાનને પોતાને ઘેર બોલાવી મા-બાપની સાથે મેળવી આપ્યો. છેવટે બંને કુટુંબો મળ્યાં અને યુવક-યુવતીનું વિધિસર વેવિશાળ પણ થઇ ગયું.
સૌજન્ય : રીડ ગુજરાતી
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.