Monday, October 7, 2013

જીવન જીવવાની કળા – પ્રવીણ શાહ



જિંદગી એકદમ સુખમાં અને આનંદમાં પસાર થતી હોય એ કોને ન ગમે ? બધા જ માણસો સુખ મેળવવા દોડી રહ્યા છે. આમ છતાં, કેટલા માણસો સુખી છે ? દુનિયામાં તમને જાતજાતનાં દુખો જોવા મળશે. કોઈ ગરીબ છે, સખત મહેનત કરવા છતાં પેટપૂરતું ખાવા નથી મળતું, કોઈને માંદગી પીછો નથી છોડતી, કોઈને વારસામાં દિકરો કે દિકરી નથી. કોઈ પૈસાપાત્ર હોવા છતાં દિકરો કહ્યામાં નથી, કોઈ વહુને સાસુની સતામણીનું દુઃખ છે, કોઈને સારું ભણવા છતાં સંતોષકારક નોકરી કે ધંધો નથી મળતો. આમ, જાતજાતનાં દુઃખોથી માણસ ઘેરાયેલો દેખાશે.
તો સુખેથી કોણ જીવે છે ? શું, જિંદગીમાં સુખ હોય જ નહિ ? ના, ના, એવું જરાય નથી. તમારે સુખેથી અને આનંદમાં જીવવું હોય તો કોણ રોકે છે ? મોટા ભાગનાં દુઃખો તો માણસ જાતે જ ઉભા કરે છે અને દુઃખી થાય છે. તમારે સુખમય જિંદગી જીવવી છે ? તો તમારો જીવવાનો રાહ બદલો. આ માટે હું નીચે થોડાં સૂચનો કરું છું, તે અંગે ગંભીરતાથી વિચારો અને જીવવાનો નવો રસ્તો અપનાવો. પછી જુઓ કે જિંદગીમાં સુખ જ સુખ છે કે નહિ. આ રહ્યાં સૂચનો.

(૧) જીવનનું ધ્યેય નક્કી કરો.
તમારે જીવનમાં શું મેળવવું છે, તમારે શું બનવું છે, એ સ્પષ્ટપણે નક્કી કરો. તમારે સારું ભણીને પ્રોફેસર બનવંજ છે ? તમારે કાપડ ઉત્પાદન માટેની મીલ ઉભી કરવી છે ? તમારે સારા નામાંકિત ડોક્ટર બનવું છે ? તમે નેતા બનીને દેશસેવા કરવા માગો છો ? તમારે જે કંઇ બનવું હોય તે, વિદ્યાર્થી ઉમરમાં જ નક્કી કરી લો. ધીરુભાઈ અંબાણી પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂરતાં પૂરતાં, પેટ્રોલ પેદા કરવાની પોતાની રીફાઈનરી હોય એવું વિચારતા રહ્યા, એ ધ્યેય પાછળ મંડ્યા રહ્યા અને એ ધ્યેયને સિદ્ધ કરીને જ જંપ્યા. આવાં તો ઘણાં ઉદાહરણો જોવા મળશે.
(૨) પોતાની જાત માટે આત્મવિશ્વાસ કેળવો.
પોતાની જાતને ક્યારેય નીચી માનશો નહિ. જાત પર પૂર્ણ ભરોસો રાખો. તમારું મન તમે નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવા હમેશાં પ્રયત્નશીલ હોય છે. એટલે તમારી જાત પર વિશ્વાસ મૂકીને કામ કરતા રહો. તમે જરૂર સફળ થશો.
(૩) જીવનમાં હમેશાં હકારાત્મક વલણ અપનાવો.
જીવનમાં ક્યારેય નિરાશ થશો નહિ. નિષ્ફળતા મળે તો પણ દુઃખી થશો નહિ. નિષ્ફળતામાંથી સફળતા મેળવવાનો રસ્તો જડી આવે છે. ભૂલોમાંથી માણસ શીખે છે. એટલે ક્યારેય નકારાત્મક વિચારો કરશો નહિ. ” ધોરણ ૧૨ માં ખૂબ ઓછા ટકા આવ્યા, હવે હું એન્જીનીયર શી રીતે બનીશ ? હવે મારું શું થશે ?” આવા વિચારો ના કરો. એને બદલે, ઓછા ટકા આવ્યા તો બીજું શું કરી શકાય, એ વિચારો. એ રસ્તે આગળ વધો. એને હકારાત્મક વિચાર કહેવાય. એન્જીનીયરીંગ સિવાય બીજાં એટલાં બધાં ક્ષેત્રો છે કે જેમાં સિદ્ધિ મેળવી શકાય. એ જ રીતે, માંદગી, ગરીબી, મતભેદો, હેરાનગતિ, એ બધા પ્રસંગોમાં હકારાત્મક વલણ અપનાવી આગળ વધશો તો ક્યાંય દુઃખ નહિ રહે.
