સાધુસંતોને કારણે નહીં; પણ સ્ત્રીઓને લીધે હીંદુ ધર્મ સદીઓથી ટકી રહ્યો છે.
સ્ત્રીઓમાં સામાન્યત: ધાર્મીક વૃત્તી વધારે હોય છે. આ ધાર્મીક વૃત્તી ન પણ
હોઈ શકે અને ચમત્કારથી સહેલાઈથી અંજાઈ જવાની લાક્ષણીકતા પણ હોય શકે, કારણ
આપણો હીંદુ ધર્મ ચમત્કારોથી ભરપુર છે.
નાનપણમાં
અમારા ઘરમાં ભગવાનની પુજાનો વારસો દાદીમાએ મારી બાને પકડાવ્યો હતો. મારા
બાપા કે કાકાઓને મેં કદી મંદીરનાં પગથીયાં ચઢતાં જોયા નથી. અમારા ઘરમાં
હીંદુ ધર્મનો આદર થતો તે ફ્ક્ત મારી બાની શ્રદ્ધાને લીધે જ. અમારા ઘરમાં
દેવમંદીર હતું. ભગવાનની સેવાની મારી બાની તમન્ના તેણે મને પકડાવી હતી. પરીક્ષામાં પહેલા નંબરની લાલચ આપીને. રોજ સવારે ભગવાનની પુજા મારી પાસે કરાવતી હતી. સવારે પુજા થઈ ગયા પછી આશીર્વાદ આપતી કે ભણીગણીને વીલાયત જજે. વીલાયતનું તો ન ગોઠવાયું પણ અમેરીકા આવી ગયો. મને પુજા કરવાનો જબરજસ્ત કંટાળો આવતો હતો. મીત્રો બહાર ગીલ્લીદંડા કે ક્રીકેટ રમતા ત્યારે મારે પુજાપાઠ કરવાં પડતાં. પરંતુ ભગવાનને ચોપડે ભક્તીનું ખાતું તો મારી બાના નામનું હતું. મારી
બા ખુબ ભક્તીભાવવાળી હતી. સવારે ઉઠતાંવેત સ્વપ્નમાં કયા ભગવાન આવ્યા હતા
તેની વાત કરે. જ્યારે હું મીત્રો સાથે સ્વપ્નમાં મધુબાલા આવી હતી કે નરગીસ
તેની ચર્ચા કરતો ! અમારા ઘરમાં હીંદુ ધર્મનો ઝંડો મારી બાએ ફરકાવ્યો હતો.
મેં જોયું છે કે મારા છ કાકાઓના ઘરમાં પણ બધી
કાકીઓએ ધર્મના ઝંડા પક્ડ્યા હતા. અમારા કુટુંબની બધી સ્ત્રીઓ પોતે સૌથી
વધુ ધાર્મીક છે એ પુરવાર કરવા હંમેશાં મથતી હતી.
એક વખત
મારાં ભાનુકાકી મારી બા પાસે આવ્યાં ને કહે, ‘સુશીલા, તારે સત્યનારાયણની
કથા કરાવવી પડશે અને પાંચ બ્રાહ્મણ જમાડવા પડશે, કારણ કે તારો હરનીશ માંદો
પડ્યો હતો ત્યારે મેં બાધા રાખી હતી કે, ‘હે ભગવાન, સુશીલાનો હરનીશ બચી જશે
તો હું સુશીલા પાસે સત્યનારાયણની કથા અને બ્રહ્મભોજન કરાવીશ.’ મારી બાને ગુસ્સો તો ચઢ્યો કે મારા વતીની તેં બાધા કેમ રાખી ? પણ
હવે બાધા પ્રમાણે કથા અને બ્રહ્મભોજન ન કરે તો પોતાની ધાર્મીક વૃત્તીમાં
ખામી ગણાય. એટલે એણે પાંચ નહીં પણ દસ બ્રાહ્મણ જમાડ્યા (સાથે પચાસેક
સગાંવહાલાં તો ખરાં જ !) અને સત્યનારાયણનું વ્રત ધામધુમથી ઉજવ્યું.
બાધાની વાત
કરીએ તો મારાં હસુભાભીએ કનુભાઈ માંદા પડ્યા હતા ત્યારે બાધા રાખી હતી કે
‘જો મારા પતી સાજા થઈ જશે તો હું આવતી શરદ પુનમે તેમને ડાકોર ચાલતા
રણછોડરાયજીની સેવા કરવા મોકલીશ.’ કનુભાઈનું નસીબ નબળું તે માંદગીમાંથી તે
બચી ગયા. કનુભાઈ હરતાફરતા થયા એટલે ભાભીએ એમને બાધાની વાત કરી. કનુભાઈ ભડકી ઉઠ્યા. રાજપીપળાથી ડાકોર દોઢસો-બસો કીલોમીટર દુર ! ભાઈ કહે, ‘મારા વતી તું ચાલ, તેં બાધા રાખી છે. મેં નહીં.’ સ્ત્રી પોતાની શ્રદ્ધા સાબીત કરવા બીજાને ગરદન મારતાં જરા પણ ન અચકાય.
પછી ડાકોર ચાલતા જવાનો કોયડો અમારા બાબુકાકાએ ઉકેલ્યો. ગામના
લાકડાવાળા શેઠની ટ્રોલી(ટ્રક) ભાડે કરી. કનુભાઈને અંદર ઉભા રાખી અને
ટ્રોલીમાં એક છેડેથી બીજે છેડે સાંકળ પકડીને ચાલવાનું સુચવ્યું. અને ટ્રોલી
ભાગી ડાકોર તરફ. ચાલવાનું વ્રત પણ સચવાયું અને હસુભાભીને પુણ્ય મળ્યું.
