Friday, September 7, 2012

ગાંધીજી ફેસબુક પર હોત તો ? – ઉર્વીશ કોઠારી


[ તાજેતરના ‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત થયેલો આ હળવો રમૂજી લેખ બે અલગ-અલગ કાળને જોડીએ તો કેવું ચિત્ર ઉપસે તેની ઝાંખી કરાવે છે. ]

‘ગાંધીજી સોની કે પાંચસોની ચલણી નોટ પર હોત તો?’ એવી કલ્પના કરવામાં થોડા દાયકા મોડા છીએ. દરમિયાન, બીજાં ઘણાં દુઃસ્વપ્નની જેમ એ શક્યતા વાસ્તવિકતા બની ચૂકી છે. પણ ધારો કે ગાંધીજીના જમાનામાં ‘ફેસબુક’ જેવી સોશ્યલ નેટવર્કિંગ સુવિધા હોત તો ? બેશક, તેમના પ્રોફાઇલ પેજના કવર પિક્ચર- મુખ્ય તસવીર તરીકે ત્રણ વાંદરાના રમકડાની કનુ ગાંધીએ પાડેલી તસવીર બાપુએ મૂકી હોત- એટલે કે મુકાવી હોત. કારણ કે બાપુ પોતે થોડા ફેસબુક ઓપરેટ કરવા બેસે ? એ કામ તેમણે મહાદેવભાઇ દેસાઇને સોંપી દીઘું હોત. 

મહાદેવભાઇનું અકાળે અવસાન થયું ત્યારે સરદાર પટેલે કહ્યું પણ હોત કે ‘બિચારો મહાદેવ ! ફેસબુક પર બુદ્ધિના બળદીયાઓ જોડે લમણાં લેવામાં એનું આયુષ ઓછું થઇ ગયું.’

‘ફેસબુક’ પર એકાઉન્ટ ખોલવું કે નહીં એ વિશે શરૂઆતમાં ગાંધીજીના મનમાં ખાસી અવઢવ ચાલી હોત. ‘તેની પર જેટલો સમય બગડે, એટલું દેશને આઝાદી મળવામાં મોડું થશે’ – એવું વિચારીને તે ખચકાટ અનુભવતા હોત. પણ કાકાસાહેબ કાલેલકર જેવાએ તેમને સમજાવ્યા હોત કે આપણે છાપાં કાઢીએ છીએ તો પછી ફેસબુક શા માટે નહીં ? આપણે માઘ્યમથી મતલબ છે કે તેના દ્વારા આપવાના સંદેશાથી ? વર્ષો પછી માર્શલ મેક્લુઅને આ વાતને ‘મીડિયમ ઈઝ ધ મેસેજ’ તરીકે પ્રચલિત બનાવી હોત.

પ્રોફાઇલ પિક્ચર તરીકે પોતાનો ફોટો મુકવાને બદલે ગાંધીજીએ ચરખો મૂક્યો હોત. પોતાના પરિચયમાં તેમણે વિદેશી કોલેજનાં નામ-ડિગ્રી ટાળીને ‘સ્ટડીડ એટ’માં ‘આલ્ફ્રેડ હાઇસ્કુલ, રાજકોટ’ લખાવ્યું હોત. એકાઉન્ટ ખોલ્યા પછી બધા સાથીદારોની સલાહથી ઉપરવટ જઇને, પહેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ તેમણે અંગ્રેજ વાઇસરોયને મોકલી હોત. તેનો સ્વીકાર કરવો કે નહીં તે માટે વાઇસરોયે બ્રિટન પુછાવવું પડ્યું હોત. ત્યાર પછી ખાનગી રાહે વાઈસરોયે ઝીણાને પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાનું કહેવડાવ્યું હોત અને ગાંધી-ઝીણા બન્નેની ફ્રેન્ડ રિક્વેસ્ટ એકસાથે સ્વીકારવાની જાહેરાત કરી હોત. 

‘ફેસબુક’ પર પહેલું સ્ટેટસ શું મુકવું જોઇએ ? એવા મહાદેવભાઈના ક્ષણના પણ વિલંબ વિના જવાબ આપતાં ગાંધીજીએ કહ્યું હોત : ‘લખો, મહાદેવ. સત્ય એ જ પરમેશ્વર.’ સ્ટેટસ મુકાયાની થોડી મિનિટોમાં ‘લાઇક’ અને કમેન્ટનો વરસાદ થયો હોત. મોટા ભાગના ‘લાઇક’ કરનારાએ રાબેતા મુજબ, પહેલાં ‘લાઇક’નું બટન દબાવ્યા પછી, સમયની અનુકૂળતા પ્રમાણે સ્ટેટસ વાંચ્યું હોત.

