શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજના મહિલા મંડળના ભૂતપૂર્વ પ્રમુખ સ્વ . કુંદનબેન બિપીનચંદ્ર સંઘવીના પુત્રવધુ, ચત્રભુજ નરશી મેમોરિયલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી કવિતાબેન નિલેશભાઈ સંઘવી નું ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુરમુના હસ્તે દિલ્હીના વીજ્ઞાન ભવન ખાતે તા.
૦૫-૦૯-૨૦૨૨ના દિને શિક્ષક દિવસના ઉપલક્ષમાં શિક્ષણ મંત્રાલય દ્વારા બહુમાન કરવામાં આવ્યું. તે આપણા સૌ માટે અતિશય ગૌરવ લેવા જેવી વાત છે. તેમને સમાજના હાર્દિક અભિનંદન તથા આવી અસામાન્ય ઉપલબ્ધી માટે વધાઈ. તેમને શિક્ષણ ક્ષેત્રે આપેલ અનુદાનની વિગત નીચે આપેલ છે.
હિસ્ટરી, સાયન્સ, ટેક્નૉલૉજી, એન્જિનિયરિંગ, આર્ટ્સ અને મૅથ એ બધા જ વિષયોને એકબીજા સાથે સાંકળીને ભણવાનું તમે વિચારી શકો? ના, કારણ કે આપણે ત્યાં આ બધા વિષયો જુદા-જુદા જ ભણાવાય છે અને ભણેલી કેટલીક બાબતો જીવનમાં પછી ક્યારેય ઉપયોગમાં આવતી જ નથી. બસ. આ વાત જ મુંબઈનાં શિક્ષિકા કવિતા સંઘવીને ખટકી અને તેમણે એક એવો કોર્સ બનાવ્યો, જેમાં બધા વિષયોને આવરીને જીવનમાં ઉપયોગી થાય એવું શિક્ષણ મેળવી શકાય. શિક્ષણજગતમાં આ ઉમદા કાર્યને કારણે ગઈ કાલના શિક્ષક દિને નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં શિક્ષકો માટેનો ૨૦૨૨નો રાષ્ટ્રીય પુરસ્કાર તેમને એનાયત થયો. આ સન્માન દેશભરના ૪૫ શિક્ષકોને મળ્યું, જેમાં મુંબઈમાંથી તેઓ એકમાત્ર આ સન્માનને પાત્ર બન્યાં છે.
શું છે આ કોર્સ?
આજે શિક્ષણજગતમાં જ્યાં માર્ક્સ અને ડિગ્રીની જ બોલબાલા છે ત્યાં શિક્ષણને સર્વાંગી, સંવેદનશીલ અને જીવનોપયોગી બનાવવાના ભેખ સાથે મુંબઈના શ્રી વિલે પાર્લે કેળવણી મંડળની ચત્રભુજ નરસી મેમોરિયલ (સીએનએમ) સ્કૂલનાં પ્રિન્સિપાલ કવિતા સંઘવી કામ કરી રહ્યાં છે. આ માટે STEAM નામનો ગ્લોબલ આઉટલુક પ્રોગ્રામ ઇન્ટ્રોડ્યુસ કરનાર કવિતા સંઘવી પોતાનો કન્સેપ્ટ સમજાવતાં ‘મિડ-ડે’ને કહે છે, ‘એક સામાન્ય વાત લઈએ, જેમ કે ફૅબ્રિક. ભારતમાં તો કૉટન વધુ યુઝ થાય છે, પણ વિદેશોમાં સિન્થેટિક. આ વસ્તુ શું છે, એની ઇલેસ્ટિસિટી કેટલી છે, એ બળે તો શું પેદા થાય, એ પેદા કેવી રીતે થાય છે વગેરે બાબતોમાં સાયન્સ છે, એનું મટીરિયલ ક્યાં અને કેવી રીતે પેદા થાય એ જ્યૉગ્રાફી છે. એનો કોઈ ડ્રેસ યા કોઈ અન્ય વસ્તુ બનાવીએ ત્યારે જે માપની જરૂર પડે એ મૅથ છે. મટીરિયલ બનાવવા માટે જે મશીનોનો ઉપયોગ થાય એ એન્જિનિયરિંગ છે. મને એવું કંઈક જોઈતું હતું કે વિદ્યાર્થીઓ જે ભણે છે એ રોજિંદા જીવનમાં ઉપયોગી હોવું જોઈએ. ભણેલું કામ લાગે એ જરૂરી છે.’
