Saturday, March 2, 2013

સુખની શોધ–મુરજી ગડા


     લાંબા સમયથી ચાલી આવતી કહેવત, ‘પહેલું સુખ તે જાતે નર્યા’ અવારનવાર વાંચવા મળે છે. નાનપણમાં આવાં દસ સુખની યાદી ક્યાંક વાંચી હતી. એમાંથી જે યાદ છે તે આ પ્રમાણે હતું.
     પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે કોઠીમાં જાર, ત્રીજું સુખ તે સુશીલ નાર, ચોથું સુખ તે કુળનો તારનાર….. ત્યાર પછી સાચો મીત્ર, સારા પાડોશી, ન્યાયી રાજા જેવું કંઈક હતું બરાબર યાદ નથી.
     આવી કહેવતો તત્કાલીન જનસમુદાયના અનુભવનો નીચોડ હોય છે. સુખની અગત્યનો એમનો ક્રમ પણ ત્યારની વાસ્તવીકતા પર આધારીત હોય છે. એનું મહત્ત્વ કોઈપણ શાસ્ત્રના ઉપદેશ કરતાં જરાપણ ઓછું નથી, બલકે વધારે હોઈ શકે છે. શાસ્ત્રોમાં ‘શું હોવું જોઈએ’ એ કહેવામાં આવે છે, જ્યારે આવી કહેવતો ‘જે હકીકત છે તે’ વર્ણવે છે. આદર્શ ભલે ‘ધ્યેય’ હોય; ‘વાસ્તવીકતા’નું પોતાનું આગવું મહત્ત્વ છે.
     બધાનું અંતીમ ધ્યેય સુખી થવાનું હોય છે. જો કે દરેકની સુખની વ્યાખ્યા તેમ જ સુખી થવા માટેની જરુરીયાતો જુદી હોઈ શકે છે. ઉમ્મર પ્રમાણે એમાં ફેરફાર પણ થાય છે. યુવાનીમાં આનન્દનો અભાવ એ દુ:ખ છે. વૃદ્ધાવસ્થામાં દુ:ખનો અભાવ આનન્દ બની જાય છે.
     સમય સાથે દરેક વાતની યથાર્થતા બદલાતી હોવા છતાં; આગલી કહેવતનો મોટો ભાગ આજે પણ એટલું જ વજુદ ધરાવે છે. સુખનાં પહેલાં ચાર ક્ષેત્રો આજના સંદર્ભમાં સારું સ્વાસ્થ્ય, પાયાની જરુરીયાતો પુરતી સમ્પત્તી, સમજદાર પતી કે પત્ની, વંશવેલો વગેરે વાજબી છે. એનો ક્રમ પણ મોટા ભાગના લોકો માટે સાચો છે.
ધ્યાન દોરવા યોગ્ય બાબત એ છે કે આ બધાં સુખની યાદી રોજબરોજની જીન્દગી સાથે વણાયેલી આ પૃથ્વી લોકની જરુરીયાતો છે. આત્મકલ્યાણ, સ્વર્ગ, મોક્ષ જેવી પરલોકની વાતોની ગેરહાજરી સ્પષ્ટપણે બતાવે છે કે  જનસામાન્ય માટે શું અગત્યનું હતું. એમને અહીં જીવી, અહીં જ સુખી થવામાં રસ હતો, જે આજે પણ છે.
અધ્યાત્મની વાતો કરતા અને એને લગતી પ્રવૃત્તી કરતા લોકો પણ જ્યારે પોતાના ધર્મગુરુને ખાનગીમાં મળે છે ત્યારે એમના વાર્તાલાપનો વીષય ‘આ–લોક’ની પ્રવૃત્તી અંગે હોય છે. એની ફળશ્રુતી (ધનલાભ) માટે તેઓ ગુરુના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હોય છે. ગુરુજી એવા આશીર્વાદ આપે પણ છે. અહીં આવા બધાની આધ્યાત્મીક પોકળતા છતી થાય છે.