(૪) ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા રાખો.
આ દુનિયાનો કર્તાહર્તા ઈશ્વર છે, તેના પર શ્રદ્ધા રાખો. પ્રભુએ આ દુનિયા રચી છે, જન્મ, જીવન, મરણની ઘટમાળ ઉભી કરી છે. પ્રભુ દરેકને જન્મ શા માટે આપે છે ? જિંદગી સારી રીતે જીવો એ માટે. તો પછી પ્રભુ તમને દુઃખી કરે ખરા ? પ્રભુ તો તમારી જિંદગી સારી રીતે પસાર થાય એવી જ ઘટનાઓ રચે. તો દુઃખ ક્યાંથી આવ્યું ? માણસ જાતે ઊભું કરે તો જ ને ? જો પ્રભુ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને કામ કરતા રહેશો તો પ્રભુ તમને ક્યારેય દુઃખમાં નહિ પડવા દે.
(૫) હળવાશથી હસતા હસતા જીવો.
કોઈ પણ બનાવને હળવાશથી લો. કોઈ ખરાબ ઘટના બની હોય તેને બહુ ગંભીરતાથી લેશો તો દુઃખી દુઃખી થઇ જશો. એને બદલે એ ઘટનાને બહુ મહત્વ ન આપો. તો તેમાંથી બહાર આવવાનો રસ્તો જલ્દી જડી આવશે. દ્રઢ સંકલ્પવાળા માણસો દુઃખોથી ડરતા નથી, બલ્કે હસતા હસતા જિંદગી વિતાવે છે. તમે પણ એ રીતે જિંદગી જીવી શકો.
(૬) તમારી સાથે સંકળાયેલા બધા લોકો સાથે પ્રેમથી વર્તો.
માનવ એ સામાજિક પ્રાણી છે. તે ક્યારેય એકલો જીવી શકતો નથી. બીજા લોકો સાથે મળીને જ જીવન જીવાય છે. ઘરમાં માબાપ, ભાઈ, બહેન, પતિ, પત્ની અને બાળકો હોય છે. બહાર પાડોશીઓ, ઓફિસમાં સહકાર્યકર્તાઓ, ધંધામાં ગ્રાહક અને વેપારીઓ, બસમાં બીજા પ્રવાસીઓ, દર્દી સાથે નર્સ કે ડોક્ટર – એમ બધે જ તમને તમારી આસપાસ સંકળાયેલા માણસો મળશે. આ બધા સાથે સ્નેહ અને પ્રેમભાવથી વર્તીએ, તો ક્યાંય મતભેદ કે તકલીફો ઉભી નહિ થાય. દા. ત. કોઈ વિદ્યાર્થી પોતાને ન આવડતો દાખલો શિક્ષકને પૂછવા જાય ત્યારે શિક્ષક ‘આટલું નથી આવડતું ?’, ‘હમણાં મને ટાઇમ નથી, કાલે આવજે.’, ‘મારા ક્લાસ ભરતાં શું થાય છે ?’ આવા બધા જવાબો આપવાને બદલે પ્રેમથી વાત કરે કે ‘લાવ, શીખવાડી દઉં’ એમ કહીને શીખવાડે તો બંનેનો ઘણો સમય બચી જાય, વિદ્યાર્થીને શિક્ષક પ્રત્યે આદર પેદા થાય, તેને સ્કુલ કે કોલેજમાં નિયમિત આવવાનું મન થાય અને શિક્ષક-વિદ્યાર્થી બંનેના મગજમાં શાંતિ રહે તે જુદું. આવી લાગણીસભર વાતચીત બધે જ થાય તો અશાંતિ અને દુખો કેટલાં બધાં દૂર થઇ જાય !
(૭) અન્ય લોકો પર ગુસ્સો ના કરો.