મૂળ સાયન્સ-ફિઝિક્સનાં ટીચર કવિતા સંઘવી ભણતાં હતાં ત્યારથી તેમને લાગતું હતું કે બધા જ વિષયો એકબીજાથી જોડાયેલા જ છે, એમનું કનેક્શન છે જ તો શા માટે બધા વિષયોને સંલગ્ન કરીને ભણાવવામાં ના આવે? આ વસ્તુનું મહત્ત્વ જાણી મેં એક લર્નિંગ પ્રોગ્રામ બનાવ્યો એમ જણાવતાં કવિતા સંઘવી કહે છે, ‘એજ્યુકેશન સ્કિલ-ઓરિયેન્ટડ અને કૉમ્પિટિટિવ હોવું જોઈએ, જેમાં સ્કિલ, નૉલેજ અને ઍટિટ્યુડ બધું જ શીખી શકાય. ભણતરને વધુ ઉપયોગી બનાવવાના મારા પ્રયત્ન સાથે મને એ પણ જાણવા મળ્યું કે આ રીતે બાળકો આઉટ ઑફ બૉક્સ વિચારતાં થાય છે, મૂલ્યાંકન કરતાં થાય છે અને ઇનોવેશન પણ કરે છે.’
પડકાર કેવા હતા?
કોઈ એક ઘરેડથી અલગ જઈએ ત્યારે પડકારો તો ઝેલવા પડે. કવિતાબહેન કહે છે કે આ સ્કિલ-બેઝ કરિક્યુલમ છે તેથી અગાઉના માઇન્ડ-સેટમાંથી લોકોને બહાર લાવવા પડે. સીએનએમ સ્કૂલના એજ્યુકેશનમાં પોતાનો ‘ગ્લોબલ આઉટલુક પ્રોગ્રામ’ અભ્યાસક્રમમાં દાખલ કરતાં પહેલાં તેમને આ માટે બહુ મહેનત કરવી પડી. પહેલાં STEAM પ્રોગ્રામ બનાવ્યો, પણ એટલું પૂરતું નહોતું. એ માટે સૌથી પહેલાં તો સંસ્થાના ટ્રસ્ટીઓને, શિક્ષણને સંલગ્ન વિભાગોને અને પેરન્ટ્સને એની મહત્તા, એ કેવી રીતે કામ કરશે, એના ફાયદા, એની અસરો વગેરે સમજાવ્યું. આ અભ્યાસક્રમ માટે સમય કેવી રીતે ફાળવવો એ નક્કી કર્યું. શિક્ષકોને ટ્રેઇન કર્યા. પેરન્ટ્સનું ઓરિયેન્ટેશન કર્યું. ઘણાં વર્ષોની મહેનત પછી તેમણે ૨૦૧૯માં સીએનએમમાં એકથી છ ધોરણમાં આ કાર્યક્રમ શરૂ કર્યો. હવે સાતમા ધોરણ સુધીના ૧૫૦૦ સ્ટુડન્ટ્સમાં આ કોર્સ શીખવવામાં આવે છે એની વાત કરતાં કવિતા કહે છે, ‘આ એક એવો એજ્યુકેશન અપ્રોચ છે જેમાં બધા વિષયો એકસાથે ભણાવાય છે. શૂઝની સ્ટડી કરતી વખતે એ કેવી રીતે બને, ક્યાં અને કેવા બનેથી લઈને એનું મટીરિયલ, હીલ, સોલ વગેરે કેવાં રાખવા એમાં સાયન્સનો કન્સેપ્ટ પણ ઉમેરવામાં આવે. આમ આ પ્રકારનું કરિક્યુલમ મારી સ્કૂલમાં ૨૦૧૯થી શરૂ કર્યા પછી સારો પ્રતિસાદ મળ્યો છે. આ માટે અઠવાડિયામાં બે પિરિયડ ફાળવવામાં આવ્યા છે. એક વર્ગમાં ૪૦ સ્ટુડન્ટ્સ છે, પણ અમે ૨૦ વિદ્યાર્થીઓને જ એકસાથે શીખવીએ છીએ.’