મુળ કહેવતમાં નહોતી છતાંયે સુખની યાદીમાં સમાવવા લાયક, દરેક સમયકાળમાં અગત્યની એવી બે બાબતો વીશે લખવું જરુરી લાગે છે. એક છે વ્યક્તીગત સ્વતન્ત્રતા અને બીજી છે મનગમતી પ્રવૃત્તી.
     જુની યાદીમાં સ્વતન્ત્રતાને સ્થાન નહોતું મળ્યું તે સમજી શકાય એમ છે. એ રાજાશાહીનો જમાનો હતો. ઉપરાન્ત, સમાજ અને ધર્મની પણ લોકો પર જોરદાર પકડ હતી. ગ્રામસમાજમાં રહેનાર માટે સ્વતન્ત્રતાની વાતો કરવી શક્ય નહોતી. આ વાત હડતાળો પાડવાની કે વાતવાતમાં વીરોધ કરવાની સ્વતન્ત્રતાની નથી. આ સ્વતન્ત્રતા છે વીચારોની તેમજ નૈતીક મર્યાદા ઉલ્લંઘ્યા વગર સ્વતન્ત્રપણે વર્તવાની.
પહેલાં જેમને વ્યક્તીગત સ્વતન્ત્રતા જોઈતી હતી તેઓ સંસાર છોડી, સાધુ બની જતા અથવા તો ડાકુ કે બહારવટીયા બનતા હતા. સ્વતંત્રતા માટે ચુકવવી પડતી આ ખુબ આકરી કીમ્મત હતી. હવે જ્યારે વ્યક્તી પરની સમજ અને ધર્મની પકડ ઢીલી પડી છે, રાજાશાહીને બદલે લોકશાહી આવી છે ત્યારે સ્વતન્ત્રતા ભોગવવી સહેલી થઈ છે. છતાં લોકોને વ્યક્તીગત સ્વતન્ત્રતાનું ખાસ મહત્ત્વ નથી હોતું. જેમને છે તે આ તક અને અધીકારની યોગ્ય કદર કરે છે. મોટાભાગના લોકોને બીજાના દોરવ્યા દોરાવાનું વધુ માફક આવે છે. ટોળામાં સમાવું વધુ ફાવે છે.
મનગમતી પ્રવૃત્તી કરવી પણ એક પ્રકારની સ્વતન્ત્રતા છે. બધાને પોતાના ધન્ધા–વ્યવસાયમાં ક્યારેક તો કંટાળો આવતો જ હોય છે. આ કંટાળો જ્યારે નીયમીત બને છે ત્યારે એમની પ્રવૃત્તી એક મજબુરી બને છે.
વર્ણ આધારીત સમાજવ્યવસ્થામાં બધાને બાપદાદાના વારસાગત ધન્ધા–વ્યવસાયમાં જોડાવું પડતું. એ જ ગામમાં અને સમાજમાં રહેવું પડતું. એમનું ભાવી જન્મ સાથે જ નક્કી થઈ જતું. ભાગ્ય, કર્મ વગેરેના ખ્યાલ આવી સમાજરચનાને લીધે આવે અને પાંગરે એ સ્વાભાવીક છે.
આજે શીક્ષણ અને ઉદ્યોગીકરણને લીધે વ્યવસાયના કેટલાયે નવાં ક્ષેત્રો ખુલ્યાં છે. લાયકાત કે આવડત હોય તો મનગમતા ક્ષેત્રમાં જઈ શકાય છે. હવે જન્મ સાથે વ્યવસાય નક્કી નથી થઈ જતો એટલે મનગમતી પ્રવૃત્તીની તક મળે છે. માણસ જ્યારે ગમતું કામ કરે છે ત્યારે એને કામનો ઉત્સાહ હોય છે. પરીણામે કામ વધુ સારું થાય છે અને થાક ઓછો લાગે છે. એનાથી સન્તોષ, સફળતા અને સાર્થકતા અનુભવાય છે.
