૨૫ એપ્રિલે તેઓ ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કરવાના હતા. એક મહિના પહેલાં તે તેમના લંડનના નિવાસસ્થાને બાથરૂમમાં પડી ગયા હતા અને બે કલાક સુધી ત્યાં જ પડી રહ્યા હતા. ત્યાર બાદ તેમને ત્યાં જ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. એ પછી તે મુંબઈમાં તેમના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલા પ્રખ્યાત હાઇરાઇઝ બિલ્ડિંગ ઉષા કિરણના નિવાસસ્થાને પાછા આવ્યા હતા. તેમને એ પછી થોડી માનસિક અસર જણાતી હતી. ગુરુવારે રાત્રે તેમને ગ્રાન્ટ રોડની ભાટિયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સોમવારે રાતે ૧૧.૦૫ વાગ્યે નિધન થયું હતું. એ વખતે તેમના પુત્રો હસમુખ અને રશ્મિ તેમના પરિવાર સાથે હાજર હતા. ગઈ કાલે સવારે ૧૧.૦૫ વાગ્યે તેમને મરીન લાઇન્સના ચંદનવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા. તેમની બે પત્નીઓનું આ પહેલાં જ અવસાન થયું છે જ્યારે તેમની પુત્રી તેના પરિવાર સાથે બેલ્જિયમમાં રહે છે. તેમના અંતિમ દર્શન માટે મુકેશ અંબાણી સહિત વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢા અને જૈન સાધુ-સાધ્વીઓ ઉપરાંત અનેક લોકો તેમના નિવાસસ્થાને હાજર રહ્યા હતા.
મૂળ રાજકોટ નજીકના પડધરી ગામના દીપચંદભાઈએ ૪૯ વર્ષે તેમની ધીકતી વકીલાત છોડીને નિવૃત્તિ લઈ લીધી અને સમાજસેવાના કામમાં જીવન અર્પિત કરી દીધું. મુખ્યત્વે એજ્યુકેશન ફીલ્ડમાં તેમણે અનેક કામ કયાર઼્ અને કરોડો રૂપિયાનું દાન આપ્યું. તેઓ જ્યારે ૩૧ જ વર્ષના હતા ત્યારે તેમના ગામ પડધરીમાં દાન આપીને પહેલી શાળા શરૂ કરી હતી. ત્યાર બાદ તેમણે દાનની અનેક પ્રવૃત્તિઓ કરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ૪ કરોડ રૂપિયાનું દાન આપી એનું મકાન, વિવિધ ડિપાર્ટમેન્ટ્સ, લૅબોરેટરી અને હૉસ્ટેલ પણ બંધાવી આપ્યાં. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર, ઓડિશા અને આસામમાં પણ અનેક જગ્યાએ દાન આપ્યું. પ્રાઇમરી સ્કૂલથી લઈને યુનિવર્સિટીઓમાં પણ વિવિધ ડિપાર્ટમેન્ટ શરૂ કરવા તેઓ દાન આપતા રહેતા. તેમણે એજ્યુકેશનની દરેક સ્ટ્રીમ સાયન્સ, કૉમર્સ, એન્જિનિયરિંગ, મેડિકલ વગેરે માટે દાન આપ્યું. ગલ્ર્સ અને બૉય્ઝ હૉસ્ટેલ માટે પણ તેઓ દાન આપતા રહેતા.
તેમણે મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી હતી જેની મુંબઈ સહિત ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક એમ મળી કુલ ૪૨ શાખાઓ છે. તેમણે નાગપુરમાં ૪૫૦ વેશ્યાઓને તેમનો એ વ્યવસાય છોડી સ્વમાનભેર જીવવા માટે મદદ કરી હતી અને ૪૦ જેટલી વેશ્યાઓનાં લગ્ન પણ કરાવી આપ્યાં હતાં. અત્યારે પણ તેઓ એઇડ્સવાળાં ૧૨૫ બાળકોનો ભરણપોષણનો ખર્ચ ઉપાડતા હતા. ગુજરાતમાં તેમણે ૨૫૦ કરતાં વધુ સ્કૂલોનું નર્મિાણ કર્યું છે અને ૫૦ કરતાં વધુ હૉસ્પિટલો પણ બનાવી છે. તેઓ નાનામાં નાના માણસનું ધ્યાન રાખતા હતા. તેમણે પોતાના ઘરનોકર ગણપતના ગામમાં પણ તેના (ગણપત) નામે સ્કૂલ બનાવી હતી. મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં તેમણે તેમની પત્નીની યાદમાં ૧૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન રુક્ષ્મણી દીપચંદ ગાર્ડી હૉસ્પિટલ બનાવી છે જેમાં ઍડ્મિશન -ફી, ઑપરેશન-ફી કે પછી દવાના ચાર્જિસ કે રહેવા-ખાવાના ચાર્જિસ એવા કોઈ પણ ચાર્જિસ લેવામાં નથી આવતા. સારવાર સહિત બધી જ સુવિધાઓ ફ્રી આપવામાં આવે છે. આ હૉસ્પિટલમાં ૩૦૦ ડૉક્ટરો સેવા આપે છે અને તેઓ એક વર્ષ માટે તેમની સેવા મફત આપે છે.
કુદરતી હોનારતમાં મદદ કરવા સદાય તત્પર
જ્યારે પણ કોઈ કુદરતી હોનારત થાય ત્યારે તેઓ જાતે એ જગ્યાએ પહોંચી જતા અને દાન કરતા. તેઓ દુકાળના સમયમાં પશુ-પક્ષીઓ માટે રાહતકૅમ્પ ખોલતા. રાજકોટમાં તેમણે સિનિયર સિટિઝનો માટે વૃદ્ધાશ્રમ પણ ખોલ્યો છે. તેઓ અવારનવાર શારીરિક રીતે અક્ષમ (સાંભળી ન શકતા કે બોલી ન શકતા) વ્યક્તિઓ અને અનાથાલયને મદદ કરતા રહેતા.
દીપચંદ સવરાજ ગાર્ડી
જન્મતારીખ : ૨૫ એપ્રિલ ૧૯૧૫
જન્મસ્થળ : પડધરી, જિલ્લો રાજકોટ
અભ્યાસ : BSc, LLB, Bar At Law - London
વ્યવસાય : વકીલાત, સમાજસેવા
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.