skip to main |
skip to sidebar
ભારત અલ્પવીકસીત દેશ શા માટે છે ?
આઝાદીનાં ૬૦ વર્ષો પછી પણ ભારત એક અલ્પવીકસીત દેશ તરીકે જ ઓળખાય છે. ૧૮૨ દેશોની યાદીમાં છેક ૧૩૪મા ક્રમે ભારત દેશનો નંબર આવે છે, શા માટે ?
કારણ કે ભ્રષ્ટાચાર, અનામત, જાતીવાદ, પ્રાંતવાદ, બેઈમાની, અંધશ્રદ્ધા
જેવાં દુષણો આ દેશના નેતાઓ તેમ જ દેશના રહેવાસીઓની આદત બની ગઈ છે.
આ દેશના નેતાઓનો પ્રથમ ધર્મ એ જનસેવા,
દેશની ઈજ્જત કે દેશનો વીકાસ નહીં; પરંતુ પોતાની ખુરશી અને બૅન્ક બેલેન્સ
જળવાઈ રહે તેનું તેઓ વધુ ધ્યાન રાખે છે. ભારત
દેશની ઓળખ એક ખેતીપ્રધાન દેશ તરીકેની છે. ખેડુતો માટે હજારો કરોડ રુપીયાની
લોન તેમજ સબસીડી જાહેર કરવામાં આવે છે; તો પણ આ દેશમાં સૌથી વધુ
આત્મહત્યા ખેડુતો કરે છે. વરસાદ ઓછો પડે તો અનાવૃષ્ટી અને વધુ પડે તો
અતીવૃષ્ટી ! મોંઘવારી કદી ઓછી થતી નથી ! આ દેશમાં લોકો સાધુ-બાવા,
ધર્મગુરુઓ, બાપુઓ તેમ જ મહારાજોને ભગવાનની જેમ માને છે અને તેઓની પાછળ સમય
અને પૈસાનો વ્યય ગાંડાની જેમ કરે છે. પછી ભલે આવા ઠગ લોકો ધર્મની આડમાં
નાસમજ લોકોનું શોષણ કરતા હોય કે ગેરકાનુની પ્રવૃત્તી કરતા હોય તો પણ; આવા
લોકોની દુકાન આ દેશમાં ધમધોકાર ચાલતી જ રહે છે. આ દેશમાં લાખો લોકોને બે
વખતનું ભોજન અને કપડાં મળતાં નથી, વ્યક્તીદીઠ પાંચ હજારથી પણ વધુ રકમનું
દેવુ છે; છતાં શ્રદ્ધાનું મુખોટું પહેરી આ દેશની જનતા દર વર્ષે હજારો કરોડ રુપીયા મુર્તીઓ પાછળ બગાડે છે. દેશમાં શૌચાલય બનાવવા પાંચ રુપીયાનું દાન ન કરનારા, મંદીરો બનાવવા માટે પાંચ લાખનું દાન કરવામાં પોતાનું ગૌરવ સમજે છે ! દુનીયાના
દરેક દેશો આજે પ્રદુષણ ઓછું થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે. બધાને ખબર
છે કે પર્યાવરણને જાળવવું જરુરી છે, પ્રકૃતીને સાચવવી જ પડશે તો પણ; આ
દેશમાં રીવાજ, પ્રથા, વાર-તહેવાર અને ધર્મના નામ પર પ્રદુષણ થતું જ રહે છે
અને થતું જ રહેશે ! કારણ કે આ દેશ માનવતાના ધર્મ પર નહીં; કેવળ ધર્મ પર
આધારીત છે.
આ દેશમાં ગુનેગારો ગુનો કરવાથી ગભરાતા નથી; કારણ કે આ દેશમાં કાયદો એક બનાવવામાં આવે છે; તો તેની સાથે કાયદાથી બચવા માટે બે છટકબારીઓ રાખવામાં છે.
આ દેશમાં
પૈસાથી કાયદો ખરીદી શકાય છે અને ન્યાય મળે તો પણ અડધી જીન્દગી અદાલતના
આંટા-ફેરામાં જ નીકળી જાય છે ! આ દેશની બેટીઓ દહેજની આગમાં સળગતી જ રહે છે.
આ દેશમાં ‘બેટી બચાવો’ નારાની શું કોઈ જરુર છે ખરી ?
સવાસો કરોડથી વધુ વસ્તીવાળા આ દેશના કેટલાક નેતાઓ અને નાગરીકો મફતમાં મળેલી સ્વતંત્રતા પચાવી શક્યા નથી. તેઓ માટે દેશદાઝ માત્ર ‘મેરા ભારત મહાન’ બોલવા પુરતું અને ૧૫મી ઑગસ્ટે તેમ જ ૨૬મી જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવાની ઔપચારીકતા પુરતું જ છે અને એ આની આ જ રફ્તાર રહેશે તો દેશનો પહેલો નંબર (છેલ્લેથી) આવતા વધુ રાહ નહીં જોવી પડે અને આ અલ્પવીકસીત દેશ કદી વીકસીત નહીં બની શકે !
-કીરણ એ. સુર્યાવાલા, સુરત
સુરતના દૈનીક “ગુજરાતમીત્ર”ના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૧૫/૧૦/૦૯ના રોજ પ્રકાશીત થયેલ આ ચર્ચાપત્ર; ચર્ચાપત્રી–લેખીકા તેમ જ ‘ગુજરાતમીત્ર’ દૈનીકના સૌજન્યથી સાભાર…
ગોવિંદ મારૂ ના અભિવ્યક્તિ બ્લોગમાંથી
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.