આજની નવી સમાજવ્યવસ્થામાં નીવૃત્તીની વ્યાખ્યા બદલાઈ ગયેલ છે. નીવૃત્તી સાથે ફાજલ સમય અને સ્વતન્ત્રતા મળે છે. નીવૃત્ત ઉમ્મરે ઘણાનું સ્વાસ્થ્ય પણ સારું હોય છે. સ્ત્રીઓ માટે આ ખાસ લાગુ પડે છે. આવા સંજોગોમાં મનગમતી સકારાત્મક પ્રવૃત્તી માટે અવકાશ સાંપડે છે.
વર્તમાનમાં ઘણા લોકો સુખની યાદીમાં ખાવું–પીવું, પહેરવું–ઓઢવું, હરવું–ફરવું, પાર્ટી–મેળાવડા–ઉજવણી વગેરે આનન્દની પ્રવૃત્તીઓનું આગવું સ્થાન હોય છે. એમના માટે મોજમજામાં સુખ છે. તે સીવાય કોઈને ધનસંચયમાં તો કોઈને માહીતીસંચયમાં સુખ દેખાય છે. કોઈ સમ્બન્ધો વધારવામાં સુખ જુએ છે તો કોઈ પરનીંદામાં. બધા પોતપોતાની રીતે સુખની શોધમાં પડ્યા છે.
સુખની આટલી લાંબી યાદી તપાસ્યા પછી પણ મુળ સવાલ તો હજી ઉભો જ છે. બધાને લાગુ પડે એવું સુખ કોને કહેવાય ? શબ્દકોશમાં સુખના ઘણા અર્થ આપેલા છે: આનન્દ, ચેન, શાન્તી, આરામ, સન્તોષ, તૃપ્તી વગેરેમાંનો કોઈ અર્થ બન્ધ બેસતો નથી લાગતો. સન્તોષકારક નથી જણાતો.
માણસ બીમાર થાય, ધન્ધામાં ખોટ ગઈ હોય કે કોઈ સ્વજનને ગુમાવ્યું હોય ત્યારે જરુર દુ:ખ થાય છે. એને નીવારી નથી શકાતું; પણ એને કેટલું મહત્ત્વ આપવું તેની સમજ અવશ્ય કેળવી શકાય છે. આ પ્રકારનાં દુ:ખના અભાવને પણ સુખ ગણી શકાય. દુ:ખનો અભાવ એ સુખની શરુઆત ખરી; પણ એનો પડાવ નથી. દુ:ખના અભાવથી માણસ આપોઆપ સુખી નથી થઈ જતો. ખાવાનું મળે એટલે ભુખનું દુ:ખ જતું રહે, તૃપ્તી થાય; પણ એ સ્થીતી કાયમ ટકતી નથી.
‘સન્તોષી નર સદા સુખી’ની જુની ને જાણીતી કહેવત સન્તોષને સુખનો મુકામ ગણે છે. અસન્તોષ એ દુ:ખનું કારણ જરુર છે; પણ સન્તોષને સુખનો આખરી મુકામ ગણવું જોખમી છે. સન્તોષથી થોડા સમય માટે સુખ મળતું હોય તો પણ; સંતોષી નર ‘સદા’ સુખી ન ગણાય. આપણી જરુરીયાતો, દૃષ્ટીકોણ વગેરે સમય પ્રમાણે બદલાતાં રહે છે. સંસારની જવાબદારીવાળા માણસ માટે સન્તોષ પ્રગતીનો બાધક બને છે. એટલે સન્તોષને સુખનો છેલ્લો મુકામ ગણવાને બદલે સુખની યાદીમાં ક્યાંક સ્થાન આપી શકાય.
ધર્મના રખેવાળો પાસેથી ‘સાચા’ સુખ વીશેની ઘણી વાતો સાંભળી છે; પણ તે ગળે ઉતરતી નથી. બુદ્ધી એને સ્વીકારતી નથી. શાશ્વત સુખની વાતો મૃગજળ ભાસે છે, પલાયનવાદી જણાય છે.
