[‘અખંડ આનંદ’ સામાયિક મે-2011માંથી સાભાર.]
હર્ષ જમવાની ના પાડે છે, એને માટે પીઝા મંગાવી લઈએ, એ રાજી થઈને ખાશે;
આજે દાળભાત ખાવાનો મૂડ નથી, પાણીપૂરી અને કુલફીનો પ્રોગ્રામ કરીએ; મને
ઑફિસેથી આવતાં મોડું થવાનું છે એટલે બધી રસોઈને બદલે હું ઝટપટ નૂડલ્સ બનાવી
નાખીશ; બેટા આજે લંચબૉક્સ નથી તૈયાર કર્યો, તું કેન્ટીનમાંથી સમોસા કે
બર્ગર કે એવું ખાઈ લે જે, લે આ પૈસા; બાપ રે, તમે લારી-ગલ્લાનો કચરો
ઝાપટ્યો ?………..
ફાસ્ટ ફૂડ, જંકફૂડ, ઈન્સ્ટન્ટ ફૂડ, રેડી ટુ ઈટ ફૂડ, સ્ટ્રીટ ફૂડ, ટેક
અવે ફૂડ વગેરે હવે વારંવાર સાંભળવા મળે છે. આપણે સાધારણ રીતે બધા માટે
‘ફાસ્ટ ફૂડ’ નો શબ્દપ્રયોગ વાપરીએ છીએ, પરંતુ આ આહારો જુદા જુદા છે. ફાસ્ટ
ફૂડ એટલે ઓછા સમયમાં ઝડપથી તૈયાર થઈ જતી વાનગી. દા..ત, સેન્ડવીચ, બર્ગર,
પીઝા, પેટિસ, ભજિયાં, સમોસા, ભેળપૂરી, પાંઉભાજી, ઈડલી, ઢોંસા, પૂરી, પૂડલા,
સલાડ વગેરે અમુક ચીજો અગાઉથી તૈયાર કરી રાખવામાં આવી હોય છે. તેથી
ગ્રાહકને લાંબો સમય રાહ નથી જોવી પડતી. ગ્રાહક આવે ત્યારે ઝટપટ આપી શકાય
છે. બધી જ વાનગીઓ જુદી જુદી ગુણવત્તા ધરાવે છે. થોડી વાનગીઓ પોષક હોય છે.
દા..ત, સલાડ, ઈડલી, ઢોકળા. કેટલીક વાનગીઓમાં પોષક અથવા સ્વાસ્થ્યવર્ધક ઘટકો
બહુ ઓછાં હોય છે. દા..ત, પીઝા, કૅન્ડી જ્યારે અમુક વાનગીઓ સ્વાસ્થ્ય માટે
હાનિકારક હોય છે. દા..ત, ઠંડા પીણાં, ‘બુઢ્ઢીકા બાલ.’ ટૂંકમાં બધાં જ
‘ફાસ્ટ ફૂડ’ને ‘જંક ફૂડ’ ન કહી શકાય.
જેને આપણે ‘કચરો’ કે ‘આચરકૂચર’ તરીકે જાણતાં હતાં તેને હવે ‘જંક ફૂડ’નું
નામ મળ્યું છે જે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોય છે. તેની અસર તરત ન જણાય,
પરંતુ લાંબે ગાળે અમુક તકલીફો શરૂ થાય છે. આ ઉપરાંત આવા પદાર્થોમાં
પ્રોટીન, વિટામિન આવશ્યક ક્ષારો અને રેસાનું પ્રમાણ નહિવત હોય છે. આવી ચીજો
સ્વાદમાં સારી લાગે (હકીકતમાં આપણે કેળવેલી વૃત્તિને લીધે). ખાવાનું કે
ખવડાવવાનું મન થાય, તે ખાવાથી પેટ પણ ભરાય, છતાં પોષણને બદલે માત્ર કૅલરી
અને ઉપર જણાવેલા ઘટકો ઉપરાંત કૃત્રિમ રંગો શરીરને નુકશાન કરે છે. આમાં
ચૉકલેટ, આઈસક્રીમ, કૅન્ડી, કેક, બર્ગર, પીઝા, ચીપ્સ, ફ્રાઈઝ (બટાટાના તળેલા
લાંબા ટુકડા), બાટલીઓમાં વેચાતાં ઠંડાં પીણાં, શરબત (કૃત્રિમ પદાર્થોનું)
જેવી ચીજોનો સમાવેશ થાય છે.
