Tuesday, June 18, 2013

શું ધર્મ માનવને નીતીવાન બનાવે છે ?-પ્રા. ધવલ મહેતા

‘ધ ઓક્સફર્ડ હેંડ બુક ઓફ રીલીજીયન’: ઓક્સફર્ડ યુનીવર્સીટી 2005 (એડીટર: વીલીયમ જે. વેનરાઈટ)

દુનીયાનો દરેક ધર્મ નૈતીકતા પર ભાર મુકે છે; પરન્તુ નૈતીકતા (મોરાલીટી)ની વ્યાખ્યા તો તે પોતે જ કરે છે. હીન્દુ મોરાલીટી, ક્રીશ્વીયન મોરાલીટી, મુસ્લીમ મોરાલીટીમાં તફાવતો છે. ધર્મ પોતાના અનુયાયીઓ માટે ‘ઈન ગૃપ’ અને બહારના માટે ‘આઉટગૃપ’ ઉભું કરે છે. દરેક  ધર્મ  એમ માને છે કે સાચી નૈતીકતાના નીયમો માત્ર તેનામાં જ છે અને સામાનો ધર્મ ઉતરતી કક્ષાનો છે. પરન્તુ ધર્મે નૈતીકતાના જે નીયમો ઘડ્યા છે તેમાંના કેટલાક આઉટડેટેડ થઈ ગયા છે. કોઈ ધર્મ ‘સનાતન’ નથી. આથી સામુહીક જમાનામાં નૈતીકતાનો આધાર ધાર્મીક મુલ્યો હોઈ શકે નહીં તેમ પશ્વીમના બૌદ્ધીકો માને છે. દરેક ધર્મમાં અલૌકીક (સુપરનેચરલ) તત્ત્વ હોય છે અને રૅશનાલીસ્ટોને અલૌકીક તત્ત્વમાં વીશ્વાસ નથી. સર્વધર્મ સમાનતામાં માનનારા શ્રદ્ધાળુઓ આવા દરેક ધર્મનાં અલૌકીક તત્ત્વોને માન્ય રાખતા હોવાથી તેમને રૅશનાલીસ્ટ ગણવાનું મુશ્કેલ છે.

તેઓમાં ધાર્મીક મુલ્યો સામેના ‘રીબેલનું તત્ત્વ ખુટે છે. તેઓની સદ્ ભાવના પાછળ રૅશનાલીટી નહીં; પરન્તુ વીશફુલ થીંકીંગ હોય છે. જો મોરાલીટી (નૈતીકતા)નો આધાર ધર્મ નહીં હોય તો, તેનો આધાર શો હોઈ શકે તે બાબતનું ઉંડું ચીન્તન બૌદ્ધીકોમાં ચાલી રહ્યું છે. સારા આચરણ માટે  ધર્મ પાપનો ડર અને મોક્ષ અથવા સાલ્વેશન કે પુણ્યનો જે લોભ દર્શાવે છે તેવો આભાસી ડર કે લોભ (કે લાભ) સેક્યુલર એથીક્સના માનનારા બતાવી શકતા નથી. તેથી સેક્યુલર એથીક્સનું લોકોને નૈતીકતા તરફ લઈ જવાનું મોટીવેટીંગ પરીબળ ફીક્કું જણાય છે. તેમાં ‘જોસ્સો’ નથી. તેમ છતાં કોઈપણ સમાજને ધર્મ વીના ચાલે; પરન્તુ મોરાલીટી વીના ચાલી શકતું નથી. મોરાલીટીનાં લઘુત્તમ ધોરણો જો નહીં સચવાય તો માનવજાતી નાશ પામે. કારણ કે લોકો એકબીજાને મારી નાંખે કે દરેક જણ બીજાને લુંટી લે કે છેતરે. આવો સમાજ નાશ પામે, આથી સેક્યુલર એથીક્સમાં માનનારા ‘મોરાલીટી’નો આધાર માનવ સ્વભાવમાં જ મુકે છે – ઈશ્વરમાં નહીં.

આને આપણે ‘નેચરાલીસ્ટીક થીયરી’ કહી શકીએ છીએ. માનવ સમાજ ટકી રહ્યો છે; કારણ કે લઘુત્તમ નૈતીકતાના નીયમો તેના મગજમાં જ પ્રોગ્રામ્ડ છે. પરન્તુ સમાજમાં પણ મોરાલીટીના નીયમો હોય છે. એક જ પ્રજાતીના પશુઓ કે પંખીઓ ભાગ્યે જ એકબીજાને મારી નાખે છે. પોતાની ટેરીટરીમાં આવેલા પશુને તે મારી નાંખવાને બદલે  ભગાડી મુકે છે. માદા માટે લડતાં પશુઓ પણ એકબીજાને મારી નાંખતાં નથી. હારેલું પશુ નાસી જાય છે.

