જેટલા ભીખારીઓ આપણા દેશમાં છે તેટલા દુનીયાના બીજા કોઈ દેશમાં નથી. આનું કારણ આપણી વીપુલ જનસંખ્યા માનવામાં આવે છે. પરન્તુ અસલ કારણ તો આપણા દેશની ધાર્મીક અને આર્થીક પરીસ્થીતી છે કે જે માત્ર ભીખારીઓની સંખ્યા જ વધારતી નથી; પણ તેને પ્રોત્સાહન પણ આપે છે. વસતી ચીનની પણ વધુ છે; પણ ત્યાં ભીખ માંગવા પર પ્રતીબંધ છે.
આપણે ત્યાં ઘણા પ્રાચીન સમયથી વર્ણવ્યવસ્થા ચાલી આવે છે. આ વ્યવસ્થા પ્રમાણે સમાજને ચાર વર્ગોમાં વહેંચી દેવામાં આવ્યો. આ વર્ગો એટલે બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્ર. ક્ષત્રીય રાજ્યનો કારભાર સંભાળે, યુદ્ધ કરે અને લોકોના જાનમાલનું રક્ષણ કરે. વૈશ્ય વેપાર અને અર્થવ્યવસ્થા સંભાળે અને શુદ્ર અન્ય વર્ગોની સેવા કરે. હવે બાકી રહ્યો બ્રાહ્મણ; અને એ બ્રાહ્મણે જ ભીક્ષાવૃત્તીનું બીજારોપણ કર્યું છે. આમ તો એમને બૌદ્ધીક અને માનસીક કામ સોંપાયાં, જેમાં શારીરીક મહેનત અને પરીશ્રમ ઓછામાં ઓછો હોય.
સમાજ એ યુગની જરુરતને અનુરુપ રીતે ચાલે એવો જ એનો પ્રારમ્ભીક ઉદ્દેશ હશે; કારણ કે ત્યારે સમાજ આટલો વીકસીત નહોતો. આજની ગતી અને આજની ઝડપ પણ ત્યારે નહોતાં. લોકોનો જીવનવ્યવહાર સાંકડી મર્યાદાઓ વચ્ચે ચાલતો હતો. પરન્તુ જેમને બૌદ્ધીક અને માનસીક કામ સોંપાયું એ લોકો જ નીયામક હતા તેથી સાથેસાથે જ એવી વ્યવસ્થા ગોઠવવામાં લાગી ગયા, જેનાથી એમની (મફતનું લેવાની) વૃત્તીને પણ પ્રતીષ્ડા મળે. ધર્મ અને નીતીમત્તા પણ આ જ વર્ગના ભેજાની નીપજ છે.
મોક્ષપ્રાપ્તી માટે દાન
ધાર્મીક કર્મકાંડો અને રીતરીવાજોની આડશમાં દાનદક્ષીણાની પરમ્પરા અહીંથી જ ઉતરી આવી છે. મફતમાં તો કોઈ કોઈને કંઈ પણ આપવા ઈચ્છતું નહીં હોય અને એટલા જ માટે કાલ્પનીક ભય પેદા કરવામાં આવ્યો અને અનેક જાતની લાલચો આપવામાં આવી. કહેવામાં આવ્યું કે અમુક વર્ગના(બ્રાહ્મણો–સાધુઓ) લોકોને જેટલું દાન આપશો તેનાથી અનેકગણું પરલોકમાં મળશે અથવા દાન દેવાથી પુણ્ય એકઠું થશે. જેનાથી મોક્ષની પ્રાપ્તી થશે. કેટલાકે ક્યારેક ક્યારેક વીરોધ કર્યો પણ ખરો; તો સત્તાધારીનો સાથ લઈને એ વીરોધ દબાવી દેવામાં આવ્યો.
આ વર્ગે જ્યારે જોયું કે અરે વાહ ! આવી કોરી કલ્પનાઓના આધાર પર તો સહેલાઈથી પેટ ભરી શકાય છે એટલું જ નહીં; પણ ધનસંચય પણ થઈ શકે છે ત્યારે એ લોકોએ એક ધંધાના રુપમાં એ વ્યવસ્થાને પ્રતીષ્ઠા અપાવી દીધી. ઠેકઠેકાણે ધર્મ(કર્મકાંડ)ની તરેહતરેહની દુકાનો ખુલવા માંડી અને ભીક્ષાની વૃત્તી ફુલવા–ફાલવા માંડી. ભારતનું વધુમાં વધુ શોષણ જો કોઈએ કર્યું હોય તો આ ધંધાના ધંધાદારીઓએ જ કર્યું છે અને આપણું જીવન આજે આટલું ભ્રષ્ટ થઈ ગયું છે તે પણ એ લોકોની ‘મહેરબાની’નું જ ફળ છે.