ફેર એટલો પડ્યો કે કનુભાઈએ હસુભાભીને કહ્યું કે ‘હવે જો કોઈ દીવસ તું
માંદી પડે તો મારી બાધા જોજે. હું તને મથુરા સુધી ઉઘાડા પગે ચલાવીશ !’
અમારા
ગામમાં ખુબ સુંદર આરસની લાદીવાળું લાકડાની ઉંચી છતવાળું ભગવાન
લક્ષ્મીનારાયણનું સુંદર મંદીર હતું. છતમાંથી લટકતાં ઝુમ્મર અને દીવા
સળગાવવાના રંગબેરંગી કાચના લેમ્પ અને લક્ષ્મીનારાયણની સફેદ આરસ-પહાણની
મુર્તીઓ હતી. કહેવાતું કે રાજપીપળાના મહારાજા પણ દર્શન કરવા આવતા.
મુળ વાત એ કે ઉનાળામાં વાતાનુકુલ જેવી ઠંડક મંદીરમાં રહેતી. જ્યારે
જુઓ ત્યારે કોઈને કોઈ કથાકારની કથા ચાલતી જ હોય. સો દોઢસો માણસો બેસી
શકતા. મોટા ભાગની સ્ત્રીઓ હોય. સાથે પાંચ દસ પુરુષો પણ કથામાં બેસતા. અમે
છોકરાંવ ત્યાં રમવા અને પ્રસાદ ખાવા જતાં. મેં જ્યારે જોયું છે ત્યારે પુરુષો મંદીરની ઠંડકમાં ઉંઘતા જ હોય ! કથા
કથાની જગ્યાએ ને મહારાજ મહારાજની જગ્યાએ ! જ્યારે પુરુષો પોતાની ઉંઘ બપોરે
આરામથી પુરી કરી લેતા. મને ત્યારે લાગતું કે ધાર્મીક વૃત્તી ગઈ એને ઘેર. આ લોકો મંદીરમાં ઉંઘવા જ આવતા. જ્યારે મંદીર તરફથી શ્રોતાજનોને એક એક રકાબી ચા અને પ્રસાદ મળતો ત્યારે તેઓ આંખો ખોલતા અને કામ પતાવીને પાછી મીંચી દેતા. અમે છોકરાંઓ આ સેવા પુરી પાડતાં. કથામા જ્યારે ભજનો ગવાતાં ત્યારે બેચાર સ્ત્રીઓ હાથ ઉંચા કરીને નાચતી. ભક્તીભાવ હોય કે જુવાનીમાં નાચવાના રહી ગયેલા અભરખા હોય, જે હોય તે, પણ સ્ત્રીઓમાં ભક્તીભાવ છલકાતો હતો. એ લોકો બાકીના શ્રોતાઓનું ખાસ ધ્યાન ખેંચતાં. આપણને લાગે કે એ સ્ત્રીઓ નાચવા જ આવતી.
ધરમના ધંધા ભલે પુરુષોના હાથમાં રહ્યા. પરંતુ તેમના ગ્રાહક તો સ્ત્રીઓ જ છે. સ્ત્રીઓની ધાર્મીક ભાવનાને કારણે જ ધર્મનો વીકાસ થયો છે. હીંદુ ધર્મ સ્ત્રીઓને ગમે છે, કારણ કે એમાં આવતી દેવીઓ આગળ પુરુષોનાં ઝુકતાં માથાં જોવાની તેમને મઝા આવે છે. હીંદુ ધર્મ સ્ત્રીશક્તીને પુજે છે. શકંર ભગવાન, કહેવાય ભગવાન, પણ તેમના શેઠ (બોસ) તો પાર્વતી જ ને ! શીવપુરાણમાં ઠેર ઠેર પાર્વતીનો જ વૈભવ છે. મારા બાપુજી ઘણી વાર કહેતા કે ‘અલ્યા નારાયણને ભજ તો પતી પાછળ લક્ષ્મીજી તારે ત્યાં આવશે.’ આજે મોટો થયો ત્યારે સમજાયું કે જ્યાં જ્યાં લક્ષ્મીજી છે ત્યાં ત્યાં નારાયણ બીચારા લક્ષ્મીજીની પાછળ પાછળ ઘસડાય છે.
ગુજરાતણોમાં અંબામાતાનું ચલણ બહુ, મારી પત્નીનાં તો ખાસ પ્રીય માતા અંબામા ! એને એ ગમે છે કારણ કે મોટા
વાઘને બકરી બનાવીને એના પર સવાર થાય છે. જ્યારે એ માતાજીની પુજા કરીને ઉઠે
ત્યારે હું તેને રસ્તે આડો નથી આવતો, કારણ કે માતાજીની પુજા કર્યા પછી
આપણને લાગે કે માતાજી સ્વયં એનામાં સમાયાં છે અને કોઈક વાઘને બકરી બનાવવા
તત્પર છે !
છેલ્લે,
જ્યારથી મારી પત્નીએ જાણ્યું છે કે હું નાનપણમાં મારી બાને ખુશ રાખવા મારા
ઘરમાં ભગવાનની પુજા કરતો હતો ત્યારથી અમારા ઘરમાં રોજ સવારે ભગવાનની પુજા
મારી પાસે કરાવવાના પ્લાન ઘડે છે. પુજા મારે કરવાની અને ભગવાન પાસે એના નામનું ખાતું ખોલાવવાનું. તમને લાગે છે કે હું એમ કરીશ ? તમારી વાત ખરી છે. હું ભગવાનની પુજા કરીશ.
–હરનીશ જાની
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.