કૉસ્મીક જસ્ટીસ: ધાર્મીકો નૈતીકતાના આધાર માટે ભગવાનને ત્યાં ‘દેર છે પણ અંધેર નથી’ અથવા તો ‘બદલો ભલા–બુરાનો અહીંનો અહીં મળે છે’ તેમ કહી, દૈવી કે ઈશ્વરના ન્યાયનો સીદ્ધાંત મુકે છે. પરન્તુ માનવસમાજમાં બદલો ભલા–બુરાનો અહીંનો અહીં મળે છે તેવું સર્વદા જોવા મળતું નથી. વળી, ‘દયા ધરમકા મુલ હૈ, પાપ મુલ અભીમાન’માં પણ અભીમાનને (ભ્રષ્ટાચારને નહીં) પાપનાં મુળ તરીકે જોવાનું વીચીત્ર છે. અપ્રામાણીકને કે આતતાયીને, કોઈ ધર્મ પાપનાં મુળમાં જોતો નથી તે બેહુદું લાગે છે. વળી ધરમનાં મુળમાં દયા નહીં; પરન્તુ શ્રદ્ધા છે અને શ્રદ્ધાવાનોમાં બહુ ઓછા લોકો દયાળુ જોવા મળે છે. દરેક ધર્મ વ્યક્તીને બદલવાનું કહે છે. વ્યસનમુક્તી અને ઉપવાસ, મૌન, પુજા, ભજનની વાત કરે છે પરન્તુ સમાજને બદલવાની વાત કરતો નથી.

ગ્રીકો એમ માનતા હતા કે સદ્ ગુણો (વર્ચ્યુઅલ) જીવન સુખી જીવન છે અને દરેક વ્યક્તી સુખી જીવન ઈચ્છે છે. પરન્તુ સદ્ ગુણોવાળું જીવન સુખી જ હોય તેની કોઈ સાબીતી નથી. એમ. એન. રૉય એવું માનતા હતા કે માણસ રૅશનલ હોવાથી તે મોરલ (નૈતીક) છે. આ એક આધાર વીનાનું વીધાન છે. તેમાં  એમ. એન. રૉયનું વીશફુલ થીંકીંગ કામ કરે છે તેમ કહી શકાય. બટ્રાન્ડ રસેલ પુરા રૅશનાલીસ્ટ હતા; પરન્તુ વુમનાઈઝર હતા તેમ તેમની આત્મકથાના વાચનમાંથી ફલીત થાય છે.

અત્યારના જગતમાં ધર્મ આધારીત નૈતીક્તા ચાલી શકે તેમ નથી. કારણ કે ધર્મને નામે પારાવાર હીંસા થાય છે. ધર્મ નહીં પરન્તુ ધર્માંધતા તેને માટે જવાબદાર છે એવો જવાબ ધર્મના રક્ષકો આપે છે.

પરન્તુ તમારો ધર્મ એવો કેવો છે કે તેનાથી ધર્માંધતા ઉભી થાય છે ! તેનો જવાબ તેઓ આપી શકતા નથી. ધર્મ નહીં; પરન્તુ દરેક રાજકીય કે આર્થીક વીચારસરણી પણ જો બંધીયાર થઈ જાય તો તે ઈર્રૅશનલ અથવા હીંસક બની જાય છે ! (જેમ કે ફાસીઝમ, નાઝીઝમ, સામ્યવાદ, નીઓ ક્લાસીકલ, લીબરાલીઝમ કે બજારવાદ કે સર્વોદયવાદ અને ગાંધીની સંસ્થાઓમાં કેદ થઈ ગયેલો ગાંધીવાદ) ધર્મ કે ‘વાદ’ને બચાવવા વધુ હીંસા થાય છે. માનવજાત માટે અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે યુનીવર્સલ (સાર્વત્રીક) નૈતીક વર્તણુકનાં ધોરણો કેવી રીતે ઘડવાં અને સમગ્ર માનવજાત માટે નૈતીકતાના આધારરુપ સેક્યુલર (ધાર્મીક નહીં) એથીક્સની કેવી રીતે રચના કરવી. 

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

 


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.