‘ઈન્સ્ટન્ટ ફૂડ’ તત્કાળ, થોડી જ મિનિટોમાં તૈયાર થઈ જતા પદાર્થો છે.
દા…ત, નૂડલ્સ, કોર્ન ફલેક્સ, સૂપ પાઉડરમાં ગરમ પાણી ભેળવી બનાવેલો સૂપ,
મકાઈ કે રતાળુ જેવી શેકેલી ચીજો, દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી ‘ઈડીયપમ’
(ચોખાના લોટની સૂકવેલી સેવ) જેને એક-બે મિનિટ માટે ઉકળતા પાણીમાં ડુબાડી,
બહાર કાઢી, પાણી નિતારી તરત જ ખાઈ શકાય છે. હવે આ પ્રકારની નવી નવી બનાવટો
મળવા માંડી છે. ઝડપી જીવનશૈલી, સમયનો અભાવ, બદલાયેલી અગ્રક્રમતા, આળસ, એકલા
રહેતા વૃદ્ધો, ખર્ચ કરવાની તૈયારી અને સહેલાઈથી મળતી સુવિધા આનાં મુખ્ય
કારણો છે. શેકવાની, બાફવાની કે રાંધવાની અમુક પ્રક્રિયા અગાઉથી જ કરી
લેવામાં આવી હોવાથી ગરમ કે ઠંડાં દૂધ/પાણીમાં ભેળવવાની જ જરૂર પડે છે.
‘રેડી ટુ ઈટ’ પદાર્થો સંપૂર્ણ રીતે રાંધેલા હોય છે. માત્ર ગરમ કરવાના હોય
છે. શાક, પાત્રા, ઉંધિયું, પુલાવ, દાળ વગેરે ઘણી વાનગીઓ ટીનમાં કે બીજી
રીતે પૅક કરેલી મળે છે. હોટલમાંથી મંગાવતી વખતે આ વાનગીઓ મોંઘી પડે છે અને
ગમે તે સમયે નજીકની સારી હોટલમાંથી લાવવાનું શક્ય ન પણ હોય તેથી આવા ખાદ્ય
પદાર્થોનો વપરાશ વધવા માંડ્યો છે – ખાસ કરીને કામમાં બહુ વ્યસ્ત હોય, એકલી
રહેતી હોય અથવા ઘેર આવવાનો સમય અનિયમિત હોય તેવી વ્યક્તિઓ દ્વારા. સાધારણ
રીતે સારી ગૃહિણી પાસેથી ટિફિન મંગાવી તાજો ખોરાક વાપરવો તે બહેતર પર્યાય
છે.
‘સ્ટ્રીટ ફૂડ’ એટલે લારી, ગલ્લા અને સાર્વજનિક સ્થળે મળતી ચીજો દા…ત,
ચાટ, પાણીપૂરી, ભેળપૂરી, ભજિયાં, સમોસા, નૂડલ્સ, શરબત, બરફગોળો, હલકા કે
ભેળસેળવાળા પદાર્થો અને સંભાવ્ય અસ્વચ્છતાને લીધે સસ્તા હોવા છતાં આ
ખાદ્યપદાર્થો સ્વાસ્થ્યને નુકશાન કરી શકે. કૅલરી, ખાંડ, મીઠું, ચરબી, રંગ
ઉપરાંત જીવાણુની હાજરી ઊલટી, ઝાડા, મરડો, કમળો કે ટાઈફૉઈડ જેવા રોગની
શક્યતા વધારે છે. જો કે બહારથી સારાં દેખાતાં રેસ્ટોરાં, હોટલ, કાફેટેરિયા,
જોઈન્ટસ દુકાનોનાં રસોડાં-અથવા એ જ્યાંથી ખાદ્ય પદાર્થો મંગાવતા હોય તે
સ્થળો સ્વચ્છ જ હોય તેવું નથી.
ફાસ્ટ ફૂડનો ઉપયોગ કૂદકે ને ભૂસકે શા માટે વધતો જાય છે ? સર્વ પ્રથમ
પ્રગતિ, આધુનિકરણ, વૈશ્વિકીકરણ ને નામે આપણાં પારંપારિક મૂલ્યો બદલાયાં છે.