આજે લોકો વાતવાતમાં ગુસ્સે થઇ જતા હોય છે. પતિપત્ની એકબીજા પર, પિતાપુત્ર, બોસ અને કર્મચારી – એમ બધે લોકો ગુસ્સે થતા જોવા મળશે. ગુસ્સો કરવાથી કામ તો નથી જ પતતું, પણ ઉલટાનું મગજ નકારાત્મક વિચારોથી તરબતર થઇ જાય છે. ક્યારેક બી.પી. વધી જાય છે, બીજાને ખેદાનમેદાન કરી નાખવાના વિચારો આવી જાય છે. આવી સ્થિતિમાં શાંતિ ક્યાંથી મળે ? ગુસ્સો કરવાને બદલે, સામી વ્યક્તિનો દોષ હોય તો તેને શાંતિથી સમજાવી તેનું નિરાકરણ ન લાવી શકાય ? એમ કરીએ તો કામ પતે અને જીવનમાં શાંતિ લાગે. ગુસ્સાને કારણે ભલભલા લોકોએ ખતરનાક પરિણામો ભોગવ્યાના દાખલા મોજૂદ છે.
(૮) બીજાઓની ભૂલ કે અપરાધને માફ કરો.
માણસ માત્ર, ભૂલને પાત્ર. માણસથી ભૂલ ન થાય, એવું તો ના જ બને. પણ તમારા સંપર્કમાં આવનારા જો ભૂલો કરે તો તેને દાઢમાં રાખી હેરાન કરવાને બદલે, તેના પર ગુસ્સો કરવાને બદલે, તેની ભૂલને માફ કરો. પ્રત્યક્ષ માફ ના કરાય તો તેને મનોમન માફ કરો. તેને ભૂલ સુધારવાની તક આપો. તેની પ્રગતિ અવરોધવાને બદલે, તેને ભૂલ સુધારી આગળ વધવા દો. આમ કરવાથી, તમારું તથા ભૂલ કરનારનું મગજ શાંત રહેશે. હકારાત્મક તરંગો વહેશે અને દિશા, પ્રગતિ તરફની રહેશે. ભગવાન જો ભૂલો માફ કરે છે તો આપણે તો પામર મનુષ્ય છીએ. આપણે ભૂલ માફ નહિ કરનારા કોણ ?
(૯) બીજાને હમેશાં મદદરૂપ થાઓ.
તમારાથી શક્ય એટલું બીજાને મદદ કરવાનું રાખો. મદદ ત્રણ રીતે થઇ શકે છે, કોઈને પૈસા આપીને, કોઈને માટે સમય ફાળવીને અને કોઈને માટે મહેનત કરીને. ગરીબોને પૈસા કે અન્ય વસ્તુઓ આપીને મદદ કરી શકાય. કોઈને કંઇ આવડતું નથી તો તેને શીખવાડવા માટે સમય ફાળવીને મદદ કરી શકાય. કોઈ ભારે વજન લઈને દાદર ચડતો હોય તો તેનું થોડું વજન ઉંચકી લઇ, તેને મહેનતરૂપી મદદ કરી શકાય. તમે જો બીજાને કોઈ પણ રીતની મદદ કરશો તો પછી જુઓ તેનું પરિણામ ! બીજાઓ તમને મદદ કરવા તત્પર થઇ જશે. બધા જો આ રીતે કરે તો દુનિયામાં કોનું કામ અટક્યું રહે ? સાથે પરમ કૃપાળુ પરમાત્મા તો છે જ, તે તો મદદ માટે જ બેઠો છે.
બસ તો દોસ્તો, અહીં બતાવ્યા તે રસ્તા પર ચાલવાનું શરુ કરી દો. પછી જુઓ કે જિંદગીમાં કોઈ દુઃખ રહે છે ખરું ? દુનિયાના બધા લોકો આ રીતે જીવે તો ક્યાંય દુઃખ ન રહે. અરે ! આખી દુનિયા ભલે આ રીતે ન જીવે, તમે કે થોડા લોકો પણ જો આ નિયમો અનુસરશે તો પણ તમને જીવન આનંદમય લાગશે. તમારાં દુખો ક્યાંય ભાગી જશે. બસ તો, જાગ્યા ત્યાંથી સવાર. આજથી જ, અત્યારથી જ જીવનનો રાહ બદલી નાખો. સારું જીવન જીવવાની કળા સિદ્ધ કરવાની તમને શુભેચ્છાઓ.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.