મન્દીરમાં ચોરી થયાના ન્યુઝ મને ગમે છે
મને ડાઉટ છે કે આ વાત સાંભળ્યા પછી તમને
મારા માટે અણગમો થશે, મારા વીચારો પ્રત્યે તમને નારાજગી થશે. કદાચ તમને
મારા પ્રત્યે નફરત પણ થઈ જાય ! છતાં મારે વીનમ્ર નીખાલસતાથી કહેવું છે કે
જ્યારે હું કોઈ મન્દીરમાં ચોરી થયાના સમાચાર સાંભળું છું કે કોઈ
સન્ત–સાધુના કૌભાંડોનો ટેટો ફુટતો સાંભળું છું ત્યારે ભીતરથી ખુબ રાજી રાજી
થઈ ઉઠું છું. ‘સારું થયું’ એવું ફીલ કરું છું.
મન્દીર પ્રત્યે અશ્રદ્ધા પેદા થવા માટે આપણું નાસ્તીકપણું જવાબદાર નથી હોતું; પણ આસ્તીકોની અન્ધશ્રદ્ધાનો અતીરેક જવાબદાર હોય છે.
દુધ વગર ટળવળતું ગરીબ બાળક જોયા પછી આપણને છપ્પન ભોગ અને નૈવેદ્ય પ્રત્યે
અશ્રદ્ધા પેદા ન થાય તો આપણી સમજણને સંકોરવાની જરુર છે એમ સમજવું પડે.
ટાઢમાં ધ્રુજી રહેલા કોઈ દરીદ્ર વૃદ્ધની કાયા પર એક કામળો પણ ન હોય અને
બીજી તરફ પથ્થરની પ્રતીમા સોના–ચાંદી, હીરા–માણેકના આભુષણોથી સજાવાતી હોય
ત્યારે આપણું હૈયું કચવાટ ન અનુભવે તો આપણે સમ્વેદનશુન્ય થઈ ગયા છીએ એમ
માનવું પડે.
આસ્તીકોને મારે એટલું જ પુછવું છે કે શું તમે જાણો છો કે ઈશ્વર જેવું કોઈ તત્ત્વ હોય તો એ કોને મળે અને ક્યારે મળે ?
ઈશ્વર હમ્મેશાં શબરી અને સુદામા પાસે સામે ચાલીને જાય છે. એ કદી શ્રીમંતોના ઘરે નથી જતો.
ઈશ્વર એઠાં બોર અને તાંદુલથી રાજી થાય છે એને છપ્પનભોગની કશી જ જરુર નથી.
મહાભારતના સંગ્રામ પહેલાં શ્રીકૃષ્ણ વીષ્ટી
માટે હસ્તીનાપુર ગયેલા ત્યારે એ કૌરવો સાથે રાજમહેલમાં નહોતા રહ્યા,
વીદુરજીના ઘરે રહેલા અને ખીચડી ખાઈને રાજી થયેલા. મહાવીર પણ ચંદનબાળાને
ઉગારે છે અને બુદ્ધ પણ ગણીકા વાસવદત્તાને તારે છે. ઈશ્વર કદી શ્રીમંતોની
ફેવર કરતો જોવા મળ્યો નથી. જો ઈશ્વરને મોંઘા ચઢાવા ગમતા હોત, સોના–ચાંદીનાં
આભુષણો–આંગીઓ ગમતાં હોત તો એ શ્રીમંત માણસોની ફેવર તરફેણ કરતો હોત. ભગવાન
મહાવીર જ્યારે તપશ્ચર્યા કરવા માટે વનમાં ગયા ત્યારે કેટલાક ભોળા–ઉત્સાહી
લોકોએ એમના માટે ઘાસની કુટીયા બનાવી દીધી હતી. ટાઢ–તાપ અને વરસાદમાં એમને
તકલીફ ન પડે એની ચીંતા ભોળા ભક્તો કરતા હતા; પરંતુ ત્યાં ચરતી–ફરતી ગાયો
આવીને કુટીયાનું ઘાસ ખાવા લાગી એ જોઈને લોકોએ મહાવીરને કહેલું ધ્યાનમગ્ન
ભલે બનો; પરંતુ આ કુટીયાનું ધ્યાન રાખવાનું ન ભુલો. ત્યારે મહાવીરે કહેલું
કે, ‘જ્યારે મને મારી આ કાયાનું જ ધ્યાન નથી; ત્યાં કુટીયાનું ધ્યાન શી રીતે રાખું ?’