બહાર ખાવું કે બહારની ચીજો ખરીદી ઘરમાં લાવી ખાવી કે પીરસવી તે હવે
સામાન્ય થઈ ગયું છે. કેટલીક વાર એ મોભાનું પ્રતીક ગણાય છે. વિભક્ત
કુટુંબોની બદલાઈ ગયેલી રહેણીકરણી, નોકરીએ જઈ થાકીને ઘેર આવતી મહિલાઓ,
રસોડામાં વધારે સમય ગાળવાનો કંટાળો, ખર્ચ કરવાની તૈયારી અને ઈચ્છિત વાનગીઓ
સહેલાઈથી કે ઘેર બેઠાં મેળવી શકવાની સુવિધા તેમ જ સંતાનોની માંગણી આનાં
મુખ્ય કારણો છે. માધ્યમો પર આવતી લલચાવનારી અને આકર્ષક જાહેરાતો, ‘બાય વન,
ગેટ વન ફ્રી’ જેવી યોજનાઓ, જ્યાં આવી જ વાનગીઓ પીરસવામાં આવે છે તેવી
પાર્ટીઓ અને કાર્યક્રમની સંખ્યામાં થતો વધારો, દેખાદેખી અને આવી વાનગીના
અતિરેકને લીધે થતાં સંભાવ્ય નુકશાનનું અજ્ઞાન કે તેની અવગણના પણ આ નવી
પરંપરાને ટકાવી રાખે છે. શાળાની કૅન્ટીન કે આસપાસના પરિસરમાં પણ આ ચીજો
છૂટથી વેચાય છે.
બધાં જ ‘જંક ફૂડ’ અને મોટા ભાગનાં ‘ફાસ્ટ ફૂડ’ સ્વાસ્થ્યને હાનિ
પહોંચાડે છે. મેંદો, વધુ પડતી ચરબી-ખાસ કરીને ટ્રાન્સ ફેટ તરીકે જાણીતું
ઘટક, વધારે પ્રમાણમાં મીઠું, સોડા, સાકર અને કૃત્રિમ રંગો આને માટે જવાબદાર
છે. સ્થૂળતા, ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની વધતી શક્યતા, દાંતનો સડો, વધુ
પડતી ચંચળતા અને ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી તેની પ્રત્યક્ષ અસરો છે.
આવા પદાર્થો ખાવાથી પોષક આહાર લેવામાં ઘટાડો થાય તે આડકતરી અસર છે. ‘ફાસ્ટ
ફૂડ’નું પ્રમાણ ઓછું કરવા વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક સ્તર ઉપરાંત શાળા,
માધ્યમો અને શાસન પણ ફાળો આપે તે આવશ્યક છે. નાનપણથી જ રંગરંગનાં ફળો,
કચુંબરો અને ફણગાવેલા કઠોળ આકર્ષક રીતે બાળકને પીરસવા જોઈએ. ચૉકલેટ, કેક,
આઈસ્ક્રીમ જેવા પદાર્થોને બદલે શીરો, મઠો કે ફળનો ગર મેળવેલું દહીં વધારે
વાપરી શકાય. ભેટ, ઈનામ કે લાલચ તરીકે ચૉકલેટનો ઉપયોગ ટાળવો. ઠંડાં પીણાંને
બદલે ફળોનો તાજો રસ, નાળિયેરનું પાણી, લીંબુનું શરબત છાશ કે એલચીવાળું દૂધ
વાપરી શકાય. સમારંભમાં પીઝા, કેક, સમોસાં, ઠંડા પીણાં જ પીરસવાને બદલે બીજા
સારા પદાર્થો શોધી શકાય. શાળાના પરિસરમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક ચીજો ન
વેચાય અને માધ્યમો પણ એવી જાહેરાતો પર કાબૂ રાખે તે ઈચ્છનીય છે. ફાસ્ટ
ફૂડથી થતા સંભાવ્ય નુકશાન વિશે માહિતગાર થવું જરૂરી છે.
તેમ છતાં આવી ચીજો માણવાનું મન થાય તો તેની કડક બંધી ફરમાવ્યા વગર પંદર
દિવસે-મહિને ખાઈ લેવી-ઓછા પ્રમાણમાં. મનાઈહુકમ કરતાં સમજાવટ, મનોબળ અને
બીજી સ્વાદિષ્ટ અને પોષક ચીજોની શોધ બાળકો-આધેડોને આ લતથી દૂર રાખશે.