ભીખારીવેડા વધારવામાં ધાર્મીક શોષણ જેટલું જ આર્થીક શોષણ પણ જવાબદાર છે. ખાસ કરીને આધુનીક યુગમાં તો આ વૃત્તીમાં ધાર્મીક શોષણ ઓછું અને આર્થીક શોષણ વધુ છે.
આપણી આ ચર્ચામાં આપણે ભીખ માગનારાઓને ઉપલક વીચારે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. ૧. ધર્મના નામે ભીખ માંગનારા અને ૨. ગરીબીના કારણે ભીખ માંગનારા. લક્ષ બન્નેનું એક જ છે – કોઈ પણ રીતે, કોઈ પણ પ્રકારના શ્રમ વીના પોતાનું પેટ ભરવું; પરન્તુ બન્નેની રીતો અલગ લગ હોઈને બન્નેની કક્ષાઓ વચ્ચે ફરક દેખાય છે.
સાધુ–સંતોની જમાતનો જ દાખલો આપણે લઈએ. આ લોકો ભીખ માંગીને જ પોતાનું પેટ ભરે છે. પરન્તુ જ્યારે એમની ગણના ભારતના સાઠ–સીત્તેર લાખ ભીખ માગનારાઓમાં કરવામાં આવે છે ત્યારે એમને માઠું લાગે છે – અરે ભાઈ, તમે તો પોતે જ પોતાની જાતને ભીક્ષુ–ભીક્ષુક અથવા ભીખ્ખુ તરીકે ઓળખાવો છો.
પરન્તુ જ્યારે એમને સડકછાપ સાધારણ ભીખારીની તુલનામાં મુકવામાં આવે છે ત્યારે એમને નાનમ લાગે છે. ખોટા આદર્શોના ચકરાવામાં ફસાયેલા રહેવાને કારણે એ લોકો પોતાની ભીક્ષાવૃત્તીને પણ ઉચ્ચ આદર્શ માને છે અને એવી જ આશા રાખતા હોય છે કે લોકો એમની પુજા કરે.
ભીખની પદ્ધતીઓ
હકીકત તો એ છે કે આ જાતના ઉંચા દરજ્જાના ભીખારીઓ અને સડકો ઉપર હાથ લંબાવીને ભીખ માંગનારા ભીખારીઓ વચ્ચે કોઈ ફરક નથી.
એક ધર્માચાર્યને જ્યારે મેં આમ કહ્યું ત્યારે એ વીફર્યા અને બોલ્યા, ‘તમે અમારી ગણના એવા ભીખ માંગનારાઓમાં કરી જ કેમ શકો ? શું અમે બૌદ્ધીક અને માનસીક પરીશ્રમ નથી કરતા ? અમે તો લોકોને અધ:પતનમાંથી ઉપર ઉઠાવીએ છીએ, એમના આત્માને સન્માર્ગે વાળીએ છીએ અને એ રીતે માનવજાતનું કલ્યાણ કરીએ છીએ. આ શું એક મહાન કાર્ય નથી ? શું એમાં અમને મહેનત નથી પડતી ?’
મારો સ્પષ્ટ જવાબ હતો, ‘ના. તમારું કાર્ય મહાન નથી અને એમાં કોઈ જાતની મહેનત પણ નથી. વ્યર્થ વાણીવીલાસને પરીશ્રમ કહેવાય નહીં. સંસારત્યાગનું નાટક પણ તમે મહેનત અને પરીશ્રમથી બચવા માટે જ કરો છો. તમારા ઉપદેશોથી સમાજને કે દેશને કોઈ ફાયદો થતો/થયો નથી. એ તો પેટ ભરવા માટેનું એક તીકડમ્ જ છે. તમારી નૈતીકતાની પણ કોઈ કીંમત નથી. કેમ કે આત્મા, પરમાત્મા અને પુનર્જન્મની જે કલ્પનાને કેન્દ્રમાં રાખીને એનો ઉદ્ભવ કરવામાં આવ્યો છે તે કલ્પના પોતે જ તથ્યહીન, નીરાધાર, અવૈજ્ઞાનીક અને અસત્ય છે. આ જાતનાં છળ–કપટથી કરવામાં આવતી મહેનતને મહેનત કહેવાય જ નહીં; એ તો એક જાતનું શોષણ જ છે. દીલ અને દીમાગનું શોષણ, વ્યક્તીનું અને સમાજનું શોષણ’
ઘડીભર માની લઈએ કે એ લોકો જે કંઈ કરી રહ્યા છે તેનાથી લોકકલ્યાણ સધાઈ રહ્યું છે; તો પણ એનાથી ભીક્ષાવૃત્તીનું ઔચીત્ય તો સીદ્ધ નથી જ થતું. તમે ચોરી એટલા માટે કરો કે ચોરીથી મેળવાયેલા માલથી કોઈક અભાવગ્રસ્ત વ્યક્તીને મદદ કરી શકાય, તો તેથી કંઈ ચોરીનું કામ નૈતીક બની જતું નથી. એથી ભીક્ષાવૃત્તીનું સ્તર ભલે ગમે તેવું હોય; પણ એ અનીષ્ટ જ છે. સાધન ને સાધ્ય – બન્નેની શ્રેષ્ઠતામાં જ કાર્યની નૈતીકતા છે.