આપણાં દીમાગ ચસકી ગયાં છે કે આપણે આરસપહાણનાં મંદીરો બનાવીએ છીએ. ઈશ્વરને તો ઘાસની કુટીયાનોય ખપ નથી ! મન્દીરનો પરીગ્રહ ભલે ચોરને કામ આવતો !
એક મજબુર ઓરત બસો–પાંચસો રુપીયા માટે
પોતાના ચારીત્ર્યનો સોદો કરતી હોય એવી ક્ષણે કયા ભગવાનને બાવન ગજની ધજાના
ઓરતા હોય ? નક્કી, આપણને કોઈકે અવળા રવાડે ચઢાવ્યા છે. ઈશ્વરને વળી એવી શી
ગરજ હોય કે એ તમારી પાસે પુનમો ભરાવે અને પ્રસાદના થાળ ચઢાવરાવે ? કોઈક ખોટી એજન્સીએ આપણને ગુમરાહ કર્યા છે.
થોડાં વર્ષ પહેલાં એક સાધ્વીજીએ વૈરાગ્ય છોડીને સંસારમાં પાછા વળવાનો નીર્ધાર કરેલો. તેમણે એ નીર્ણય સાકાર કર્યો ત્યારે મેં ‘સંસારમાં તમારું સ્વાગત કરું છું’
એવા શીર્ષકથી એક લેખ લખેલો. ઘણા લોકોએ મારા એ લેખ પ્રત્યે નારાજગી
બતાવેલી; પણ એના કરતાં વધારે લોકોએ મારી વાતમાં પોતાનો સુર પુરાવ્યો હતો.
સાધુવેશમાં રહીને ખાનગીમાં દુરાચર કરવા કરતાં; સાધુવેશ છોડી દેવામાં એના
પ્રત્યેનો વીશેષ આદર પ્રગટ થાય છે. સાધુઓના હાથે લખાયેલા પ્રેમપત્રો મેં
સગી આંખે વાંચ્યા છે. એ સાધુ અત્યારે મુમ્બઈમાં રહીને ઠેર–ઠેર પોતાની
લોભામણી વાણીથી પોતાના ભક્તોને ધર્મના નામે છેતરી રહ્યા છે. એની પાસે
ચમત્કારની કથાઓ અને મંત્રતંત્રના ધતીંગો છે.
સાધુને બગાડવામાં સંસારીઓ જ જવાબદાર છે. શા
માટે આપણે વેવલા થઈને તેમને બીનજરુરી ચીજો અર્પણ કરી આવીએ છીએ ? શા માટે
આપણે તેમના આશીર્વાદ લેવા અને વાહીયાત ઉપદેશો સાંભળવા લાઈનમાં ખડા રહી જઈએ
છીએ ? વાસક્ષેપ અને ભભુતી કે કંકુની ચપટીઓ પાછળ આપણે આપણું પ્રજ્ઞાતંત્ર
કેમ સ્થીર કરી દઈએ છીએ ? જે સાધુ જેટલો મોટો આડંબર કરે એને આપણે બહુ મોટા બાપજી કેમ સમજીએ છીએ ?
આપણી ભોળી ભક્તી સાધુને એના ત્યાગનો રાહ ભુલાવડાવે છે અને આપણને એ પાપના
અધીકારી બનાવે છે. ભક્તી અને સેવા–વૈયાવચના નામે આપણે અજાણતાં જ કેવાં ઘોર
પાપ તરફ ધકેલાઈ રહ્યા છે એ સમજાય તો તો ‘નો પ્રોબ્લેમ’…..
અક્ષરાંકન: ગોવિંદ મારૂ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.