દર વર્ષે એક વીક HI-STEAM (હિસ્ટરી, સાયન્સ, ટેક્નૉલૉજી, એન્જિનિરિંગ, આર્ટ્સ અને મૅથ) નામનો પ્રોગ્રામ સીએનએમ સ્કૂલમાં દર વર્ષે એક વીક સુધી થાય છે, જે બારમા ધોરણ સુધીના સ્ટુડન્ટ્સ માટે ફરજિયાત છે. આ વર્ષે એની થીમ ગેમિફિકેશન હતી, જેમાં સ્ટુડન્ટ્સ ગેમ રમતાં-રમતાં અલગ-અલગ કન્સેપ્ટ શીખે છે. આ વખતે મોનોપૉલી, નફો અને નુકસાન શું છે એ શીખ્યા. ગયા વર્ષની થીમ હતી સ્પેસ ઍન્ડ ડેયોન, જેમાં સ્ટુડન્ટ્સ સ્પેસને લગતું બધું શીખ્યા. બાળકો નવું-નવું શીખે છે અને તેમનામાં આવેલા જબરદસ્ત કૉન્ફિડન્સથી પેરન્ટ્સ પણ ખૂબ ખુશ છે.
ટીચર્સ માટે કોર્સ
સીએનએમનાં પ્રિન્સિપાલે એક ઓપન એજ્યુકેશન રિસોર્સ કોર્સ (ઓઇઆર) બનાવ્યો છે જે ઑનલાઇન છે. છ વીકના આ પ્રોગ્રામ પર તેઓ ડૉક્ટરેટ કરી રહ્યાં છે. આ પ્રોગ્રામ ટીચર્સ ટ્રેઇનિંગનો છે.
આજના ભણતરમાં થોડો સુધારો જરૂર થયો છે, પણ હજુ વધુ ટ્રેઇનિંગની જરૂર છે એમ કહેતાં કવિતા સંઘવી જણાવે છે કે એક્ઝામ અને માર્ક-બેઝ એજ્યુકેશન સિસ્ટમથી દૂર જઈને સ્કિલ -ઓરિયેન્ટેડ એજ્યુકેશન બનાવવાની જરૂર છે. તેમના આ પ્રોગ્રામને ભારતમાં પ્રતિસાદ મળી રહ્યો છે. તેઓ ભારત જ નહીં, બંગલાદેશ અને મૉલદીવ્ઝમાં પણ ટીચર્સને ટ્રેઇનિંગ આપી રહ્યાં છે. તેઓ ૨૧ વર્ષથી એજ્યુકેશન ફીલ્ડમાં છે
હવે તેમનું લક્ષ્ય આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પર છે અને અપેક્ષા રાખે છે કે તેમની સ્કૂલના શિક્ષકો વૈશ્વિક દૃષ્ટિકોણ સાથે કોડિંગની આ દુનિયામાં વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં ઉત્કૃષ્ટ દેખાવ કરશે. ‘શિક્ષકો આજીવન શીખનારા હોવા જોઈએ અને નવા ડેવલપમેન્ટ સાથે હંમેશાં સુસંગત હોવા જોઈએ,’ એમ જણાવતાં કવિતા સંઘવીએ કહ્યું કે વડા પ્રધાને શિક્ષક દિને સન્માનપ્રાપ્ત બધા શિક્ષકોને એક જવાબદારી સોંપી કે વિદ્યાર્થીઓને આગળ ધપાવવા શિક્ષકો કામ કરે, તેમને પ્રોત્સાહન આપે અને તેમનાં સંશોધનોને આગળ ધપાવે.