કેટલાક લોકો ગૃહસ્થના વેશે પણ એ ધંધો કરતા હોય છે. પંડીતો, કથાકારો અને પુજાપાઠ કરતા – કરાવતા લોકોને પણ દાનદક્ષીણાના રુપમાં સારી દાનપ્રાપ્તી થતી હોય છે.
દેશના વીભાજન પછી એક બે પ્રાંતોમાં નીરાશ્રીત બનીને જુદી જાતની ભીખ માંગનારા પણ ઉપર તરી આવ્યા હતા. સરકારી સહાય માંગતાં–માંગતાં એ લોકોની મહેનત કરવાની મનોવૃત્તી ખતમ થઈ ગઈ છે અને આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ એ લોકો અહીંતહીં ભટકીને હાથ લંબાવતા નજરે ચડે છે.
દાનનું વરવું રુપ
ભીખમંગાઓની સંખ્યામા થઈ રહેલી અવીરત વૃદ્ધીનું એક મહત્ત્વનું કારણ આપણી દાનપરમ્પરા છે. એક જમાનામાં દાનનું મહત્ત્વ ભલે સ્વીકારાયું; પણ આજે એનું જે રુપ જોવા મળે છે તેમાં તો ભીખારીવૃત્તીને જ પોષણ મળી રહ્યું છે અને મનુષ્યત્વનું અપમાન થઈ રહ્યું છે. જેમ કે રોટલીઓ વેચવાવાળાની દુકાનેથી રોટલીઓ ખરીદીને દાનીઓ ભીખારીઓમાં વહેંચે છે. આવી કાચીપાકી રોટલીઓ માટે સેંકડો ભીખારીઓ ત્યાં લાઈન લગાવે છે. એવી એક એક રોટલી માટે એ લોકો વચ્ચે જે ઝપાઝપી, મારામારી અને ગાળાગાળી થતાં હોય છે તે જોઈને કોઈ પણ સંસ્કારી માણસનું – સંસ્કારી સમાજનું માથું શરમથી ઝુકી જાય. પરન્તુ દાન આપનારો ‘દાની’ એના માટે સંતોષ અને ગૌરવની લાગણી અનુભવતો હોય છે. એ જ પ્રમાણે ગ્રહણ ટાણે ભીખમંગાઓની ભીડ ઠેરઠેર જોઈ શકાય છે.
ઘણી વખત વીદેશી યાત્રીકો અને પત્રકારો આવા ભીખારીઓની તસવીરો પાડીને લઈ જતા હોય છે. કોઈકવાર આપણા દેશવાસીઓ આવી તસવીરો લેનારનો વીરોધ કરતા હોય છે. પણ એ રીતે શું આપણે એ કડવા સત્ય પર પડદો પાડી શકીશું ?
ભીક્ષા શું ધર્મસંગત છે ?
ભીક્ષાવૃત્તીને આપણે ધાર્મીક દરજ્જો આપી રાખ્યો છે. દાન ભીક્ષાના મહીમાથી આપણા પ્રાચીન ગ્રંથો ભર્યા પડ્યા છે. ધાર્મીક સંસ્કૃતીનો તકાદો છે કે ભીખ આપી આપીને પુણ્યનું ભાથું બંધાતું રહે અને મોક્ષદ્વારે પોતાની જગ્યા સુરક્ષીત થઈ જાય.
ધાર્મીક સંસ્કૃતીની આ કેવી વીચીત્ર બાજુ છે ! પુરવાર નહીં થયેલાં અને પ્રામાણીત પણ નહીં થયેલાં, આત્મા–પરમાત્માનાં મુલ્યો માટે આપણે લાખો લોકોને ગરીબી અને દારીદ્રના અભીશાપથી મુક્ત થવા દેવા નથી માગતા ! સામે ભીખ પામનારો પણ આ વીચારને ચીટકેલો એટલા માટે રહે છે કે ચાલો, વગર મહેનતે, હાથ–પગ હલાવ્યા વીના જ ખાવાપીવાની સમસ્યા તો હલ થઈ જાય છે !
ભીખારીવૃત્તીથી છુટકારો મેળવવા માટે આપણી આર્થીક વ્યવસ્થામાં તો પરીવર્તન કરવું જ પડશે; પણ એનીય પહેલાં જરુરી એ છે કે આપણે અવૈજ્ઞાનીક અને જુનવાણી માન્યતાઓને જડમુળથી ઉખેડીને ફેંકી દઈએ અને એ અનીષ્ટને પોષનારા વર્ગને ખતમ જ કરી નાખીએ.
– સખા બોરડ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.