મોટા ભાગની કમેન્ટમાં એક જ સવાલ પૂછાયો હોત : ‘ફોટામાં ચરખો મૂક્યો છે ને નામ એમ. કે. ગાંધી લખ્યું છે, તે આ ગાંધીજીનું જ એકાઉન્ટ છે ? કે પછી કોઇ દારૂવાળો કે રાજકારણવાળો વઘુ એક વાર તેમનું નામ વટાવવા નીકળ્યો છે ?’ વારંવાર ખુલાસા કર્યા પછી મહાદેવભાઇએ આ ગાંધીજીનું સત્તાવાર એકાઉન્ટ હોવાનું જાહેર કર્યું હોત અને ફોટાની જગ્યાએ ‘બાપુના આશીર્વાદ’ એવી સહી મૂકી હોત.

ગાંધીજી ફેસબુક પર આવ્યાના સમાચાર ‘ટ્‌વીટર’ થકી ફેલાતાં, તેમની પર ફ્રેન્ડ રિક્વેસ્ટનો મારો થયો હોત. તેમાં જવાહરલાલ નેહરુ અને મીરાબહેનથી માંડીને સામાન્ય પ્રજાજનો, લેંકેશાયરના મિલમજૂરો અને દક્ષિણ આફ્રિકાના સાથીદારોનો સમાવેશ પણ થતો હોત. ફ્રેન્ડલિસ્ટ 5 હજારની મહત્તમ મર્યાદા ભણી સડસડાટ આગળ વધતું જોઇને ગાંધીજીએ નવું સ્ટેટસ મુકાવ્યું હોત : ‘હરિજનફાળામાં દાન કરનારની ફ્રેન્ડ રિક્વેસ્ટ જ સ્વીકારવામાં આવશે.’ પોતાનું એકાઉન્ટ નહીં ધરાવતા, પણ ફેસબુકમાં શું ચાલી રહ્યું છે તેનું ઘ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એકાઉન્ટ પરથી રાખતા સરદાર પટેલ ગાંધીજીની શરત વાંચીને મરક્યા હોત. બાજુમાં બેઠેલા માવળંકરને તેમણે કહ્યું હોત, ‘જોયું ? હજુ તો મહિનો પણ થયો નથી ને ડોસા જણાઈ આવ્યા.’

‘પણ તમે કેમ ફેસબુક પર ખાતું ખોલતા નથી ? હવે ગાંધીજીના ફ્રેન્ડલિસ્ટમાં આવવા માટે તો ખોલાવો.’ એવા આગ્રહના જવાબમાં સરદારે કહ્યું હોત, ‘મારે એમના ફ્રેન્ડલિસ્ટમાં આવવાની શી જરૂર ? એમણે આપણને જે આપવાનું હતું એ આપી દીઘું છે. એ પાળવા કોશિશ કરીએ તો ઘણું છે. મને એમના ફ્રેન્ડ તરીકે ઓળખાવામાં કોઇ રસ નથી.’ આ વાત ગાંધીજી સુધી પહોંચતાં તેમણે ખડખડાટ હસીને કહ્યું હોત, ‘વલ્લભભાઇની નિખાલસતાનો જય હો. એ તો આમ જ કહે.’