સુખ અને દુ:ખ વચ્ચેની એક સ્થીતી છે અલીપ્તતા – ઈન્ડીફરન્સ. મોટા ભાગના લોકો માત્ર એક–બે ટકા સમય માટે ખુશ (સુખી) હોય છે. એનાથી થોડા વધુ સમય માટે નાખુશ (દુ:ખી) હોય છે. બાકીના મહદ્ સમય માટે અલીપ્ત હોય છે. અઘરી ગણાતી સ્થીતપ્રજ્ઞતા આ અનાયાસે મળતી અલીપ્તતાથી બહુ દુર નથી લાગતી.
સુખ જ્યાં પણ હોય, એના સુધી પહોંચવાનો એક માર્ગ છે સફળતા. આવી પડેલી જવાબદારીઓ ઉત્સાહથી નભાવવી એ સફળતાની સાદી–સીધી વ્યાખ્યા છે. પોતાના વ્યવસાયમાં નીપુણતા અને  પ્રામાણીકતા કેળવવી એ પણ સફળતા છે. કમનસીબે વ્યવહારમાં સફળતાનો માપદંડ પૈસો અને સત્તા મનાય છે. પૈસો ઘણા અભાવોને પુરો કરી શકે છે તેમ જ પૈસાનો અભાવ અન્ય સફળતાને ગૌણ પણ બનાવે છે. આ વાસ્તવીકતા સ્વીકારીએ તો પણ આવી સફળતા લાંબો સમય ન પણ ટકે.
સુખના મુકામ સુધી પહોંચવાનો સફળતા કરતાં વધારે સચોટ માર્ગ છે સાર્થકતા. સાર્થકતા કોને કહેવાય ?
ભારત જેવા અતી ધાર્મીક દેશમાં સાચા ખોટા બધા સાધુ મહાત્મા પોતપોતાની રીતે સમાજને સુખ, શાન્તી, સફળતા, સાર્થકતાનો કીમીયો બતાવતા આવ્યા છે. આ બધા પલાયનવાદી માર્ગો કરતાં આ લેખકને અંગ્રેજીમાં વાચેલું એક વીધાન વધારે વાજબી લાગે છે. ‘IS THE WORLD ANY BETTER PLACE BECAUSE OF YOU?’ – ‘તમારા લીધે દુનીયામાં કંઈ સુધાર આવ્યો છે ?’ જો જવાબ ‘હા’ હોય તો જીવન સાર્થક થયું કહેવાય. ભલે ને આખી જીન્દગીમાં ક્યારે પણ પુજાપાઠ, વ્રત, તપ, જાત્રાઓ વગેરે કંઈ કર્યું ન હોય !
સાર્થકતાની માત્રાને સુધારાની માત્રા સાથે સીધો સમ્બન્ધ છે. ‘જે વધારે સુધાર લાવે તે વધારે સાર્થક’ ગણાય. આ ધોરણે જોઈએ તો વૈજ્ઞાનીકો, સમાજસુધારકો, સર્જકો, સમાજસેવકો, કાયદો–વ્યવસ્થા જાળવનારા વગેરે બધા પોતાની રીતે સાર્થક થયા ગણાય. સમ્પત્તી અને સત્તા હાંસલ કરનારા સફળતાની સાથે આપોઆપ સાર્થક નથી થઈ જતા. એમની ‘સમ્પત્તી/સત્તાનો અન્ય માટે કરેલ સદુપયોગ’ એમને સાર્થક બનાવે છે.
એની બીજી બાજુએ પ્રામાણીકપણે પોતાની ફરજ બજાવનાર સફાઈ કામદાર કે માળી (બાગવાન)ને કોઈ સફળ ન ગણે; છતાં તેઓ પોતાની મર્યાદામાં સાર્થક ગણાય. એમને લીધે દુનીયાનો એક નાનકડો ભાગ સ્વચ્છ રહે છે, સુંદર બને છે.
આટલી લાંબી યાદી તપાસ્યા પછી એટલું કહી શકાય કે કોઈ એક બાબતમાં સુખ સમાયેલું નથી. સફળ થવાની સાથે મહત્તમ સાર્થક બનવાની કોશીશ કરશું તો સુખ આપોઆપ આપણને ગોતતું આવશે. એની પાછળ દોડવાની જરુર નહીં રહે. યાદી બનાવવાની પણ જરુર નહીં રહે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.