શરૂઆતમાં મહાદેવભાઇએ રોજ એક વાર ‘ફેસબુક’નું એકાઉન્ટ અપડેટ અને ચેક કરવું તથા રાત્રે સૂતાં પહેલાં તેનો રીપોર્ટ આપવો એવું ગાંધીજીએ ઠરાવ્યું હોત. તેમાં સોમવારે ‘મૌન’ પાળવાનો નિયમ ચાલુ રખાયો હોત. મહાદેવભાઇએ ‘ફેસબુક’ પર પોતાનું અલગ એકાઉન્ટ ખોલ્યું છે તેની એક દિવસ જાણ થતાં ગાંધીજીએ તેમને બરાબર ઠપકો આપ્યો હોત. ‘તમારે વળી એકાઉન્ટની શી જરૂર ? એવું તે શું લખ્યા વિના તમે રહી ગયા ? કવિતડાં લખશો ? ટોળટપ્પાં મારશો ? એ બધાને હું તો વ્યભિચાર ગણું. તમારે અલગ એકાઉન્ટ વાપરવું હોય તો મારું એકાઉન્ટ ચલાવવાનું કામ તમારે છોડવું જોઇએ.’ મહાદેવભાઇએ તત્કાળ પોતાનું એકાઉન્ટ ડીએક્ટિવેટ કરાવી દીઘું હોત. ગાંધીજીના ફેસબુક એકાઉન્ટના હજારો સબસ્ક્રાઈબર થયા હોત. તેમાંથી ઘણા પોતાને ‘ગાંધીવાદી’ ગણાવતા હોત, પણ તેમાંથી બહુ થોડા લોકોને ગાંધીજીની વાતમાં રસ હોત. મોટા ભાગના લોકો દેખાદેખી કે ગાંધીજીને સેલિબ્રિટી ગણીને તેમનું એકાઉન્ટ સબસ્ક્રાઇબ કરતા હોત. સંખ્યા વિશે કોઇ પ્રકારના ભ્રમ ન ધરાવતા ગાંધીજીએ કહ્યું હોત, ‘જે સંખ્યાના જોરે કૂદાકડા મારે છે તે પડવાને સારુ. સેંકડો સબસ્ક્રાઇબર્સથી કોઇનો ઉદ્ધાર થયેલો જાણ્યો નથી. લાખો ઓનલાઇન સબસ્ક્રાઇબર્સ કરતાં એક સાચા સાથીનું મૂલ્ય મારે મન વધારે છે.’

‘હિંદ છોડો’ ચળવળ વખતે અંગ્રેજોએ ફેસબુક પર પ્રતિબંધ મૂકતાં ગાંધીજીએ નારો આપ્યો હોત, ‘(સ્ટેટઅસ અપડેટ) કરેંગે યા મરેંગે.’ અંગ્રેજોને પણ સમજાયું હોત કે ‘ફેસબુક’ પર પ્રતિબંધ મૂકવા કરતાં, એ ચાલવા દેવામાં વધારે ફાયદો છે. કારણ કે મોટા ભાગના લોકોનો રોષ ‘ફેસબુક’ પર નીકળી જાય છે. ગાંધીજી જેવા રાજદ્વારી કેદીઓને જેલમાં પણ દિવસમાં એક વાર ફેસબુક વાપરવાની સુવિધા અપાઈ હોત, પરંતુ તેમાં એવી સેન્સરશીપ હોત કે એ ફક્ત જોઈ શકે- પોતાનું સ્ટેટસ અપડેટ કરી શકે નહીં.

ગાંધીજીના એકાઉન્ટ પર સ્ટેટસ અપડેટ બંધ થયાના થોડા દિવસ સુધી લોકો તેમને શુભેચ્છા સંદેશ મોકલતા હોત, પણ ધીમે ધીમે બે-ત્રણ અઠવાડિયાં પછી તેમના લાખો સબસ્ક્રાઇબર્સમાંથી મોટા ભાગના ભૂલી ચૂક્યા હોત કે ગાંધીજી જેલમાં છે. કેટલાક તો એ પણ ભૂલી ચૂક્યા હોત કે ગાંધીજી છે. જેલમાંથી બહાર આવ્યા પછી પ્યારેલાલે ગાંધીજીનું ફેસબુક ખાતું સંભાળ્યું હોત, પણ કોમી હિંસાના દિવસોમાં પોતાના સંદેશા અંગે લોકોની હિંસક પ્રતિક્રિયાઓ જોઇને ગાંધીજી સ્તબ્ધ થઇ ગયા હોત. ગાંધીજી જેટલી વાર માણસાઈ રાખવાની અને શાંતિ જાળવવાની અપીલ મુકે એટલી વાર ‘પંજાબમાં હિંદુઓને માર્યા ત્યારે તમે ક્યાં ગયા હતા?’ કે ‘કાશ્મીરમાં હિંદુઓને હાંકી કાઢ્યા ત્યારે તમે ક્યાં હતા ?’એવા સવાલ તેમને પૂછાતા હોત. ગાંધીજી તેનો જવાબ આપે એટલે તરત ‘એ બઘું ઠીક છે, પણ તમે લાહોરમાં હિંદુઓની કત્લેઆમ થઇ ત્યારે ક્યાં ગયા હતા ?’ એવા સવાલ તૈયાર જ હોત.

શાંતિ જાળવવાની ગાંધીજીની એક અપીલ નીચે કમેન્ટમાં નથુરામ ગોડસેએ લખ્યું હોત : ધડામ. ધડામ. ધડામ. 

ગોડસેની કમેન્ટ નીચે ‘આરઆઇપી’ (રેસ્ટ ઇન પીસ)ના ઢગ ખડકાયા હોત.

સૌજન્ય ; રીડગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.